Blood Plasma Scam: બ્લડ પ્લાઝ્મામાં ભેળસેળનું ખતરનાક કૌભાંડ, અમદાવાદમાં પકડાયું નકલી પ્લાઝ્માનું મોટું રેકેટ

Arati Parmar
2 Min Read

Blood Plasma Scam: ગુજરાતમાં માનવતાને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પૈસા કમાવવાની લાલચમાં એક લૅબ ટેક્નિશિયન, સેલ્સમૅન અને બે ડ્રાઇવરોએ મળીને પીળા બ્લડ પ્લાઝ્મામાં ભેળસેળનું મોટું કૌભાંડ રચ્યું હતું. કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે અત્યંત જરૂરી એવા પ્લાઝ્માને નકલી બનાવીને બજારમાં વેચવાનું આ નેટવર્ક છેક મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલું હતું. અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (SOG)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ કૌભાંડીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ હજુ પણ આમાં બીજા કોણ કોણ સામેલ છે તેની સઘન તપાસ કરી રહી છે.

કેવી રીતે ચાલતો હતો આ જીવલેણ ધંધો?

મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરીએ અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં એક મકાન ભાડે રાખી ત્યાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરી હતી. દિનેશ અને મહારાષ્ટ્રના વસીમ બ્લડબૅન્ક સંચાલક મોહન ગાયકવાડે મળીને ભેળસેળનો પ્લાન બનાવ્યો હતો. તેઓ બ્લડ બૅન્કમાંથી પ્લાઝ્મા લઈને નીકળતા બે ડ્રાઇવરો, રફીક સાલમ અને જીતેન્દ્ર સોલંકી સાથે સાંઠગાંઠ કરીને અગાઉથી માહિતી મેળવી લેતા હતા. ડ્રાઇવરો પ્લાઝ્મા લઈને નીકળે ત્યારે રસ્તામાં જ તેને દિનેશને આપી દેતા, જ્યાં તે અસલી પ્લાઝ્મા કાઢી લઈ તેમાં સલાઇનનું પાણી ઉમેરીને બોટલ ફરીથી પેક કરી દેતો હતો. 40-50 રૂપિયામાં તૈયાર થતું આ નકલી પ્લાઝ્મા બજારમાં 1500 રૂપિયા કે તેથી વધુ ભાવે હોસ્પિટલો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓને વેચવામાં આવતું હતું.

દર્દીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ

તબીબી નિષ્ણાતોના મતે, બ્લડ પ્લાઝ્માનો ઉપયોગ ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓ, હીમોફીલિયાના દર્દીઓ અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોની સારવારમાં થાય છે. આ ઉપરાંત કૅન્સર જેવી બીમારીઓની દવા બનાવવા માટે પણ આ પ્લાઝ્મા અનિવાર્ય છે. નકલી પ્લાઝ્માના ઉપયોગથી દર્દીઓના જીવ સામે ગંભીર જોખમ ઊભું થયું છે. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી 1140 બોટલ નકલી પ્લાઝ્મા, ખાલી બોટલો, સીલ કરવાનું મશીન અને ડીપફ્રીઝર મળી આવ્યું છે. બનાસકાંઠાના રહેવાસી દિનેશ ચૌધરીએ આ ધંધાથી એટલી કમાણી કરી હતી કે તે ગામમાં નવું ઘર બનાવવા જઈ રહ્યો હતો, જે દર્શાવે છે કે આ ધંધો કેટલા મોટા પાયે ફૂલ્યોફાલ્યો હતો. હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ તેજ બનાવી છે.

- Advertisement -
Share This Article