Gir Man Lion Conflict: ગીરના સિંહોએ જંગલ છોડી ગામડાંઓમાં બનાવ્યા કાયમી ડેરા, ખેતરોમાં વનરાજની હાજરીથી ખેડૂતોમાં ભયનો માહોલ

Arati Parmar
3 Min Read

Gir Man Lion Conflict: મારણના વળતરમાં વન વિભાગની ભારે બેદરકારી, ૧૩ મહિનાથી ખેડૂતો વળતર વિહોણા

Gir Man Lion Conflict: વિશ્વભરમાં એશિયાટિક સિંહોના એકમાત્ર આશ્રયસ્થાન ગણાતા ગીર સોમનાથ જિલ્લા અને આસપાસના ગીર જંગલ વિસ્તારમાં હાલ એક અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. સિંહોની વસ્તીમાં થયેલા સાતત્યપૂર્ણ વધારાની સામે જંગલનું ક્ષેત્રફળ મર્યાદિત હોવાના કારણે હવે વનરાજ પોતાનું કુદરતી નિવાસસ્થાન છોડીને રેસિડેન્શિયલ વિસ્તારો તરફ વળી રહ્યા છે. ગીરની સીમા વટાવીને સિંહો હવે ગામડાં, રેડીમેડ ખેતીવાડી અને રહેણાંક પંથકોમાં કાયમી ધામા નાખીને વસવાટ કરવા લાગ્યા છે, જેને પગલે સ્થાનિક પશુપાલકો અને ખેતમજૂરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રાત્રિના બદલે હવે ભરબપોરે પણ ગામની શેરીઓમાં સિંહો મુક્તપણે ફરે છે

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પહેલાના સમયમાં સિંહો માત્ર મોડી રાત્રિના સમયે જ ખોરાકની શોધમાં ગામની બોર્ડર સુધી આવતા અને સવાર પડતા જ જંગલમાં પાછા ચાલ્યા જતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે; સિંહો અને દીપડા હવે દિવસના અજવાળામાં પણ ખેતરોની વચ્ચે આરામ કરતા કે ગામની સીમમાં આંટા મારતા જોવા મળે છે. ઉના તાલુકાના પાતાપુર ગામના ખેડૂત ધીરુભાઈ અને શૈલેષભાઈ વઘાસિયાએ (Dhirubhai and Shaileshbhai Vaghasiya) પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “સ્થિતિ એવી છે કે બજારમાં જતાં પહેલાં અમારે પાડોશીઓને ફોન કરીને પૂછવું પડે છે કે ગામમાં સિંહ તો નથી ને? રાત્રે વીજળી આવે ત્યારે ખેતરમાં પાણી વાળવા જવું જીવનું જોખમ ખેડવા બરાબર બની ગયું છે.”

- Advertisement -

પશુધનના મારણ સામે વન વિભાગનું વળતર મેળવવામાં ૧૩-૧૩ મહિનાનો વિલંબ

ખેડૂતોનો સૌથી મોટો આક્રોશ વન વિભાગની ઢીલી નીતિ સામે છે. પાતાપુર ગામમાં જ સિંહોએ થોડા સમય પહેલાં બે વાછરડાનું મારણ કર્યું હતું, જેની વનકર્મીઓએ ઓન-સ્પોટ તપાસ પણ કરી હતી. પરંતુ આ ઘટનાને ૧૩ મહિના વીતી ગયા હોવા છતાં પીડિત ખેડૂતને આજદિન સુધી કોઈ આર્થિક વળતર ચૂકવવામાં આવ્યું નથી. પશુઓના સતત થતા મારણ અને વળતરમાં થતી વહીવટી વિલંબના કારણે ગરીબ પશુપાલકો દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે અને સિંહો પ્રત્યેનો તેમનો પરંપરાગત પ્રેમ હવે આક્રોશમાં ફેરવાઈ રહ્યો છે.

ખોરાકની અછત અને ઉકરડા પર થતા ગેરકાયદે સિંહ દર્શનથી વધ્યો સંઘર્ષ

રાષ્ટ્રીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ભીખાભાઈ લિંબાણીના (Bhikhabhai Limbani) મતે, વર્ષ ૧૯૭૧-૭૨ માં ગીરના જંગલમાંથી માલધારીઓનું સ્થળાંતર કરાયા બાદ જંગલની અંદર પશુઓની સંખ્યા ઘટી ગઈ છે, જેથી સિંહોને કુદરતી શિકાર મળતો નથી. આથી તેઓ ગીર ગઢડા-ઝાંખીયા રોડ કે ઉનાના ખાપટ જેવા વિસ્તારોમાં આવતા મૃત ઢોરના ઉકરડા તરફ આકર્ષાય છે. વળી, આવા સ્થળોએ કેટલાક નબીરાઓ રાત્રે લાઈટો કરીને ગેરકાયદે સિંહ દર્શન (Illegal Lion Show) ગોઠવે છે, જે સિંહોના કુદરતી વર્તનને હિંસક બનાવી રહ્યું છે. ગીર ગઢડાના ખેડૂત બાલુભાઈ હિરપરાએ માગ કરી છે કે સિંહોને બચાવવા માટે જંગલની બહારના વિસ્તારોમાં ૨૪ કલાક વનકર્મીઓનું સઘન પેટ્રોલિંગ (Forest Patrol) ગોઠવવું અનિવાર્ય છે.

- Advertisement -

આ પણ વાંચો: Jamnagar Ward 1 Water Crisis: જામનગરમાં સ્માર્ટ સિટીના દાવા પોકળ, વોર્ડ નંબર-૧ માં બે દિવસે માત્ર ૧૦ મિનિટ જ આવે છે પાણી, જનતા ત્રાહિમામ – Newz Cafe

Share This Article