રાજકોટ, તા. 1ર : ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલા રાજકોટના અગ્નિકાંડમાં ર7 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાના બનાવમાં પોલીસે ગેમઝોનના સંચાલકો અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સહિત 1પ શખ્સને જેલમાં ધકેલી દીધા હતા તેમજ ટીપીઓ શ્રી સાગઠિયા અને ફાયર ઓફિસર ઠેબા વિરુદ્ધ અપ્રમાણસરની મિલકતો સંદર્ભે ગુના નોંધવામાં આવ્યા હતા. દરમિયાન ભુજથી રાજકોટ મનપામાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે નિમણૂક પામેલા ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઇ મારૂને રૂા. 1.80 લાખની લાંચ લેતા એસીબીના સ્ટાફે ઝડપી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી ફિટિંગની કામગીરી કરતી એક વ્યક્તિએ શહેરમાં એક ઈમારતમાં પોતે કરેલા ફાયર સેફ્ટી અંગેનું એનઓસી મેળવવા માટેથી થોડા સમય પહેલાં ભુજથી નિમણૂક પામેલા રાજકોટ મનપાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારૂ પાસે ગયા હતા, ત્યારે ઓફિસર અનિલ મારૂ દ્વારા રૂા. ત્રણ લાખની લાંચની માગણી કરવામાં આવી હતી અને જે તે સમયે અરજદાર વ્યક્તિએ રૂા. 1.ર0 લાખની રકમ આપી દીધી હતી અને બાકીની રૂા. 1.80 લાખની રકમ ચાર-પાંચ દિવસમાં આપી દેવાનું નક્કી કર્યું હતું. બાદમાં અરજદાર વ્યક્તિ વધુ લાંચની રકમ આપવા માગતા ન હોઈ જામનગર એસીબીમાં ફરિયાદ કરી હતી અને રાજકોટ એસીબીના ઈન્ચાર્જ ડીવાયએસપી કે. એચ. ગોહિલનાં માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.એન. વિરાણી તથા સ્ટાફે રાજકોટ મહાનગરપાલિકામાં આવેલી સેન્ટ્રલ ઝોનમાં ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં છટકુ ગોઠવ્યું હતું અને અરજદાર પાસેથી રૂા. 1.80 લાખની લાંચ લેતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારૂને ઝડપી લીધા હતા.
આ દરોડાનાં પગલે મનપા તંત્રમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ મામલે એસીબીના સ્ટાફે ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારૂની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી તેમજ અનિલ મારૂની ઓફિસ, મકાન તથા બેંક ખાતાં સંદર્ભે સર્ચની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મૂળ કુકમાના અનિલકુમાર મારુએ 2010થી ફાયર ઓફિસર તરીકે ભુજથી તેમની કામગીરી શરૂ કરી હતી અને છેલ્લા ત્રણેક વર્ષથી ભુજથી બદલીને બહાર ગયા હતા.

