Women Reservation Bill: ગુજરાતમાં બેઠકોનું નવું ગણિત: લોકસભામાં ૩૯ અને વિધાનસભામાં ૨૭૩ બેઠકો

Arati Parmar
2 Min Read
Women Reservation Bill

Women Reservation Bill: કેન્દ્ર સરકાર દ્વારા મહિલા અનામત અધિનિયમ-૨૦૨૩ અને નવા પરિસીમનને લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેની સીધી અસર ગુજરાતના રાજકીય નકશા પર પડશે. હાલ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો છે, જે વધીને ૩૯ થઈ શકે છે. તેવી જ રીતે, વિધાનસભાની બેઠકો જે ૧૯૭૫થી ૧૮૨ પર સ્થિર છે, તે વધીને ૨૭૩ સુધી પહોંચવાની શક્યતા છે. આ ફેરફારને કારણે રાજ્યના ભૌગોલિક અને રાજકીય સીમાંકનો સંપૂર્ણપણે બદલાઈ જશે, જેમાં કેટલીક જૂની બેઠકો રદ થશે અને અનેક નવી બેઠકો અસ્તિત્વમાં આવશે.

મહિલા અનામત અને બેઠકોની નવી ગોઠવણ

‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હેઠળ લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. જો આ નવું માળખું અમલી બનશે, તો ગુજરાત વિધાનસભાની ૨૭૩ બેઠકોમાંથી ૯૧ બેઠકો અને લોકસભાની ૩૯ બેઠકોમાંથી ૧૩ બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે. આ ઐતિહાસિક નિર્ણયને કારણે રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ અનેકગણું વધી જશે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં આ ફેરફારોની વ્યાપક અસર જોવા મળશે.

- Advertisement -

અડધી સદી બાદ વિધાનસભાના ઇતિહાસમાં મોટું પરિવર્તન

ગુજરાત વિધાનસભાની બેઠકોના ઇતિહાસ પર નજર કરીએ તો, ૧૯૬૦માં જ્યારે રાજ્યની સ્થાપના થઈ ત્યારે ૧૩૨ બેઠકો હતી, જે ૧૯૭૫માં વધીને ૧૮૨ થઈ હતી. ત્યારબાદ છેલ્લા ૫૦ વર્ષથી આ સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. હવે ૨૦૨૯ની ચૂંટણી પહેલા નવા સીમાંકનની કવાયત હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ રાજ્યસભાની હાલની ૧૧ બેઠકોમાં પણ વધારો થશે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની અનામત બેઠકોના સમીકરણો પણ વસ્તી ગણતરીના આધારે નવેસરથી નક્કી કરવામાં આવશે.

રાજકીય પક્ષો માટે નવી રણનીતિનો પડકાર

બેઠકોની સંખ્યામાં થનારા આ મોટા વધારાને કારણે તમામ રાજકીય પક્ષોએ પોતાની જૂની રણનીતિઓ પડતી મૂકવી પડશે. વર્ષોથી સ્થાપિત થયેલા જ્ઞાતિગત સમીકરણો અને જે-તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ બદલાતા પક્ષોએ નવા નેતૃત્વને તૈયાર કરવું પડશે. મહિલા અનામતને કારણે પક્ષોએ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોને મુખ્ય પ્રવાહમાં લાવવા પડશે. આ નવા સીમાંકનથી મતદારોના ગણિત પણ બદલાશે, જેના કારણે આગામી ચૂંટણીઓમાં તમામ પક્ષો માટે નવા પડકારો અને નવી તકો ઊભી થશે.

- Advertisement -
Share This Article