GSRTC Bus Privatization: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યમાં એસટી સેવાનું ‘છાનુંછપનું’ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. અત્યાર સુધી એસટી નિગમ પોતાની બસો ખરીદીને ચલાવતું હતું, પરંતુ હવે અધિકારીઓ અને વહીવટકર્તાઓ નવી બસો ખરીદવાને બદલે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ પાસેથી બસો ભાડે લેવા પર ભાર મૂકી રહ્યા છે. હાલમાં નિગમ પાસે ૨૫૦ જેટલી પ્રીમિયમ બસો ભાડે છે અને આગામી સમયમાં વધુ ૧૨૦૦ જેટલી નવી બસો ભાડે લેવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલના નામે જનતાની જાણ બહાર લેવાયેલો નિર્ણય હોવાનું મનાય છે.
તોતિંગ ભાડાં પાછળનું વિચિત્ર ગણિત
એસટી નિગમ હાલમાં જે ૨૫૦ એસી અને વોલ્વો બસો ભાડે ચલાવી રહ્યું છે, તેના માટે દર મહિને આશરે ૧૩ કરોડ રૂપિયાનું જંગી ભાડું ચૂકવવામાં આવે છે. જો આ ગણિતને વાર્ષિક સ્તરે જોવામાં આવે તો વર્ષે ૧૫૬ કરોડ રૂપિયા ખાનગી કંપનીઓની ઝોળીમાં જાય છે. આશ્ચર્યની વાત એ છે કે જેટલી રકમ અઢી વર્ષના ભાડાપેટે ચૂકવવામાં આવે છે, તેટલી રકમમાં ૨૫૦ નવી બસોની ખરીદી કરી શકાય તેમ છે. નિગમ પોતાની માલિકીની બસો વસાવવાને બદલે વર્ષો સુધી ખાનગી કંપનીઓને હજારો કરોડનું ભાડું ચૂકવીને દેવાનો ડુંગર ઊભો કરી રહ્યું છે, જે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કર્મચારીઓની ભરતીમાં પણ આઉટસોર્સિંગનો પેંતરો
નિગમ માત્ર બસો જ ભાડે લેવાનું વિચારી રહ્યું છે એવું નથી, પરંતુ હવે ડ્રાઈવર અને કંડક્ટરની કાયમી ભરતી પર પણ તરાપ મારવાની તૈયારી છે. જાણવા મળતી વિગતો મુજબ, નિગમ દ્વારા ૪૦૦૦ જેટલા કર્મચારીઓને આઉટસોર્સિંગ દ્વારા એટલે કે ખાનગી કંપની મારફતે લેવાની હિલચાલ ચાલી રહી છે. જેમાં ૨૦૦૦ ડ્રાઈવર અને ૨૦૦૦ કંડક્ટરનો સમાવેશ થાય છે. સરકારી ધારાધોરણ મુજબ ભરતી કરવાને બદલે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાના આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે અને સરકારી નોકરીની આશા રાખતા યુવાનોના હિતો જોખમાઈ રહ્યા છે.
કર્મચારી સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી
એસટી નિગમના આ છૂપા ખાનગીકરણના નિર્ણય સામે વિવિધ કર્મચારી સંગઠનોએ લાલ આંખ કરી છે. ભારતીય મઝદૂર સંઘના અગ્રણીઓના જણાવ્યા મુજબ, અધિકારીઓ અને નેતાઓ દ્વારા મનસ્વી રીતે લેવાયેલા આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ત્રણેય મુખ્ય કર્મચારી સંગઠનો એકઠા થઈને આગામી સમયમાં આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે જો બધું જ ખાનગી હાથોમાં સોંપી દેવામાં આવશે તો જાહેર પરિવહન સેવાની ગુણવત્તા જોખમાશે અને સરકારી માળખું નબળું પડશે. નિગમના હિતમાં કાયમી ભરતી અને નવી બસોની ખરીદી જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

