Dahej Officer Assault: “કંપનીનો લીડર બને છે?” કહી હોકી-લાકડીઓથી તૂટી પડ્યા ચાર શખ્સો, સહકર્મચારી સામે ફરિયાદ
By: મુનીર પઠાણ, ભરૂચ.
ભરૂચ:
દહેજ સ્થિત આવેલ એક ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા કર્મચારી પર ચાર શખ્સોએ પૂર્વ આયોજિત રીતે જીવલેણ હુમલો કરતાં ઔદ્યોગિક વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કંપનીના કર્મચારીને રસ્તામાં અટકાવી હોકી અને લાકડીઓ વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ દહેજ સ્થિત યશ્શ્વી રસાયણ પ્રા. લી. કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા અને ભરૂચના નારાયણનગર વિસ્તારમાં રહેતા સનોજકુમાર ગૌતમ ગત ૨૦ જૂનની મધરાતે નોકરી પરથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે શહેરની ભારતી રો-હાઉસ પાસે અજાણ્યા ઈસમે અચાનક પાછળથી તેમની બેગ ખેંચી હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રિના સમયે આ પ્રકારના કૃત્ય સામે સનોજકુમારે અજાણ્યા શખ્સ સામે વિરોધ કરતાં જ અચાનક મોઢા પર રૂમાલ બાંધેલા વધુ ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. ફિલ્મી ઢબે હુમલાખોરોએ સાથી કર્મચારીઓને ધમકાવી દૂર જવા જણાવતા સનોજકુમાર સાથે રહેલા શકશો સ્થળ પરથી દૂર જતા રહ્યા હતા જોકે આ તકનો લાભ લઈ આ હુમલાખોરો સનોજકુમાર પર તૂટી પડ્યા હતા અને તેમણે હોકી લાકડીથી માર મારવા લાગ્યા હતા. હુમલાની ઘટના દરમિયાન સનોજકુમારે એક હુમલાખોરનો રૂમાલ ખેંચી લેતા તે કંપનીમાં કામ કરતો કિંશન પટેલ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ “કંપનીનો લીડર બને છે?” કહી ધમકીભર્યા શબ્દો ઉચ્ચારી હુમલો વધુ ઉગ્ર બનાવ્યો હતો. ચારેય શખ્સોએ હોકી અને લાકડીઓ વડે સનોજકુમારના માથા, ખભા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
ઘટનાસ્થળે પડેલી બુમાબુમ સાંભળી સાથીદારો પરત દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં સનોજકુમારને ભરૂચની ડિવાઇન હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બે દિવસની સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘટના બાદ કંપનીના એચઆર વિભાગ સાથે ચર્ચા કરીને સનોજકુમારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હુમલો અંગત અદાવત, કાર્યસ્થળની દુશ્મનાવટ કે અન્ય કોઈ કારણસર થયો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કંપનીના અધિકારી પર થયેલા આ હુમલાએ દહેજના ઔદ્યોગિક વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે અને કર્મીઓની સેફ્ટી સામે સવાલો ઊભા કર્યા હતા.

