SIP Investors vs Market: શેરબજારમાં રોકાણ કરવું એ માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ તે તમારા વર્તન અને ધીરજની કસોટી પણ હોય છે. DSP મ્યુચ્યુઅલ ફંડના મે 2026ના તાજા NETRA રિપોર્ટ મુજબ SIP રોકાણકારો અન્ય રોકાણકારોની તુલનામાં વધુ સારું પ્રદર્શન કરે છે. આનું કારણ એ નથી કે SIP કોઈ જાદુઈ વળતર આપે છે, પરંતુ એ છે કે તે રોકાણકારોને ભાવનાત્મક ભૂલોથી બચાવે છે અને રોકાણમાં શિસ્ત લાવે છે.
કેમ સફળ થાય છે SIP રોકાણકારો?
રિપોર્ટ મુજબ મોટાભાગના રોકાણકારો બજારની જાણકારીના અભાવને કારણે નહીં, પરંતુ પોતાના ડર અને લાલચને કારણે પાછળ રહી જાય છે. જ્યારે બજાર ઘટે છે ત્યારે રોકાણકારો ગભરાઈને પૈસા ઉપાડી લે છે અને જ્યારે બજાર તેજી પર હોય છે, ત્યારે લાલચમાં આવીને ઊંચા ભાવે રોકાણ કરે છે. SIP રોકાણમાં થતી ભૂલોને ઓછી કરે છે. રિપોર્ટ અનુસાર SIP કોઈ જાદુ નથી, પરંતુ એક સરળ અને નિયમિત પદ્ધતિ છે, જે બજારના ઉતાર-ચઢાવમાં પણ રોકાણ ચાલુ રાખવામાં મદદ કરે છે.
ભારતમાં SIPનો દમદાર ટ્રેક રેકોર્ડ
ભારતીય બજારના છેલ્લા 30 વર્ષના આંકડા પર નજર કરીએ, તો SIPએ સરેરાશ 12% વળતર આપ્યું છે. વળી મોંઘવારીને બાદ કરતાં રિયલ વળતર લગભગ 5% રહ્યું છે. રિપોર્ટ જણાવે છે કે ભારતમાં લગભગ 74% કિસ્સાઓમાં, 5 વર્ષના સમયગાળાવાળી SIPએ 8% થી વધુ વળતર આપ્યું છે. જોકે DSPએ એ પણ ચેતવણી આપી છે કે ટૂંકા સમય માટેની SIPમાં પણ જોખમ હોઈ શકે છે, તેથી લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ રાખવો જ સમજદારી છે.
સ્મોલ-કેપથી સાવધાન અને કન્ઝમ્પશન પર નજર
બજારની વર્તમાન સ્થિતિ પર DSPનું કહેવું છે કે આ સમયે લાર્જ-કેપ શેર્સ, સ્મોલ અને મિડ-કેપની સરખામણીમાં વધુ સુરક્ષિત દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે રિપોર્ટમાં રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર પાછલા પ્રદર્શનને જોઈને નાના શેરોમાં ભારે રોકાણ ન કરે. આ ઉપરાંત દેશમાં લોકોએ હવે ખરીદી ઓછી કરી દીધી છે કારણ કે પગાર એટલો વધ્યો નથી અને ગામડાઓમાં પણ માંગ ઓછી છે. પરંતુ કંપનીઓ પાસે પૈસાની અછત નથી, જેનાથી આશા છે કે આગળ જતાં પરિસ્થિતિ સુધરશે.

