Congress Report Card: નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બીજા વર્ષના અવસરે ‘પ્રચાર વિરુદ્ધ હિસાબ’ નામનો ૭૫ પાનાનો દસ્તાવેજ જાહેર કરતા કોંગ્રેસે મંગળવારે (૯ જૂન) કહ્યું કે રોજગાર, આર્થિક વિકાસ, લોકશાહી, પાયાની માળખાગત સુવિધાઓ અને શિક્ષણ પર કેન્દ્રના દાવાઓથી નાગરિકોને કોઈ ખાસ ફાયદો થયો નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે ૧૨ વર્ષની ‘ગરીબ-વિરોધી આર્થિક નીતિઓ અને નબળી વિદેશ નીતિ’ એ દેશને એવી સ્થિતિમાં ધકેલી દીધો છે જ્યાં લાખો ગરીબ પરિવારો અને મહિલાઓ ‘લાકડાના ચૂલાના ઝેરી ધુમાડા’ તરફ ધકેલાઈ ગયા છે.
ગાંધીએ કહ્યું, ‘ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા ૯ થી ઘટાડીને ૪ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, છેલ્લા ૩ મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત ૮૯ રૂપિયા વધારવામાં આવી છે- એટલે કે, પહેલા કિંમતો વધારો, પછી સબસિડી કાપો અને ગરીબોના ચૂલા ઠારી દો.’
તેમણે કહ્યું, ‘પ્રવાસી મજૂરોની જીવનરેખા, ૫ કિલોનો સિલિન્ડર પણ ૩૨૩ રૂપિયા મોંઘો કરી દીધો – તે કમાશે શું, ખાશે શું, અને બચાવશે શું? અબજોપતિ મિત્રોને લાખો કરોડોની લોનમાફી અપાવવી અને ગરીબોને પોતાની નાકામીઓનું બિલ પકડાવવું – આ જ મોદીનું લૂંટ મોડેલ છે.’
ઓલ-ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના રિસર્ચ ડિપાર્ટમેન્ટ તરફથી તૈયાર કરવામાં આવેલા ૭૫ પાનાના આ દસ્તાવેજને કમિટીના અધ્યક્ષ રાજીવ ગૌડાએ પોતાના સહયોગી અમિતાભ દુબે સાથે મળીને જાહેર કર્યો.
કોંગ્રેસના રિપોર્ટ કાર્ડમાં સરકાર પર આકરા પ્રહાર
રાજીવ ગૌડાએ કહ્યું કે છેલ્લા ૧૨ વર્ષ ‘મોટી-મોટી જાહેરાતો, ભવ્ય નિવેદનો અને હેડલાઈન્સ’ બટારનારા રહ્યા છે, પરંતુ લોકોના જીવનમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નથી.
તેમણે કહ્યું, ‘વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં રૂપિયો સૌથી ખરાબ પ્રદર્શન કરતી મુદ્રાઓમાંનું એક રહ્યો છે. છેલ્લા ૧૨ વર્ષોમાં વાયદાઓની સાથે-સાથે મોટા-મોટા એલાન, ભવ્ય નિવેદનો અને હેડલાઈન્સ પણ જોવા મળી છે. પરંતુ હકીકત એ છે કે તે હેડલાઈન્સમાંથી કોઈ પણ એવી ચીજમાં નથી બદલાઈ જે લોકોની જિંદગીમાં કોઈ સાર્થક બદલાવ લાવે.’
તેમણે કહ્યું, ‘૧૦ માંથી ૪ ગ્રેજ્યુએટ બેરોજગાર છે.’ અને દાવો કર્યો કે સરકાર પૂરતા રોજગાર પેદા કરવામાં નિષ્ફળ રહી છે. ગૌડાએ દાવો કર્યો કે શહેરી યુવાનોમાં બેરોજગારી દર ૧૮.૪ ટકા છે અને બેરોજગાર ગ્રેજ્યુએટમાંથી માત્ર ૭ ટકાને જ એક વર્ષની અંદર સ્થાયી પગારદાર નોકરી મળી શકી છે.
મહિલાઓની કાર્યબળમાં ભાગીદારી પર બોલતા ગૌડાએ કહ્યું કે ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારતની રેન્કિંગ ૧૦૮મા સ્થાનથી ઘટીને ૧૩૧મા સ્થાને પહોંચી ગઈ છે. તેમણે કહ્યું, ‘આપણે આપણી અડધી વસ્તીને અવસર આપવામાં નિષ્ફળ રહ્યા છીએ કારણ કે મહિલાઓ માટે પૂરતા રોજગાર અવસર નથી બનાવવામાં આવી રહ્યા.’
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) ક્ષેત્રનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે છેલ્લા નાણાકીય વર્ષમાં લગભગ ૪૦,૦૦૦ ઉદ્યોગો બંધ થઈ ગયા છે. તેમણે આક્ષેપ કર્યો, ‘નોટબંધીથી થયેલું નુકસાન આજે પણ જારી છે અને MSME ક્ષેત્ર તેનો સૌથી વધુ ભોગ બની રહ્યું છે.’
ગૌડાએ એવો પણ આક્ષેપ કર્યો કે ‘દેશભરમાં ૬.૫ કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.’ તેમણે કહ્યું, ‘આપણે એવી સ્થિતિમાં છીએ જ્યાં આપણી લોકશાહી ખરાબ રીતે નબળી પડી ચૂકી છે અને આ ભારતના દરેક નાગરિક માટે એક મોટી ત્રાસદી છે.’
અર્થતંત્ર અને શિક્ષણ પર સવાલો
બીજી તરફ, દુબેએ મોંઘવારીના મુદ્દે સરકારની ટીકા કરી અને દાવો કર્યો કે ૨૦૧૪ પછીથી એલપીજી, પેટ્રોલ, ડીઝલ, દૂધ અને કઠોળની કિંમતોમાં ભારે વધારો થયો છે.
તેમણે કહ્યું, ‘નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને ૨૦૨૪ સુધી ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. પરંતુ આજે સત્ય એ છે કે અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું છે અને ભારત સરકીને છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.’
દુબેએ કહ્યું કે વિદેશી રોકાણકારો ભારતમાંથી બહાર જઈ રહ્યા છે અને ઘરેલુ ઉદ્યોગપતિઓ પણ વિદેશોમાં રોકાણ વધારી રહ્યા છે, જેના કારણે હાલના જીડીપી આંકડાઓ છતાં દેશ વિકાસ લક્ષ્યોને હાંસલ નથી કરી શકતો.
દુબેએ માળખાગત સુવિધાઓ, રેલ સુરક્ષા અને શિક્ષણના મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી. તેમણે કહ્યું કે રેલવેમાં ભીડભાડ, વિલંબ અને સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓ જારી છે, સાથે જ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટાને ટાંકીને દાવો કર્યો કે રેલવે ટ્રેક પર ૨૨,૪૧૩ લોકોના મોત થયા છે. વારંવાર પરીક્ષાના પેપર લીક થવાનો ઉલ્લેખ કરતા તેમણે આક્ષેપ કર્યો કે ‘૮૯ પેપર લીક થયા છે અને ૪૮ વાર ફરીથી પરીક્ષા આયોજિત કરવામાં આવી છે.’
દુબેએ કહ્યું, ‘અમારી માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તરત જ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.’

