11 હજાર શિક્ષકોની ભરતીમાં 774 જગ્યાઓનો વિવાદ, ન્યાયની માગ સાથે પરિવાર સહિત ઉપવાસ પર ઉતરવાની ઉમેદવારોની ચીમકી
Gujarat Vidya Sahayak Protest: ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે, પરંતુ બીજી તરફ શિક્ષક બનવા માટેની તમામ જરૂરી લાયકાત ધરાવતા યુવાનો નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં ધોરણ 1થી 5ના 11,000 વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા દરમિયાન 774 જગ્યાઓ પેન્ડિંગ રાખવામાં આવતાં TET-1 પાસ ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે તેઓ પરીક્ષા પાસ કરીને મેરીટમાં સ્થાન મેળવવા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા છતાં નિમણૂકથી વંચિત છે.
774 જગ્યાઓ પેન્ડિંગ રાખવાનો શું છે વિવાદ?
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા 11 હજાર વિદ્યા સહાયકોની ભરતી હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં મોટા ભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ 774 જગ્યાઓ કોર્ટમાં ચાલી રહેલા કેસને કારણે અનામત રાખવામાં આવી છે. ઉમેદવારોના જણાવ્યા અનુસાર, આ કેસ એવા ઉમેદવારો સાથે સંબંધિત છે જેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા નથી.
TET-1 પાસ ઉમેદવારોનું કહેવું છે કે તેમણે સરકારના નિયમો પ્રમાણે પરીક્ષા પાસ કરી છે, મેરીટમાં સ્થાન મેળવ્યું છે અને દસ્તાવેજોની ચકાસણી પણ કરાવી છે. તેમ છતાં અન્ય ઉમેદવારોના કોર્ટ કેસને કારણે તેમની નિમણૂક અટકાવવી અન્યાય સમાન છે. જો કોર્ટ કેસનો ઉકેલ આવતાં વર્ષો લાગી જાય તો તેમની નોકરીમાં વિલંબ થશે, સિનિયોરિટી પર અસર પડશે અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
ઉમેદવારોની સરકાર સમક્ષ માગ
ઉમેદવાર નિયાંતા ચાવડાએ જણાવ્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષ કે સરકારનો વિરોધ કરવા નહીં, પરંતુ પોતાના હકની માગ કરવા માટે રજૂઆત કરી રહ્યાં છે. તેમના જણાવ્યા અનુસાર, કચ્છ સહિત રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આવી સ્થિતિમાં લાયક ઉમેદવારોને નિમણૂક આપવાથી શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.
અન્ય ઉમેદવાર રાજ ચાવડાએ પણ સરકારને વચગાળાનો ઉકેલ લાવવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ પોતાની રીતે આગળ વધી શકે, પરંતુ હાલમાં લાયકાત ધરાવતા અને મેરીટમાં આવેલા ઉમેદવારોને જિલ્લા પસંદગી અને નિમણૂકની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે. જો કોર્ટના નિર્ણય બાદ અન્ય ઉમેદવારોના ગુણમાં ફેરફાર થાય તો તેમના માટે અલગ વ્યવસ્થા કરી શકાય.
SPGના લાલજીભાઈ પટેલે પણ આપ્યો ટેકો
ઉમેદવારોની માગને સરદાર પટેલ ગ્રુપ (SPG)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે પણ સમર્થન આપ્યું છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરીને 774 જગ્યાઓના વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા અપીલ કરી છે.
લાલજીભાઈ પટેલે સૂચવ્યું છે કે કાયદા વિભાગની સલાહ લઈને એવો વચગાળાનો રસ્તો કાઢવામાં આવે, જેથી કોર્ટ કેસ ચાલુ રહેવા છતાં મેરીટમાં આવેલા પાસ ઉમેદવારોને નિમણૂકની તક મળી શકે. કોર્ટ કેસમાં સામેલ ઉમેદવારોને પણ કેસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી અંગે ખાતરી આપવાની માગ કરવામાં આવી છે.
9 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ
વારંવાર રજૂઆતો અને સામાજિક આગેવાનોના સમર્થન છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય ન આવતાં ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે. ઉમેદવારોએ સરકારને 9 ડિસેમ્બર 2026 સુધીમાં જિલ્લા પસંદગી અને શાળામાં હાજર થવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે.
જો આ સમયમર્યાદામાં ઉકેલ નહીં આવે તો ઉમેદવારો પરિવારજનો સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે. હવે સરકાર આ મામલે કાયદાકીય માર્ગ કાઢીને ઉમેદવારોની માગનો સ્વીકાર કરે છે કે નહીં તે જોવાનું રહેશે.

