Indian Test Team Captain: હિટમેન રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ બાદ સૌથી મોટો સવાલ એ છે કે ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટન કોણ હશે. હવે એવું લાગે છે કે આ સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી જશે. અહેવાલો અનુસાર, શુભમન ગિલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતના નવા ટેસ્ટ કેપ્ટન હશે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પહેલાથી જ આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે અને ટૂંક સમયમાં BCCI તેની સત્તાવાર જાહેરાત કરશે.
ગિલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના કેપ્ટન રહેશે!
સૂત્રોના જણાવ્યાનુસાર, શુભમન ગિલ ભારતીય ટીમના કેપ્ટન બનશે તેવી જાહેરાત 23મી અથવા 24મી મેના રોજ થઈ શકે છે. પસંદગી સમિતિની બેઠક તે જ દિવસે મુંબઈમાં યોજાશે. શુભમન ગિલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના કેપ્ટન રહેશે તે નક્કી થઈ ગયું છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ પ્રવાસની પાંચ ટેસ્ટ મેચ માટે ટીમની પસંદગી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલે ડિસેમ્બર 2020માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 32 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન, તેણે 59 ઈનિંગ્સમાં 35.05 ની સરેરાશ અને 59.92 ના સ્ટ્રાઇક રેટથી 1893 રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટમાં 7 અડધી સદી અને 5 સદી ફટકારી છે. ક્રિકેટના આ સૌથી મોટા ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 128 રન છે.
શું વિરાટ કોહલી ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે?
કેપ્ટનશીપ ઉપરાંત વિરાટ કોહલી વિશે પણ એક સવાલ છે. શનિવારે (નવમી મે) અહેવાલો વહેતા થયા હતા કે, રોહિત શર્મા પછી, વિરાટ કોહલીએ પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે BCCI ને પણ જાણ કરી દીધી છે. જોકે, બોર્ડે તેમને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે. ટીમની જાહેરાત કરતા પહેલા પસંદગીકારો ફરી એકવાર કોહલી સાથે આ મુદ્દા પર વાત કરશે અને તે પછી જ નક્કી કરવામાં આવશે કે કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે કે નહીં.