Mojtaba Khamenei New Supreme Leader Iran: ઈરાને મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટ્યા છે. ઈરાની સ્ટેટ ટીવીએ સોમવારે સવારે આ ઐતિહાસિક જાહેરાત કરી છે. મોજતબા ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા તેમના પિતા અલી ખામેનેઈનું સ્થાન લેશે. અલી ખામેનેઈનું ૨૮ ફેબ્રુઆરીના રોજ તેહરાનમાં ઈઝરાયેલના હુમલામાં મોત થયું હતું. ઈરાનની એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સે ઘણી બેઠકો બાદ આખરે મોજતબા ખામેનેઈના નામ પર મહોર મારી છે. ઈઝરાયેલ દ્વારા નવા સુપ્રીમ લીડરને પણ નિશાન બનાવવાની ધમકીઓ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે.
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરીએ અલી ખામેનેઈના વારસદારની પસંદગી માટે એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સનો આભાર માન્યો છે. અલી લારીજાનીએ કહ્યું કે, તેહરાનના દુશ્મનોને લાગ્યું હતું કે અલી ખામેનેઈના મોત બાદ દેશમાં મડાગાંઠ (Deadlock) સર્જાશે, પરંતુ એસેમ્બલીએ મોજતબા ખામેનેઈને ચૂંટીને મજબૂત નિર્ણય લીધો છે.
ઈરાની લોકોને એકજૂથ થવાની અપીલ
મોજતબા ખામેનેઈના નામની જાહેરાત ૮૮ બેઠકો ધરાવતી ઈરાનની એક્સપર્ટ્સ એસેમ્બલી દ્વારા કરવામાં આવી છે. આ મૌલવીઓનું એક જૂથ છે જે સુપ્રીમ લીડરની પસંદગી કરે છે. એસેમ્બલીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મજબૂત મતોના આધારે મોજતબાની પસંદગી કરવામાં આવી છે અને દેશના લોકોને તેમની પાછળ એકજૂથ થવા અપીલ કરી છે.
૫૬ વર્ષીય મોજતબા ખામેનેઈ હવે ઈરાનની સત્તાના કેન્દ્રમાં છે. દેશના તમામ મહત્વના મામલાઓમાં છેલ્લો નિર્ણય તેમનો રહેશે. તેઓ મિલિટરી અને પેરામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર-ઈન-ચીફ તરીકે પણ કામ કરશે. તેમની પાસે એનરિચ્ડ યુરેનિયમના સ્ટોક પર નિર્ણય લેવાનો અધિકાર હશે, જેનો ઉપયોગ ન્યુક્લિયર વેપન બનાવવા માટે થઈ શકે છે.
૧૯૭૯ પછીના ત્રીજા સુપ્રીમ લીડર
ઈરાનમાં ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ પછી શાહ મોહમ્મદ રઝા પહલવીને હટાવવામાં આવ્યા હતા અને રૂહોલ્લાહ ખુમૈની સુપ્રીમ લીડર બન્યા હતા. ૧૯૮૯માં ખુમૈનીના નિધન બાદ અયાતુલ્લા અલી ખામેનેઈ સર્વોચ્ચ નેતા બન્યા હતા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં અલી ખામેનેઈના મોત બાદ હવે મોજતબાને આ પદ મળ્યું છે.
મોજતબા ખામેનેઈ એક ધર્મગુરુ છે અને તેમને ૨૦૨૨માં ‘અયાતુલ્લા’ની ઉપાધિ આપવામાં આવી હતી, જે સર્વોચ્ચ નેતા બનવા માટેની અનિવાર્ય શરત છે. જોકે, ઈરાન સામે અત્યારે મોજતબાની સુરક્ષા એક મોટો પડકાર છે, કારણ કે ઈઝરાયેલી સૈન્ય (IDF) એ ધમકી આપી છે કે તેઓ ઈરાનના આગામી સુપ્રીમ લીડરને પણ મારી નાખશે.
અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પર હુમલા
ઈરાનમાં ૨૮ ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં ૧૬૫ બાળકીઓના મોતનો પણ સમાવેશ થાય છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કર્યા છે અને દુબઈ, અબુ ધાબી, કતાર તથા બહેરિનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

