Jairam Ramesh Attacks Pm Modi: ભારત-અમેરિકા વેપાર કરાર પર જયરામ રમેશના આકરા પ્રહારો: પીએમ મોદીને પૂછ્યા પાંચ પ્રશ્નો, રૂપિયાના અવમૂલ્યન અંગે વ્યક્ત કરી ચિંતા

Arati Parmar
5 Min Read

Jairam Ramesh Attacks Pm Modi: કોંગ્રેસે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના એ નિવેદનને લઈને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે આગામી પાંચ વર્ષમાં 500 અબજ ડોલરની અમેરિકન સામગ્રી ખરીદવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

મોદી સરકાર પર લગાવ્યો આરોપ

વિરોધ પક્ષે સાથે જ એવો આરોપ પણ લગાવ્યો કે ‘‘કોમ્પ્રોમાઇઝ્ડ પીએમ’’ પોતાના ‘‘નજીકના મિત્ર’’ને ખુશ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એવો સવાલ પણ કર્યો કે મોદી સરકારે ‘‘જનવિરોધી’’ અને ‘‘ખતરનાક’’ એવા ભારત-અમેરિકા વ્યાપાર કરારને રદ કરવાનું સાહસ કેમ ન બતાવ્યું.

- Advertisement -

રેકોર્ડ આયાત કરવા પર કેમ દર્શાવી સહમતી

તેમણે એ સવાલ પણ ઉઠાવ્યો કે મોદી સરકારે અમેરિકાથી રેકોર્ડ આયાત કરવા પર ’’સહમતી’’ કેમ દર્શાવી, જ્યારે વડાપ્રધાને પહેલાથી જ નાગરિકોને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સ્થાનિક બળતણનો વપરાશ અને વિદેશ પ્રવાસો ઓછા કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે પૂછ્યું કે શું અમેરિકાથી આયાતમાં આ મોટો વધારો રૂપિયાના મૂલ્યના ઘટાડાને વધુ ઝડપી નહીં બનાવે?

રુબિયોએ કરી હતી યુદ્ધવિરામની જાહેરાત

કોંગ્રેસ સાંસદે કહ્યું કે રુબિયો જ એ પ્રથમ વ્યક્તિ હતા જેમણે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, જેનાથી ‘ઓપરેશન સિંદૂર’ અણધારી રીતે અટકી ગયું, અને તેમણે જ સૌથી પહેલાં એવી જાહેરાત પણ કરી હતી કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ આગામી અઠવાડિયે ભારતની મુલાકાત લેશે.

- Advertisement -

દિલ્હી પહેલાં વોશિંગ્ટનથી કેમ આવી રહ્યા છે સમાચાર

કોંગ્રેસના મહાસચિવ ઉમેર્યું કે ઓપરેશન સિંદૂર યુદ્ધવિરામ અને રશિયાથી તેલ તેમજ ગેસની આયાત રોકવાથી લઈને ભારત-અમેરિકા વ્યાપાર કરાર અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિની મુલાકાત સુધી, ભારતીય વિદેશ નીતિથી સંબંધિત તમામ પ્રત્યાયન (સંદેશાવ્યવહાર) હવે નવી દિલ્હીના બદલે વોશિંગ્ટન ડીસીથી પહેલાં કેમ આવી રહ્યા છે?

આજે રુબિયોએ ફરી આપ્યું મોટું નિવેદન

કોંગ્રેસના રાજ્યસભા સાંસદે કહ્યું કે આજે રુબિયોએ એકવાર ફરી ‘એક્સ’ પર આ નિવેદન આપીને દેશને ચોંકાવી દીધો છે કે મોદી સરકારે આગામી પાંચ વર્ષમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતા અમેરિકાથી 500 અબજ ડોલરની સામગ્રી ખરીદવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

- Advertisement -

ભારતે અમેરિકાથી બમણી કરવી પડશે આયાત

તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૬ સુધી ભારતની વાર્ષિક આયાત ૫૨.૯ અબજ ડોલર છે અને રુબિયોના નિવેદનનો અર્થ એ છે કે ભારતે અમેરિકાથી પોતાની વાર્ષિક આયાત બમણી કરવી પડશે.

