Lawrence Bishnoi gang Canada shooting: કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનું નેટવર્ક ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કેનેડામાં રવિવારે મોડી રાત્રે ત્રણ જુદી જુદી જગ્યાએ થયેલા ફાયરિંગની જવાબદારી બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર સ્વીકારી લીધી છે. ગેંગે કરેલી પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે તેઓ 2 નંબરના ધંધા એટલે કે ગેરકાયદેસર વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો પાસેથી વસૂલી કરે છે, મહેનતુ લોકો પાસેથી નહીં.
પોર્ટુગલથી ગેંગની ધમકી, અત્યાધુનિક હથિયાર સાથે શૂટર
બિશ્નોઈ ગેંગ તરફથી પોર્ટુગલમાં રહેતા ફતેહ પોર્ટુગલ નામના વ્યક્તિએ આ ઘટનાઓની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર ફાયરિંગનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં એક શૂટર અત્યાધુનિક હથિયારથી ફાયરિંગ કરતો દેખાય છે. આ વીડિયો ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
કેનેડિયન પોલીસે હાલમાં ઘટનાસ્થળોને સીલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. શરૂઆતી રિપોર્ટ્સ મુજબ, ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી, પરંતુ પોલીસે આ ઘટનાને સંગઠિત અપરાધ સાથે જોડાયેલું મોટું ષડયંત્ર ગણાવ્યું છે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ કેનેડાની સરકારે લૉરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. ત્યારથી જ આ ગેંગ સોશિયલ મીડિયા પર સક્રિય થઈને પોતાની હાજરી બતાવવાનો પ્રયાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર બિશ્નોઈ ગેંગનો શું દાવો છે?
સોશિયલ મીડિયા પર પોતાને ‘ફતેહ પોર્ટુગલ’ ગણાવતા શખ્સે પોસ્ટમાં જણાવ્યું કે જ્યાં ત્રણ જગ્યાએ ફાયરિંગ થયું, તે સ્થળો છે – Theshi Enterprise (1254, 110 Ave), House No. 2817 (144 St) અને 13049, 76 Ave Unit No.104.
દાવો કરનાર વ્યક્તિએ કહ્યું કે, આ તમામ સ્થળો ‘નવી તેસી’ નામના વ્યક્તિની માલિકીના છે, જેણે કથિત રીતે ‘લૉરેન્સ બિશ્નોઈ ગેંગ’નું નામ લઈને કલાકારો પાસેથી ગેરકાયદેસર વસૂલી કરી હતી.
ગેંગના લોકોને પરેશાન કરવાનો દાવો
પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘અમે મહેનત કરનારાઓ સાથે દુશ્મની રાખતા નથી, પરંતુ જે લોકો અમારા માણસોને પરેશાન કરે છે અથવા ખોટી રીતે પૈસા વસૂલે છે, અમે તેમની સામે કાર્યવાહી કરીએ છીએ.’ તેણે એવી પણ ચેતવણી આપી કે, ‘જો કોઈએ ખોટા સમાચાર ફેલાવ્યા, તો તેનાથી થનારા નુકસાનની જવાબદારી તેમની પોતાની રહેશે.’

