નવી દિલ્હી, તા.21: યુરોપ અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષો વચ્ચે ભારત એક જવાબદાર અને સહાયક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. એનડીટીવી વર્લ્ડ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત એવા સમયે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યું છે જ્યારે વિશ્વ ઘર્ષણોથી ઘેરાયેલું છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત ઉભડક સંબંધો નથી બનાવતું પણ ભારતના સંબંધોનો પાયો હંમેશાં વિશ્વાસ અને વિશ્વસનિયતા રહ્યો છે અને હવે દુનિયા પણ આ સમજી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારતે ટેકનોલોજીનું લોકશાહીકરણ કરીને વિશ્વને ડિજિટલ જાહેર માળખાગત સુવિધાનો નવો માર્ગ બતાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત પાસે વિકાસની લાંબી ગાથા છે, પરંતુ જો આપણે છેલ્લા 125 દિવસની વાત કરીએ તો ભારત પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમારી સરકારના ત્રીજા કાર્યકાળને 125 દિવસ પૂર્ણ થયા છે. આ ગાળામાં ગરીબો માટે 3 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યાં છે. 5 લાખ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. શેરબજાર 6 ટકાથી વધીને 7 ટકા થયું છે. 9 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે.
15 નવા વંદે ભારત અને 8 નવા એરપોર્ટ પર કામ શરૂ થઈ ગયું છે. યુવાનો માટે બે લાખ કરોડનું પેકેજ, 21 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે પાંચ લાખ સુધીની મફત સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે પાંચ લાખ ઘરોમાં રૂફટોપ સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. માતાનાં નામે 90 કરોડ વૃક્ષ રોપવામાં આવ્યાં છે. ફોરેક્સ 650 અબજ ડોલરને પાર કરી ગયું છે. ભારતની સિદ્ધિઓની યાદી લાંબી છે.
પીએમ મોદીએ કહ્યું કે આ સમિટમાં તમે ઘણા વિષયો પર ચર્ચા કરવા જઈ રહ્યા છો. વિવિધ ક્ષેત્રોના વૈશ્વિક નેતાઓ પણ સંબોધન કરશે. જો તમે છેલ્લાં 4-5 વર્ષ પર નજર નાખો, તો મોટાભાગની ચર્ચાઓમાં એક વસ્તુ સામાન્ય રહી છે, તે ભવિષ્યની ચિંતા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયે વૈશ્વિક મહામારીનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચિંતા હતી જ્યારે કોવિડ વધ્યો ત્યારે વિશ્વની અર્થવ્યવસ્થા અંગે ચિંતા હતી. કોરોનાએ મોંઘવારી અને બેરોજગારી અંગે પણ ચિંતા ઉભી કરી છે.
આબોહવા પરિવર્તનની ચિંતા હતી, પછી જે યુદ્ધો શરૂ થયાં, જેનાં કારણે ચિંતા વધી ગઈ. મોદીએ કહ્યું કે જાહેર જીવનમાં હું ઘણીવાર વિવિધ પ્રકારના લોકોને મળું છું. તેઓ કહે છે કે તેમણે ત્રણ વખત સરકાર બનાવી લીધી છો તો હવે આટલી બધી દોડધામ શા માટે ? દેશ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે, તો પછી આટલી મહેનતની શું જરૂર છે. આવું કહેનારા ઘણા લોકો છે પણ આપણે જે સપનાઓ જોઈએ છીએ તેમાં કોઈ શાંતિ કે આરામને સ્થાન નથી.

