Data Center Policy Gujarat: વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન, ગુજરાતની નવી ડેટા સેન્ટર નીતિના ફાયદા અને ગંભીર જોખમો

Arati Parmar
3 Min Read

Data Center Policy Gujarat: ડેટાના આજના યુગમાં જ્યારે દરેક મોબાઈલ પ્રવૃત્તિ પાછળ અબજો જીબી ડેટા ઉત્પન્ન થાય છે, ત્યારે આ ડેટાને સુરક્ષિત રાખતા ‘ડેટા સેન્ટર’ ડિજિટલ દુનિયાના પાવરહાઉસ બની ગયા છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ડિજિટલ માર્કેટ બની રહ્યું છે, ત્યારે આ માંગને પહોંચી વળવા અને ગુજરાતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) તથા ક્લાઉડ કમ્પ્યુટિંગનું વૈશ્વિક હબ બનાવવા માટે સરકારે વિશેષ ડેટા સેન્ટર નીતિ જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં ૨૫,૦૦૦ કરોડથી વધુનું જંગી રોકાણ આકર્ષવાનો છે.

નીતિના આકર્ષક પાસાં અને રોકાણની તકો

ગુજરાત સરકાર ઉદ્યોગોને આકર્ષવા માટે અત્યાર સુધીના સૌથી મોટા પ્રોત્સાહનો આપી રહી છે. ડેટા સેન્ટર્સ માટે વીજળીના ખર્ચને ઘટાડવા આગામી પાંચ વર્ષ સુધી પ્રતિ યુનિટ ૧ રૂપિયો પાવર ટેરિફ સબસિડી અને ૨૦ વર્ષ સુધી ૧૦૦% ઈલેક્ટ્રિસિટી ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે. સાથે જ જમીન ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાં સંપૂર્ણ માફી આપવામાં આવી છે. ગુજરાતનો ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન માટે આદર્શ હોવાથી રિલાયન્સ, અદાણી અને વેબ વર્કર્સ જેવા દિગ્ગજ ગ્રુપો ગિફ્ટ સિટી, અમદાવાદ અને સુરતમાં મેગા પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે.

- Advertisement -

પર્યાવરણીય પડકારો: શું વિકાસ કિંમતી સાબિત થશે?

આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ પર્યાવરણીય કિંમત પણ મોટી છે. ડેટા સેન્ટર્સમાં અતિશય વીજળી અને સર્વર્સને ઠંડા રાખવા માટે લાખો લીટર શુદ્ધ પાણીની જરૂર પડે છે. એક હાઇપર સ્કેલ ડેટા સેન્ટર દરરોજ ૧.૮ કરોડ લીટર પાણીનો વપરાશ કરે છે, જે નાના શહેરની જરૂરિયાત જેટલું છે. ગુજરાતના પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં આ મોટા પાયે અસર કરી શકે છે. દરિયાના પાણીનો ઉપયોગ ઠંડક માટે કરવા સામે પાઈપલાઈનમાં કાટ લાગવો અને થર્મલ પોલ્યુશન (ગરમ પાણી દરિયામાં છોડવું) જેવી ગંભીર સમસ્યાઓ છે, જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે ખતરો છે. આ ઉપરાંત, ઈ-વેસ્ટ અને સાયબર હુમલાનું જોખમ પણ યથાવત છે.

સંતુલિત વિકાસ જ સફળતાની ચાવી

આ પડકારોને ધ્યાનમાં રાખીને નીતિમાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે. ડેટા સેન્ટર કંપનીઓએ પોતાની વીજળીનો ૫૧% હિસ્સો રિન્યુએબલ એનર્જી (સોલાર કે વિન્ડ) માંથી મેળવવો ફરજિયાત છે. સાથે જ ખારા પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે પણ સહાય જાહેર કરાઈ છે. નિષ્ણાતોના મતે, ગુજરાતની આ ડેટા સેન્ટર નીતિ આર્થિક અને તકનીકી દ્રષ્ટિએ માસ્ટર સ્ટ્રોક છે, પરંતુ તેની સફળતા માત્ર મોટા આંકડાઓમાં નહીં, પરંતુ ગ્રીન એનર્જીના મહત્તમ ઉપયોગ અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં જ સમાયેલી છે. જો પ્રકૃતિ અને વિકાસ વચ્ચે સુમેળ નહીં સધાય, તો તે ભવિષ્ય માટે નુકસાનકારક બની શકે છે.

- Advertisement -
Share This Article