Rajkot Temple Demolition: રાજકોટમાં મધરાતે તંત્રનું મેગા ડિમોલિશન, 13 ધર્મસ્થાનો પર ફરી વળ્યું મહાનગરપાલિકાનું બુલડોઝર

Arati Parmar
3 Min Read
Rajkot Temple Demolition

Rajkot Temple Demolition: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા ધાર્મિક દબાણો દૂર કરવા માટે ગત મોડી રાત્રે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે અંદાજે દોઢ વાગ્યાથી શરૂ થયેલી આ કામગીરી વહેલી સવારના 5 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં કુલ 13 જેટલા ધાર્મિક દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત, ફાયર વિભાગ અને વિજિલન્સ ટીમને સાથે રાખીને આ કાર્યવાહી ગુપ્ત રીતે રાત્રિના સમયે કરી હતી.

હનુમાનજીની ડેરી તોડતી વખતે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

મવડી મેઈન રોડ પર જ્યારે તંત્ર હનુમાનજીની ડેરી તોડવા પહોંચ્યું ત્યારે વાતાવરણ એકાએક તંગ બની ગયું હતું. ત્યાં અગાઉથી જ 100 થી 150 જેટલા સ્થાનિક યુવકો અને રહિશો એકઠા થઈ ગયા હતા. ભક્તોએ ભારે આક્રોશ સાથે રામધૂન બોલાવીને બુલડોઝરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોનો તર્ક હતો કે આ મંદિર વર્ષો જૂનું છે અને આસ્થાનું કેન્દ્ર છે, જ્યારે રોડ પર નડતરરૂપ અન્ય દબાણો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ઉગ્ર બોલાચાલી અને વિરોધ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

- Advertisement -

મધ્યસ્થી બાદ માત્ર ઓટલો તોડાયો, મૂર્તિ સુરક્ષિત રખાઈ

ભારે રકઝક અને સ્થાનિક આગેવાનો સાથેની ચર્ચા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. સ્થાનિકોએ બાંહેધરી આપી હતી કે તેઓ હનુમાનજીની મૂર્તિ તે જ સ્થાને રહેવા દઈને મંદિરની સાઈઝ નાની કરી દેશે. આ સમજૂતી બાદ તંત્રએ માત્ર મંદિરનો ઓટલો તોડીને કામગીરી સમેટવી પડી હતી. ભક્તોએ તંત્ર પાસે 48 કલાકનો સમય માગ્યો છે જેથી તેઓ જાતે જ મંદિરને ટ્રાફિકને ન નડે તે રીતે નાનું કરી શકે. જોકે, 50 વર્ષ જૂના આસ્થાના કેન્દ્ર પર બુલડોઝર ફરતા શ્રદ્ધાળુઓમાં છૂપી નારાજગી જોવા મળી હતી.

આ સ્થળો પર પણ ચાલ્યું પાલિકાનું બુલડોઝર

ડિમોલિશન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો જેવા કે યોગીનગર મેઈન રોડ, ઉદયનગર, માયાણી ચોક અને નાનામવા રોડ પર આવેલા હનુમાનજીના મંદિરો, અંબાજી મંદિર, અને મેલડી માતાજીના મંદિરો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે શહેરના વિકાસ અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ કાર્યવાહી જરૂરી હતી. બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાએ સાંજે નોટિસ આપીને સીધું રાત્રે જ તોડકામ શરૂ કરી દીધું, જેનાથી લોકોને તેમની આસ્થાના પ્રતીકોને સુરક્ષિત ખસેડવાનો સમય પણ મળ્યો નથી.

- Advertisement -

આ પણ વાંચો: RP Patel Statement Kadi: એક બાળકના ટ્રેન્ડ સામે આર.પી. પટેલ લાલચોળ, ‘દરેક પાટીદાર પરિવારે 3 સંતાનો પેદા કરવા જોઈએ’ – Newz Cafe

Share This Article