બાંગલાદેશની ટીમ સામે ભારતનો 133 રને વિજય થયો

Reena Brahmbhatt
3 Min Read

હૈદરાબાદ, તા. 12 : મેન ઓફ?ધ મેચ સંજુ સેમસન (111)ની વિસ્ફોટક સદી તેમજ સુકાની સૂર્યકુમાર (75)ની કમાલ કેપ્ટન ઇનિંગ્સની મદદથી ટીમ ઇન્ડિયાએ બાંગલાદેશને 133 રને હાર આપતાં શાનદાર વિજય સાથે વિજયાદશમીની ઉજવણી કરી હતી. ભારતે આપેલા 298 રનના પડકારરૂપ લક્ષ્ય સામે પ્રવાસી બાંગલાદેશ 164 રન સુધી સીમિત રહી હતી. આમ, ભારતે બાંગલાદેશને 3-0થી ક્લીન સ્વીપ કરી શાનદાર શ્રેણીવિજય પણ મેળવ્યો હતો. સંજુ-સૂર્યાની જોડીએ જામી જતાં બીજી વિકેટ માટે 70 દડામાં 173 રનની ભવ્ય ભાગીદારી કરીને જીત માટે મજબૂત પાયો રચ્યો હતો. અણનમ અર્ધસદી કરનાર તૌહિદ હૃદોય (63) અને લિટન દાસ (42)ને બાદ કરતાં બધા બાંગલાદેશી બેટધરો ભારતીય બોલિંગ આક્રમણ સામે ઘૂંટણિયે પડી ગયા હતા.

સંજુએ માત્ર 40 દડામાં તેની કારકિર્દીની પ્રથમ ટી-20 સદી સાથે 47 દડામાં આઠ છગ્ગા, 11 ચોગ્ગા સાથે 111 રન ફટકારી દીધા હતા. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ત્રીજા ટી-20 મુકાબલામાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરી હતી. મુકાબલામાં ભારતીય ટીમે સંજુ સેમસનની વિસ્ફોટક સદી અને સૂર્યકુમારના 75 રનની મદદથી 20 ઓવરમાં 297 રનનો સ્કોર કર્યો હતો. જે ટી-20 ઈતિહાસમાં ભારતીય ટીમનો સૌથી મોટો સ્કોર છે.

- Advertisement -

આ ઉપરાંત ટેસ્ટ રમનારા દેશોમાંથી કોઈ ટીમનો પણ સર્વાધિક સ્કોર છે. ભારતના 297 રનના જવાબમાં બાંગલાદેશની ટીમ સાત વિકેટે 164 રન જ કરી શકી હતી અને ટીમ ઈન્ડિયાનો 133 રને વિજય થયો હતો. પહેલાં બેટિંગ કરતાં માત્ર 23ના સ્કોરે ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો, જેમાં અભિષેક શર્મા માત્ર ચાર રને આઉટ થયો હતો. બાદમાં સંજુ સેમસન અને સૂર્યકુમારે માત્ર 22 બોલમાં 53 રન જોડયા હતા. ટીમે બેટિંગ પાવરપ્લેમાં 82 રન કર્યા હતા. જે પાવરપ્લેમાં ભારતનો સર્વાધિક સ્કોર છે, જ્યારે 10 ઓવરમાં 152 રન કરી લીધા હતા. ભારત તરફથી સંજુએ 47 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 111 રન કર્યા હતા, જ્યારે સૂર્યકુમારે 35 બોલમાં 8 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 75 રન કર્યા હતા.

આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ પણ માત્ર 18 બોલમાં 47 રનની ઈનિંગ્સ રમી હતી અને રિયાન પરાગે 34 રનનું યોગદાન આપ્યું હતું, જેની મદદથી ભારતે 20 ઓવરમાં છ વિકેટના નુકશાને 297 રન કર્યા હતા. ભારતના વિશાળ સ્કોરનો પીછો કરતા બાંગલાદેશ તરફથી લિટન દાસ અને તોહિદ હૃદોયે જ લડત આપી હતી, જેમાં દાસે 42 અને તોહિદે 62 રન કર્યા હતા. આ ઉપરાંત કોઈ પણ ખેલાડી રમી શક્યો નહોતો. બાંગલાદેશની ટીમ 7 વિકેટે 164 રન કરી શકી હતી અને ભારતનો 133 રને વિજય થયો હતો.

- Advertisement -
Share This Article