વોશિંગ્ટન, તા. 1 : અમેરિકામાં ઐતિહાસિક સત્તા વાપસી કર્યા બાદ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતાં વર્ષે જાન્યુઆરીમાં શપથગ્રહણ પહેલાં દુનિયાની અર્થવ્યવસ્થાઓને પોતાની તાકાત બતાવવા લાગ્યા છે. ટ્રમ્પે ભારત, ચીન, રશિયા, દક્ષિણ આફ્રિકા સહિત નવ દેશોના સંગઠન `િબ્રક્સ’ને ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે, બ્રિક્સ દેશો તેમના નવા `િબ્રક્સચલણ’ કે અન્ય કોઈ પણ દેશના ચલણમાં વેપાર કરવાની કોશિશ કરીને ડોલરના વર્ચસ્વને તોડવાના પ્રયાસ કરશે, તો તેવા દેશો પર 100 ટકા ટેરિફ લાદી દેવાશે. એટલું જ નહીં, પરંતુ ડોલર સિવાયના કોઈ અન્ય ચલણથી કારોબાર કરવાની કોશિશ કરનાર દેશ માટે અમેરિકાની બજારના દ્વાર બંધ કરી દેવાશે અને અમેરિકા તેવા દેશને `ગુડબાય’ કરી દેશે, તેવી ધમકી પણ ટ્રમ્પે આપી હતી. આંતરરાષ્ટ્રીય જાણકારો ટ્રમ્પની આવી ધમકીને રશિયા અને ચીન પર નિશાન સાધવાના પ્રયાસ રૂપે જોઈ રહ્યા છે. જો કે, `િબ્રક્સ’ની શરૂઆત કરનારા દેશોમાં સામેલ હોવાના નાતે ભારત પણ ટ્રમ્પની આ `ડોલર તરફી’ નીતિનો શિકાર થઈ શકે છે.
એ વાતની કોઈ જ શક્યતા નથી કે, બ્રિક્સ ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલરનું સ્થાન લઈ શકશે, તેવું ટ્રમ્પે શનિવારની મોડી રાત્રે ભાવિ નીતિનું એલાન કરતાં કહ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ડોલરને વિસ્થાપિત કરવાની કોશિશ કરનાર દેશે શાનદાર અમેરિકી બજારમાંથી બહાર થઈ જવું પડશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબર-2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બ્રિક્સ દેશોના નેતાઓની બેઠક બાદ જારી સંયુક્ત ઘોષણાપત્રમાં જણાવાયું હતું કે, બ્રિક્સ દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં કારોબારને વેગ આપવા માટે ઉચિત બેંકિંગ સિસ્ટમ મજબૂત કરશે. બ્રિક્સ દેશો પાસેથી બાંહેધરી માગું છું કે, વેપાર માટે અમેરિકી ડોલરનાં સ્થાને કોઈ નવું ચલણ નહીં બનાવે અને કોઈ બીજા દેશનાં ચલણમાં પણ વેપાર નહીં કરે, તેવું ટ્રમ્પે કહ્યું હતું. નહીંતર અમેરિકાને કરાતી નિકાસ પર 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, પરંતુ અમેરિકાની બજારમાં સામાન વેચવાનું પણ ભૂલી જજો, તેવી ધમકી ટ્રમ્પે આપી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે, બ્રિક્સ સંગઠનમાં ભારત, રશિયા અને ચીન સહિત નવ દેશ સામેલ છે. આ ઊભરતી અર્થવ્યવસ્થાઓનું જૂથ છે. બ્રિક્સના સભ્ય દેશો વચ્ચે ચલણ બનાવવા પર કોઈ સહમતી સાધી શકાઈ નથી. ચાલુ વર્ષે રશિયામાં શિખર બેઠકથી પહેલાં બ્રિક્સનાં ચલણ પર ચર્ચા જામી હતી. જો કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પહેલાં જ કહી દીધું હતું કે, બ્રિક્સ સંગઠન પોતાનું ચલણ બનાવવા પર વિચાર કરી રહ્યું નથી.

