MS Dhoni Record: મહેન્દ્ર સિંહ ધોનીએ IPlમાં અનોખી ‘સદી’ પૂર્ણ કરી છે. ધોની IPLના ઈતિહાસમાં 100 વખત નોટ આઉટ રહેનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. ધોનીથી પાછળ રવીન્દ્ર જાડેજા છે, જે IPLમાં 80 વખત બેટિંગ કરતા નોટ આઉટ રહ્યો છે. કિરોન પોલાર્ડ અને દિનેશ કાર્તિક 52-52 વખત અને ડેવિડ મિલર 49 વખત IPLમાં બેટિંગ કરતી વખતે નોટ આઉટ રહી ચૂક્યો છે.
ધોની 17 રન પર નોટ આઉટ રહ્યો
ધોની 7 મે ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ વખતે ઈડન ગાર્ડન્સમાં 17 રનો પર નોટ આઉટ રહ્યો હતો. ધોની IPLમાં અત્યાર સુધીમાં કુલ 276 મેચ રમ્યો છે. તેની 241 ઈનિંગમાં તેણે 5,423 રન બનાવ્યા છે. ધોનીની IPLમાં એવરેજ 38.46 અને સ્ટ્રાઈક રેટ 137.63 છે. તેના નામે 157 કેચ અને 47 સ્ટમ્પ પણ છે.
ચેન્નઈની રોમાંચક મેચમાં જીત
તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં 7 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ રમાઈ હતી. ચેન્નઈએ આ મેચ રોમાંચક રીતે 2 બોલ બાકી રહેતા 2 વિકેટથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 179/6 નો સ્કોર બનાવ્યો હતો. વિજયી શોટ અંશુલ કંબોજના બેટથી આવ્યો હતો, જેણે ચોગ્ગો ફટકાર્યો હતો. ધોની 18 બોલમાં 17 રન બનાવીને અણનમ રહ્યો. રન ચેઝ દરમિયાન ડેવાલ્ડ બ્રેવિસે માત્ર 25 બોલમાં 52 રનની ઈનિંગ રમી. ઉર્વિલ પટેલ (11 બોલમાં 31 રન) અને શિવમ દુબે (40 બોલમાં 45 રન)એ પણ શાનદાર પ્રદર્શન કર્યું.