Amod cleanliness politics: સત્તા બદલાઈ, પરંતુ ગંદકી નહીં; AAPના આક્ષેપો સામે નગરપાલિકાનો ખુલાસો
By: મુનીર પઠાણ, ભરૂચ.
ભરૂચ:
આમોદ શહેરના આછોદ રોડ પર આવેલા ‘આઈ લવ આમોદ’ સેલ્ફી પોઈન્ટની નીચે ગંદકીના ઢગલા જોવા મળતા નગરપાલિકાની સ્વચ્છતા કામગીરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. શહેરની ઓળખ સમાન આ સ્થળે જાહેર માર્ગ પર જ કચરો ફેલાયેલો જોવા મળતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને સ્વચ્છતા અભિયાનના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાન રિયાઝ દરબારે કોંગ્રેસ અને ભાજપ બંને પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, “કોંગ્રેસ અને ભાજપ માસી-માસીના દીકરા છે. ભૂત ગયું અને પલિત આવ્યું. ભાજપ ગઈ તો કોંગ્રેસ આવી, પરંતુ નગરજનોની ગંદકીની સમસ્યા યથાવત રહી છે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ ગંદકીના મુદ્દે ઉગ્ર વિરોધ કરતા હતા, પરંતુ આજે પોતે સત્તામાં આવ્યા બાદ શહેરમાં ફેલાયેલી ગંદકી સામે મૌન ધારણ કર્યું છે.
બીજી તરફ આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજીદઅલી રાણાએ તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવા મુદ્દાઓને રાજકીય રંગ આપી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા દોઢ મહિનામાં નગરપાલિકાએ સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે, જેના કારણે નગરજનો અને વેપારીઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે ‘આઈ લવ આમોદ’ બોર્ડની આસપાસની જગ્યાની નિયમિત સફાઈ કરવામાં આવે છે, પરંતુ રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો ત્યાં કચરો ફેંકી જતા હોવાથી સવારે ફરી સફાઈ કરવી પડે છે. ઉપપ્રમુખે ખાતરી આપી કે રજૂ થયેલી ફરિયાદને ગંભીરતાથી લઈ વધુ અસરકારક સફાઈ અને દેખરેખની વ્યવસ્થા કરવામાં આવશે. સ્વચ્છતાના મુદ્દે હવે આમોદમાં રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ બન્યા છે. શહેરની ઓળખ સમાન સ્થળે ગંદકી દૂર કરવા માટે નગરપાલિકા કયા અસરકારક પગલાં ભરે છે, તેના પર હવે નગરજનોની નજર મંડાઈ છે.

