“શિક્ષણ જ વિકસિત ભારતના નિર્માણનો પાયો” – કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે
School Praveshotsav Bharuch: દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા વાલીઓને ભાવુક અપીલ, પ્રવેશોત્સવમાં બાળકોનું ઉષ્માભેર સ્વાગત
By: મુનીર પઠાણ, ભરૂચ.
ભરૂચ :
ગુજરાત સરકારના રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ભરૂચ તાલુકાની વડદલા પ્રાથમિક શાળા અને મિશ્રશાળા પગુથણ ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા પ્રવેશ મેળવનાર બાળકોને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળાજીવનની શુભ શરૂઆત કરાવી હતી. વિધાર્થીઓ અને વાલીઓને સંબોધતા કલેક્ટરે જણાવ્યું હતું કે, બાળકનો શાળામાં પ્રવેશ માત્ર એક પ્રક્રિયા નહીં પરંતુ તેના ભવિષ્યના નિર્માણની મહત્વપૂર્ણ શરૂઆત છે. તેમણે કહ્યું કે શિક્ષણ એ એવું શક્તિશાળી સાધન છે જે ગરીબી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવી વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જીવનપ્રસંગોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે શિક્ષણના બળે જ સામાન્ય પરિવારમાંથી આવેલા લોકો વિશ્વભરમાં આગવી ઓળખ બનાવી શક્યા છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ્યા છે, જે સરકારી શાળાઓમાં ઉપલબ્ધ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શિક્ષકોની સમર્પિત કામગીરીનું જીવંત ઉદાહરણ છે. દીકરીઓના શિક્ષણ અંગે ખાસ ભાર મૂકતા તેમણે વાલીઓને અપીલ કરી કે જૂની માન્યતાઓ છોડીને દીકરીઓને તેમની ઇચ્છા મુજબ ઉચ્ચ શિક્ષણ અપાવવું જોઈએ. “દીકરીનું શિક્ષણ એ પરિવાર અને સમાજના વિકાસની ચાવી છે,” એમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના વિકાસમાં યોગદાન આપનારા દાતાઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી શૈક્ષણિક સુવિધાઓ વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે માર્ગ સલામતી અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ, ઉપસરપંચ, જિલ્લા આગેવાનો, પ્રોબેશનર IAS અદ્વિજા ગુપ્તા, મામલતદાર માધવી મિસ્ત્રી, એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો, દાતાશ્રીઓ, વાલીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

