Rajkot Demolition Scam: રાજકોટમાં ‘કાજુ કતરી’નું કૌભાંડ, જંગલેશ્વર ડિમોલિશનમાં 27 લાખનો નાસ્તો ચર્ચાનો વિષય

Arati Parmar
2 Min Read

Rajkot Demolition Scam: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ એક નવો અને ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. આ ડિમોલિશન દરમિયાન અધિકારીઓ માટે કરવામાં આવેલા નાસ્તા અને જમવાના ખર્ચનું બિલ 27 લાખ 20 હજાર રૂપિયા જેટલું ઊંચું આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. એક તરફ જ્યાં 1500 જેટલા પરિવારો ઘરવિહોણા થયા હતા, ત્યાં બીજી તરફ સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાની મિઠાઈઓ અને નાસ્તા પાછળ ખર્ચાયા હોવાનું બિલમાં જણાતા વિપક્ષ આક્રમક બન્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલને હાલ પેન્ડિંગ રાખીને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

કાજુ કતરી અને ખજૂર રોલનો મોટો ખર્ચ

બિલમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ, આ કામગીરી દરમિયાન કાજુ કતરી, ખજૂર રોલ અને ખમણ જેવી મોંઘી વસ્તુઓ માટે 34,650 રૂપિયા ખર્ચાયા હતા. આટલું જ નહીં, બિલમાં આરાધના ટી સ્ટૉલની 6.30 લાખ રૂપિયાની ચા-કોફી અને 4,000 બોટલ લીંબુ શરબતનો પણ સમાવેશ થાય છે. વિપક્ષી નેતાઓ અને કૉંગ્રેસના કોર્પોરેટરોએ આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તેમનું કહેવું છે કે, જ્યારે સામાન્ય જનતા રસ્તા પર હતી, ત્યારે અધિકારીઓ માટે 231 રૂપિયાની એક નંગ કાજુ કતરીની વ્યવસ્થા કરવી તે માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના છે.

- Advertisement -

તંત્રનો પક્ષ અને તપાસની ખાતરી

આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ એક વ્યક્તિ માટેનો ખર્ચ નહોતો, પરંતુ ડિમોલિશન દરમિયાન તૈનાત રહેલા 4800થી વધુ કર્મચારીઓ, પોલીસ અને મેડિકલ ટીમો માટે આ રિફ્રેશમેન્ટની વ્યવસ્થા હતી. તેમણે દાવો કર્યો કે કાજુ કતરીનો ઓર્ડર કમિશનરના આદેશ અનુસાર પત્રકારો માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ માટે આપવામાં આવ્યો હતો. જોકે, આ ખુલાસાથી સંતોષ ન થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ જણાવ્યું હતું કે, આટલી સંવેદનશીલ પરિસ્થિતિમાં આટલી બધી મિઠાઈ ખાવાની જરૂર કેમ પડી તે અંગે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે હવે કોઈ પણ એજન્સીના બિલ બે મહિનામાં રજૂ કરવાના રહેશે. નિર્દોષ જનતાના ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ થયો છે કે કેમ, તે હવે તપાસના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

Share This Article