નવી દિલ્હી, તા. 30 : આઈએસઆઈએસ ખોરાસાને ધમકીભર્યો વીડિયો જાહેર કરીને ભારત-પાકિસ્તાનની મેચ પર `લોન વુલ્ફ’ એટેક (એક જ હુમલાખોર દ્વારા કરવામાં આવતો હુમલો) કરવાની ધમકી આપી છે. ટી-20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 9 જૂને ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હુમલાની ધમકી બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચેલે કહ્યું, વર્લ્ડકપને લઈને કોઈ ગંભીર ખતરો નથી. જો કે, તેમણે પોલીસ વિભાગને સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવા જણાવ્યું છે. વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ટી-20 વર્લ્ડકપમાં દરેક પાંચ ટીમને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા પણ આ ગ્રુપમાં છે. ભારત અને પાકિસ્તાન તેમની તમામ મેચ અમેરિકામાં જ રમશે.

ભારતની પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કમાં અને ચોથી મેચ ફ્લોરિડામાં રમાશે. ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે, બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે રમશે. ભારત ન્યૂયોર્કમાં વર્લ્ડકપની પ્રથમ ત્રણ ગ્રુપ સ્ટેજ મેચ રમશે. અહીં 1 જૂને બાંગલાદેશ સામેની વોર્મઅપ મેચ પણ રમાવાની છે. ભારત મંગળવારે અમેરિકા પહોંચ્યું અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અમેરિકાને પ્રથમ વખત આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું મળ્યું છે. 2028 ઓલિમ્પિક ગેમ્સ પણ અમેરિકામાં યોજાશે, જેમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈવેન્ટને જોતાં આઈસીસીએ અમેરિકામાં ટી-20 વર્લ્ડકપ યોજવાને પ્રાથમિકતા આપી. અમેરિકાની સાથે ટી-20 વર્લ્ડકપ પણ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે, 2010ની ટૂર્નામેન્ટ પણ અહીં રમાઈ હતી. છેલ્લો વર્લ્ડકપ 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાયો હતો.

