Myanmar Indian Citizen Killings: ભારત માટે પડોશી દેશ મ્યાનમારથી ખરાબ સમાચાર આવ્યા છે. મ્યાનમારમાં એક ઘટનાક્રમમાં ત્રણ ભારતીય નાગરિકોની હત્યા કરી દેવામાં આવી છે. આ ત્રણેયને માર્ચમાં પીડીએ (PDA) જૂથના લડાકુઓએ પકડ્યા હતા. આ ધરપકડના લગભગ એક મહિના બાદ ત્રણેયના મોતની વાત સામે આવી છે. મ્યાનમારમાં ભારતીયોની હત્યા નવી દિલ્હીની ચિંતા વધારી શકે છે. મ્યાનમારનો મોટો હિસ્સો ફેબ્રુઆરી 2021 ના સૈન્ય તખ્તાપલટ પછીથી ગૃહયુદ્ધની ઝપેટમાં છે. દેશના સૈન્ય જુન્ટા વિરુદ્ધ અનેક સશસ્ત્ર જૂથો લડી રહ્યા છે.
‘દ ડિપ્લોમેટ’ એ પોતાના અહેવાલમાં મ્યાનમારમાં ત્રણ ભારતીયોની હત્યાને અજીબ ઘટનાક્રમ ગણાવ્યો છે કારણ કે વિદ્રોહી જૂથ આ બાબતે સ્પષ્ટપણે કંઈ કહેવાની સ્થિતિમાં નથી. આ ત્રણેય ભારતીય નાગરિકોને 17 માર્ચે મ્યાનમારના ચિન રાજ્યના તેદિમમાં પીડીએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિરોધક જૂથ ‘પીપલ્સ ડિફેન્સ આર્મી’ (PDA) એ તેમને શંકાસ્પદ રીતે ફરવાના આરોપમાં પકડ્યા હતા.
ભારત સાથે જોડાયેલો છે તેદિમ વિસ્તાર
મ્યાનમારનો તેદિમ વિસ્તાર ભારતના મિઝોરમ રાજ્યના સરહદી શહેર જોખાવ્થરથી 80 કિલોમીટર પૂર્વમાં છે. અહીં જોમી સમુદાયના લોકો રહે છે. PDA ના એક વરિષ્ઠ પદાધિકારીએ ‘દ ડિપ્લોમેટ’ ને જણાવ્યું કે આ ત્રણેયને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી. તેમના દસ્તાવેજો (ભારતીય વોટર આઈડી કાર્ડ અને મિઝોરમ જવા માટે ભારતીય નાગરિકની પરમિટ) જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
વોટર આઈડી કાર્ડ પરથી તેમના નામ અફ્તાર હુસૈન મઝુમદાર, જહાંગીર મિર્ઝા અને આરફિક રહેમાન ખાન સામે આવ્યા હતા. મઝુમદાર અને મિર્ઝા અસમના કછાર જિલ્લાના રહેવાસી હતા. આરફિક ખાન પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરના રહેવાસી હતા. ત્રણેયએ જોખાવ્થરથી તેદિમ જવા માટે એક સફેદ કારનો ઉપયોગ કર્યો હતો. PDA એ આ ગાડીને પણ જપ્ત કરી હતી.
ગોળીબારમાં થયું મોત!
PDA ના પદાધિકારીના જણાવ્યા મુજબ, આ ત્રણેય ભારતીય નાગરિકોએ ઓશિકા અને ગાદલા વેચવાની શક્યતાઓ શોધવા માટે તેદિમ આવ્યા હોવાની વાત કહી હતી. અમે તેમની વાતો અને જવાબોથી કંઈ નક્કી કરી શક્યા નહીં. એવામાં અમે લાંબી પૂછપરછ પછી નિર્ણય લીધો કે ગાડીને જપ્ત કરી લેવામાં આવે અને આ ત્રણેયને સરહદ પર છોડી દેવામાં આવે. આના એક દિવસ પછી તેમના મોતના સમાચાર સામે આવ્યા.
PDA નો આરોપ છે કે તે ત્રણેય ભારતીય નાગરિકોને બીજા સંગઠનના અધિકારીઓએ પહેલા યાતનાઓ આપી અને પછી અત્યંત નજીકથી ગોળી મારીને હત્યા કરી દીધી. આ વિસ્તારમાં સક્રિય અન્ય એક વિદ્રોહી સંગઠનના એક અધિકારીએ આ શક્યતાને નકારી નથી કે બંને જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં આ લોકોએ જીવ ગુમાવ્યો હોય.
ભારતીયોને લઈને અફવા
આ વિસ્તારમાં સક્રિય કેટલાક વિદ્રોહી જૂથો વચ્ચે એવી અફવા ફેલાઈ છે કે ભારતના જાસૂસો માહિતી એકઠી કરવા અને સંપર્ક બનાવવા માટે મ્યાનમારના ચિન રાજ્યમાં ઘૂસી શકે છે. આ અફવા પણ આ ત્રણેયના મોત પાછળ એક કારણ તરીકે જોવામાં આવી રહી છે. હાલમાં ત્રણેયના મોત પર કંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી.

