આ શિબિરમાં સુરતના એક હજારથી વધુ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 ની ઉજવણીના ભાગરૂપે, સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા મૂન ગાર્ડન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે વહેલી સવારે એક કોમન યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સુરતના એક હજારથી વધુ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ કોર્પોરેટર રાજેશભાઈ મોરડીયાએ યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ લાભદાયી નથી પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો.
સુરતના કો-ઓર્ડિનેટર ડો.દિશા જીજ્ઞેશ જાની અને સુરતની ટીમ દ્વારા કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ડો.જાનીએ જણાવ્યું હતું કે લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવા અને યોગાસન કરવા માટે પ્રોત્સાહિત કરવા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે યોગ એ એક પ્રાચીન ભારતીય પરંપરા છે જે માનવ જીવનના તમામ પાસાઓને સુધારવામાં મદદ કરે છે.
શિબિરમાં યોગ પ્રશિક્ષકોએ વિવિધ યોગ આસનો અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરી હતી. સહભાગીઓએ યોગના ફાયદાઓને સમજ્યા અને યોગને તેમના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનો સંકલ્પ કર્યો.

