RCB vs MI: IPL 2026 માં રવિવારની રાત્રે એક એવો ડ્રામા જોવા મળ્યો જેણે મુંબઈ ઈન્ડિયન્સના કરોડો ચાહકોના દિલ તોડી નાખ્યા. જ્યારે જીતવા માટે છેલ્લી 3 બોલમાં 9 રનની જરૂર હતી, ત્યારે ભુવનેશ્વર કુમારે યુવા બોલર રાજ બાવાની બોલ પર કવરની ઉપરથી એવી સિક્સર ફટકારી કે મુંબઈની આખી રણનીતિ ધરીની ધરી રહી ગઈ. આ રોમાંચક જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ન માત્ર પ્લેઓફની રેસમાં સૌથી આગળ નીકળી ગયું છે, પરંતુ તેણે મુંબઈ ઈન્ડિયન્સને ટુર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહારનો રસ્તો બતાવી દીધો છે.
ભુવીનો ડબલ ધમાકો, બોલથી કહેર અને બેટથી વિજય
મેચના અસલી હીરો ભુવનેશ્વર કુમાર રહ્યા, જેમણે પહેલા બોલિંગમાં 23 રન આપીને 4 વિકેટ ઝડપી અને પછી બેટથી મેચ ફિનિશ કરી. તેમણે રોહિત શર્માને પોતાની જાદુઈ નકલ બોલ પર ફસાવ્યા અને તેના પછીના જ બોલ પર સૂર્યકુમાર યાદવનો પણ શિકાર કર્યો. પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ ભુવીએ સ્પષ્ટ કહ્યું કે તેમને પોતાની વિકેટો કરતા તે છેલ્લી ઓવરની સિક્સર વધુ યાદ રહેશે, કારણ કે ટીમને જીત અપાવવી તેમના માટે સૌથી મોટી પ્રાથમિકતા હતી. ભુવનેશ્વર કુમાર આ સીઝનમાં RCB માટે સૌથી મહત્વના ખેલાડી બની ગયા છે. હવે તો તેમણે બેટિંગમાં પણ કમાલ કરવાનું શરૂ કરી દીધું છે.
શિસ્તની જીત, મોટિવેશન નહીં, મહેનત આવી કામ
લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા ભુવનેશ્વર કુમારે પોતાની સફળતાનું એક ઊંડું રહસ્ય શેર કર્યું. તેમણે કહ્યું કે તેમના માટે મોટિવેશન એક ઓવરરેટેડ શબ્દ છે કારણ કે તે થોડી મિનિટોમાં ખતમ થઈ જાય છે, તેમને જે વસ્તુ મેદાન પર ટકાવી રાખે છે, તે છે તેમની શિસ્ત. ઘરેલું ક્રિકેટ, UP T20 અને મુશ્તાક અલીમાં પોતાની જાતને તપાવવાનું પરિણામ છે કે આજે તેઓ આઈપીએલ 2026 માં સૌથી વધુ 21 વિકેટ લઈને પર્પલ કેપ પોતાના નામે કરી ચૂક્યા છે.
સૂર્યાનો ગેમ્બલ પડ્યો ભારે, કડવો રહ્યો મુંબઈ માટે અંત
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવર અનુભવી અલ્લાહ ગઝનફરને બદલે યુવા રાજ અંગદ બાવાને સોંપીને એક મોટું જોખમ લીધું હતું, જે સંપૂર્ણપણે ઉલટું પડ્યું. મેચ બાદ સૂર્યાએ આ હારને કડવી ગોળી જેવી ગણાવી અને સ્વીકાર્યું કે ટીમ 10-15 રન પાછળ રહી ગઈ હતી. જ્યાં આરસીબી 14 અંકો સાથે ટેબલમાં ટોપ પર છે, ત્યાં મુંબઈ 11 મેચમાં 8 હાર સાથે હવે માત્ર આવતા વર્ષની તૈયારીઓ વિશે વિચારી શકે છે. જોકે તેમની પાસે અન્ય ટીમોનું કામ બગાડવાની તક છે.

