પીક અપ વાનમાં 12-14 કામદારો બેઠા હતા જેઓ વડોદરાથી ઝાલોદ કામ અર્થે ગયા હતા.
વડોદરા, 29 મે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં હાલોલ-વડોદરા નજીક કોટંબી નજીક એક પીક-અપ વાનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. પીક-અપ વાનમાં 12-14 કામદારો બેઠા હતા, જેઓ વડોદરાથી ઝાલોદ કામ અર્થે ગયા હતા અને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

ઘટના અંગે ERC ફાયર સ્ટેશન ઓફિસર જશુ વાઘેલાએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે 3 વાગ્યે કોટંબીના સ્ટેડિયમ નજીક ઘટનાની માહિતી મળતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પીક-અપ વાનનું ટાયર ફાટતાં વાન નજીકની કેનાલમાં પડી હતી. કેનાલમાં પાણી હોવાથી લોકોને બચાવી લેવાયા હતા.
જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 4 મૃતકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પીક-વાન લાકડા ભરેલી હતી, ઝાલોદ પહોંચાડ્યા બાદ બધા વડોદરા પરત ફરી રહ્યા હતા.

