GST Tax Evasion Gujarat: ગુજરાતમાં GST તંત્રનો સપાટો, પાન-મસાલાના વેપારીઓ પર દરોડામાં 6.54 કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ

Arati Parmar
2 Min Read

GST Tax Evasion Gujarat: ગુજરાત રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે કરચોરી કરનારા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચુનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા મોટા પાયે કરચોરી થતી હોવાની પાકી માહિતી મળતા વિભાગે સક્રિયતા દર્શાવી છે. ગત 8 જુલાઈના રોજ SGST ની ટીમોએ અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઉંઝા, મહેસાણા અને બાવળા ખાતે દરોડા પાડ્યા હતા. આ એકસાથે કરાયેલી કાર્યવાહીમાં 27 કરદાતાઓના કુલ 41 ધંધાકીય સ્થળોને તપાસ હેઠળ લેવામાં આવ્યા હતા. આ મેગા ડ્રાઈવ દરમિયાન વિભાગને અંદાજે 6.54 કરોડ રૂપિયાની તોતિંગ ટેક્સ ચોરી પકડવામાં મોટી સફળતા મળી છે.

હિસાબી ચોપડા અને વાસ્તવિક સ્ટોકમાં મોટી વિસંગતતા

તપાસ દરમિયાન અધિકારીઓને વેપારીઓની ગેરરીતિઓના અનેક પુરાવા હાથ લાગ્યા હતા. મુખ્યત્વે વેપારીઓના હિસાબી ચોપડા અને સ્થળ પર તપાસતા વાસ્તવિક સ્ટોક વચ્ચે જમીન-આસમાનનો તફાવત જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ઘણા કરદાતાઓ ગ્રાહકોને માલ વેચતી વખતે બિલ જ આપતા નહોતા અને આ વેચાણની કોઈ પણ નોંધ હિસાબી ચોપડે કરતા નહોતા. ટર્નઓવર ઓછું બતાવીને સરકારની તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડવાનો આ પેંતરો લાંબા સમયથી ચાલતો હોવાનું જણાય છે. વિભાગ દ્વારા હવે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017ની કડક જોગવાઈઓ હેઠળ વેરાની વસૂલાત અને આગળની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

કરચોરી ડામવા માટે તંત્રની કડક નીતિ

આ દરોડાનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને B2C ક્ષેત્રમાં બિલ વિના થતા વેચાણને સંપૂર્ણપણે અટકાવવાનો અને તમામ વેપારીઓ પોતાનું વાસ્તવિક ટર્નઓવર રિટર્નમાં દર્શાવે તે સુનિશ્ચિત કરવાનો છે. SGST વિભાગ દ્વારા સતત ડેટા એનાલિસિસ કરીને કરચોરો પર નજર રાખવામાં આવી રહી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આ કાર્યવાહી માત્ર એક શરૂઆત છે અને આગામી સમયમાં અન્ય મહત્વના વેપારી ક્ષેત્રોમાં પણ આવી તપાસ ચાલુ રહેશે. ટેક્સ ચોરી કરીને ગેરકાયદેસર રીતે નફો મેળવતા તત્વો સામે તંત્ર દ્વારા આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે, જેથી પ્રામાણિક વેપારીઓ અને સરકાર બંનેના હિતોનું રક્ષણ થઈ શકે.

Share This Article