Boax Bomb Email Sender Arrested: ૫૦થી વધુ બોમ્બ બ્લાસ્ટની ધમકીના મોકલ્યા ઈમેલ, અમદાવાદ પોલીસે શખ્સને પશ્ચિમ બંગાળથી દબોચ્યો

Arati Parmar
3 Min Read

Boax Bomb Email Sender Arrested: ઈમેલથી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપીને ડર ફેલાવવાના મામલે ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ સિટી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી એક ૨૮ વર્ષના શખ્સને દબોચી લીધો છે. જેણે ગુજરાત સહિત દેશભરમાં ૫૦થી વધુ બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળા ઈમેલ મોકલ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીનું નામ સૌરવ બિસ્વાસ છે. પોલીસે જણાવ્યું કે તેણે શાળાઓ અને મેટ્રો સ્ટેશનો સહિત ૫૦થી વધુ જગ્યાઓ પર બોમ્બની ધમકીવાળા નકલી ઈમેલ મોકલ્યા હતા. આરોપી રિમાન્ડ પર છે અને તપાસકર્તાઓ તેના હેતુ અને સંભવિત સાથીદારોની તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, વડોદરાની ઘણી શાળાઓ અને ન્યાયિક પરિસરો (કોર્ટ) ને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ સતત મળી રહ્યા હતા.

અમદાવાદ પોલીસે શેર કરી વિગતો

ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ યુનિટ સાથેના એક સંયુક્ત ઓપરેશનમાં પશ્ચિમ બંગાળના ૨૮ વર્ષના સૌરવ બિસ્વાસની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે દેશભરની શાળાઓ, કોર્ટ, મેટ્રો સ્ટેશનો અને ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનને નિશાન બનાવીને બોમ્બની ધમકીવાળા ઈમેલ મોકલ્યા હતા. અમદાવાદ શહેર પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીએ કથિત રીતે છેલ્લા પાંચ દિવસમાં મુંબઈ, દિલ્હી, ગુજરાત અને અન્ય ઘણા રાજ્યોમાં ૫૦થી વધુ બોમ્બની ધમકીવાળા ઈમેલ મોકલ્યા હતા. ટાર્ગેટમાં મુંબઈની શાળાઓ, મેટ્રો સ્ટેશન અને સ્ટોક એક્સચેન્જ પણ હતા. સૌરવ બિસ્વાસ નામના આ શખ્સે ૨૭ ફેબ્રુઆરીએ બોમ્બ ધડાકાનો ઈમેલ મોકલ્યો હતો. આરોપીએ આ ઈમેલમાં લખ્યું હતું કે બે દિવસની અંદર બોમ્બ ધડાકા થશે.

- Advertisement -

મુંબઈ પોલીસે લીધી કસ્ટડી

૨૭ ફેબ્રુઆરીની ઘટના બાદ મુંબઈના ડિંડોશી પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુજરાતની અમદાવાદ શહેર પોલીસે પકડ્યા બાદ હવે મુંબઈ પોલીસે તપાસ માટે આરોપીની કસ્ટડી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે ટેકનિકલ તપાસમાં ઈમેલના ડિજિટલ ટ્રેલને ટ્રેક કરવામાં આવ્યો હતો. આખરે આમાં પશ્ચિમ બંગાળના ન્યૂ બેરકપુર વિસ્તારમાં સોર્સની ઓળખ થઈ હતી. ત્યારબાદ ટીમો પશ્ચિમ બંગાળ ગઈ હતી. મુંબઈમાં બોમ્બ ધડાકા થવાની ધમકી પહેલા ગુજરાતના અમદાવાદ અને વડોદરાની શાળાઓને ઈમેલથી ધમકી મળી હતી.

ગુજરાત પોલીસને મોટી સફળતા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે ધમકીઓ કદાચ દહેશત ફેલાવવાના ઈરાદે મોકલી હતી, જોકે તપાસ ટીમના સભ્યો તમામ એંગલથી તપાસ કરવાની સાથે આરોપીની હિસ્ટ્રી પણ તપાસી રહ્યા છે. પશ્ચિમ બંગાળથી ખોટા બોમ્બ બ્લાસ્ટના ઈમેલ મોકલનારા શખ્સની ધરપકડને ગુજરાત પોલીસની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. આ પહેલા અમદાવાદ પોલીસે જ તેલંગાણાની એક મહિલાની ધરપકડ કરી હતી, જે પ્રેમમાં નિષ્ફળ જવા પર આવું કરતી હતી.

- Advertisement -
Share This Article