કોંગ્રેસ સાંસદે પીએમ મોદીને પૂછ્યા પાંચ સવાલો

કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ નવી ઘટના પર વડાપ્રધાનને અમારા પાંચ સીધા સવાલો છે – અમેરિકાની સર્વોચ્ચ અદાલતના (સુપ્રીમ કોર્ટ) એ ચુકાદા પછી, જેમાં ટ્રમ્પ ટેરિફને રદ કરવામાં આવ્યા હતા, મલેશિયા જેવા દેશોએ અમેરિકા સાથેના પોતાના વ્યાપાર કરારોને ‘અમાન્ય’ જાહેર કરી દીધા છે.’’

પીએમ મોદીએ કેમ ન બતાવ્યું આ સાહસ

તેમણે કહ્યું કે અમેરિકાની સર્વોચ્ચ અદાલત દ્વારા ટેરિફ રદ કરવાના નિર્ણય પછી આ કરારની યથાર્થતા પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. મલેશિયા અને અન્ય દેશોની જેમ મોદી સરકારે આ ‘જનવિરોધી’ અને ‘ખતરનાક’ વ્યાપાર કરારને રદ કરવાનું સાહસ કેમ ન બતાવ્યું?

અપીલ પછી રેકોર્ડ આયાત પર કેમ આપી સહમતી

તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન પોતે લોકોને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સ્થાનિક બળતણનો વપરાશ અને વિદેશ પ્રવાસો ઓછા કરવાની અપીલ કરી ચૂક્યા છે, તો પછી એ જ સમયે મોદી સરકારે અમેરિકાથી રેકોર્ડ આયાત પર સહમતી કેમ આપી?

રૂપિયાના મૂલ્યના ઘટાડાને વધુ ઝડપી નહીં બનાવે આ નિર્ણય

વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ પૂછ્યું કે મોદી સરકારે આ સમયે અમેરિકાથી રેકોર્ડ આયાત કરવા પર આટલી ખુલ્લેઆમ સહમતી કેમ આપી દીધી છે. તેમણે પૂછ્યું કે છેલ્લા ૧૨ મહિનામાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સરખામણીએ પોતાનું ૧૨ ટકા મૂલ્ય ગુમાવી ચૂક્યો છે, તો તેવામાં શું અમેરિકાથી આયાતમાં આ મોટો વધારો રૂપિયાના મૂલ્યના ઘટાડાને વધુ ઝડપી નહીં બનાવે?

ગૌતમ અદાણી સાથે જોડાયેલા આરોપોનો કર્યો ઉલ્લેખ

તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે ટ્રમ્પ પ્રશાસને સૌર ઊર્જા કૌભાંડમાં ગૌતમ અદાણી વિરૂદ્ધ ગુનાહિત છેતરપિંડીના આરોપો ફગાવી દીધા, જેમાં કથિત રીતે ૨૬.૫ કરોડ ડોલરની લાંચ આપવામાં આવી હતી. શું આયાતના મુદ્દા પર અમેરિકા સામે વડાપ્રધાન મોદીનું સમર્પણ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ‘મોદાણી’ સામ્રાજ્યને આપવામાં આવેલી રાહત સાથે જોડાયેલું છે?

વિદેશ મંત્રી એસ જયશંકરે કેમ છોડી દીધી આ જવાબદારી

તેમણે પૂછ્યું કે વડાપ્રધાન અને વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની સાર્વભૌમ વિદેશ નીતિને ભારતીય જનતા અને દુનિયા સમક્ષ રાખવાની પોતાની જવાબદારી કેમ છોડી દીધી છે. કોંગ્રેસ નેતાએ મોદી પર નિશાન સાધતા કહ્યું કે એવું લાગી રહ્યું છે કે ‘કોમ્પ્રોમાઇઝ્ડ’ વડાપ્રધાન પોતાના નજીકના મિત્રને ખુશ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.

આ પણ વાંચો: I-PAC ED Investigation Case: આઈપેક દરોડા મામલે મમતા બેનર્જીની મુશ્કેલી વધશે, ઈડીની એફઆઈઆરની માંગ વાળી અરજી પર ઓગસ્ટમાં સુનાવણી કરશે સુપ્રિમ કોર્ટ – Newz Cafe

Share This Article