Ahmedabad Khadia Heritage Crisis: ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આજે વૈશ્વિક સ્તરે પોતાની સ્થાપત્ય કલા માટે વિખ્યાત છે. પરંતુ કમનસીબે, કોટ વિસ્તારની શાન અને સભ્યતાનો આત્મા ગણાતી ઐતિહાસિક પોળો અત્યારે ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. ખાડિયા પંથકની સદીઓ જૂની પોળોમાં રહેણાંક મકાનોનું આડેધડ આધુનિકીકરણ અને વ્યાપારીકરણ (Commercialization) થઈ રહ્યું છે. સુંદર કાષ્ઠ કોતરણી ધરાવતા સદીઓ જૂના લાકડાના મકાનો અને હવેલીઓને તોડીને ત્યાં કમાવવા માટે મોટા-મોટા કોંક્રિટના વ્યાપારી ગોડાઉનો ખડકી દેવામાં આવ્યા છે, જેના લીધે હેરિટેજ સિટીની ભવ્ય ઓળખ ભૂંસાઈ રહી છે.
નેતાઓ અને ભૂમાફિયાઓના પાપે ગટર-પાણીની આંતરમાળખાકીય સુવિધાઓ ખોરવાઈ
ખાડિયાના અગ્રણી સામાજિક કાર્યકર મનીષ બ્રહ્મભટ્ટ અને સ્થાનિક નાગરિક જયમીન પરમારે (Manish Brahmbhatt and Jaymin Parmar) આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ખાડિયા એ રહેવા માટેની પવિત્ર અને શાંત જગ્યા છે, પરંતુ ભ્રષ્ટ નેતાઓ અને ભૂમાફિયાઓની મિલીભગતથી તેને કમર્શિયલ હબ બનાવી દેવાયું છે. રહેણાંક વિસ્તાર તરીકે જ ટેક્સ ભરીને ગેરકાયદેસર રીતે અંદર મોટી દુકાનો ચલાવવામાં આવે છે. વ્યાપારી પ્રવૃત્તિ વધવાના કારણે પોળોની વર્ષો જૂની ડ્રેનેજ સિસ્ટમ અને પાણીની લાઈનો પર ભાર વધ્યો છે. કચરો સીધો ગટરોમાં જવાને કારણે ચોમાસામાં કમર સુધીના પાણી ભરાઈ જાય છે અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
૧૫૭૨માં અકબરપુરા તરીકે ઓળખાતા ખાડિયાનો ગૌરવશાળી ઈતિહાસ લુપ્ત થવાના આરે
ઐતિહાસિક બાબતોના સંશોધક અને લેખક ડો. માણેક પટેલ ‘સેતુ’ એ (Dr. Manek Patel) જણાવ્યું કે, જ્યારે ૧૫૭૨ માં બાદશાહ અકબર અમદાવાદ આવ્યા ત્યારે આ પ્રદેશ ‘અકબરપુરા’ તરીકે જાણીતો હતો. સમય જતાં ઊંચા-નીચા ટેકરા અને ખાડા હોવાને કારણે તેનું નામ ‘ખાડિયા’ પડ્યું. આઝાદીની ચળવળ, મહાગુજરાત આંદોલન અને નવનિર્માણ આંદોલનમાં ખાડિયાના લોકોની ખુમારી બ્રિટિશ પાર્લામેન્ટ સુધી ગાજી હતી. અહીંના ઘરોમાં હુમાયુના જમાનાના વરસાદી પાણીનો સંગ્રહ કરતા પરંપરાગત ભોંયતળિયાના ટાંકા આજે પણ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ હવે મૂળ પરિવારો આ વિસ્તાર છોડીને પશ્ચિમ અમદાવાદ તરફ વસી ગયા છે અને તેમની જગ્યાએ બહારના રાજ્યોના વ્યાપારીઓ આવી જતાં આખી સંસ્કૃતિ નાશ પામી રહી છે.
કાઉન્સિલર બિરજુ ઠક્કરની મોટી જાહેરાત: ઢાળની પોળમાં કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ
ખાડિયાના સ્થાનિક કાઉન્સિલર બિરજુ અલ્પેશ ઠક્કરે (Birju Alpesh Thakkar) આ ગંભીર ચિંતા અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, “જે પોળોના ભાઈચારા અને ગરિમા વચ્ચે આપણે મોટા થયા તે ધરોહરને બચાવવા માટે અમે હવે કમર કસી છે.” હેરિટેજ વોક (Heritage Walk) માટે વિશ્વભરમાં પ્રખ્યાત એવી ‘ઢાળની પોળ’ માં વ્યાપારીકરણ રોકવા માટે સ્થાનિક કમિટી દ્વારા માલસામાન વહન કરતા કોમર્શિયલ ટેમ્પોના પ્રવેશ પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સ્થાનિકોની માંગ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેરિટેજ ડિપાર્ટમેન્ટ જાગે અને ૯૦ થી વધુ રજિસ્ટર્ડ હેરિટેજ મકાનોમાં એસી કે નવી ડિઝાઇનના નામે થતા આધુનિક ફેરફારો અટકાવી તેનું કડક મોનિટરિંગ કરે.

