નવી દિલ્હી, તા. 3 : ભારતમાં ધાર્મિક લઘુમતી સમુદાયો પર હુમલા થતા હોવાના દાવા કરનાર અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચના અહેવાલને ભારતે ફગાવી દીધો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અહેવાલ પક્ષપાતભર્યો અને રાજકારણ પ્રેરિત લેખાવતાં કહ્યું હતું કે, આ પંચને પોતાના દેશ અમેરિકામાં માનવ અધિકારના મુદા વિશે બતાવવા પર પોતાનું ધ્યાન આપવાથી ફાયદો થશે.

અમેરિકી પંચના અહેવાલમાં નીતિ વિશ્લેષક સેમા હસને લખ્યું છે કે, ભારતમાં ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજા સ્થાનો પર હિંસક હુમલા થઈ રહ્યા છે. ધાર્મિક અશાંતિ ફેલાવવા માટે ખોટી માહિતી આપવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, રિપોર્ટમાં મુસ્લિમ વિરોધી, વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગૌહત્યા વિરોધી કાયદાની વાત કરવામાં આવી છે.
આ બધાને કારણે પંચ દેશને ધાર્મિક ભેદભાવ ધરાવતા દેશોની યાદીમાં નામાંકિત કરવાની વિનંતી કરી છે. વાર્ષિક અહેવાલમાં યુએસસીઆઈઆરએફ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને વિનંતી કરી છે કે તે ધાર્મિક સ્તરે થઈ રહેલા ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને ભારતને વિશેષ ચિંતાના દેશ તરીકે સામેલ કરે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અમેરિકન કમિશને ભારત વિરુદ્ધ ધર્મ સાથે સંબંધિત આ પ્રકારનો રિપોર્ટ જારી કર્યો હોય. આ પહેલા પણ તેણે આવું કર્યું હતું પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધોને કારણે જો બિડેન પ્રશાસને યુએસસીઆઈઆરએફ દ્વારા કરવામાં આવેલી વિનંતીને સ્વીકારવાનું ટાળ્યું છે.

