1 જુલાઈ 2026
Sarla Bhatt Murder Case: કાશ્મીર ખીણમાં 1990નો દાયકો આતંકવાદનો સૌથી કાળો સમયગાળો હતો. જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) નો તત્કાલીન ચીફ કમાન્ડર યાસીન મલિક અને તેની ગેંગે કાશ્મીરી પંડિતોને પસંદગીપૂર્વક નિશાન બનાવ્યા હતા. આ સમયની સૌથી દર્દનાક ઘટનાઓમાંની એક હતી SKIMS હોસ્પિટલની 27 વર્ષીય સ્ટાફ નર્સ સરલા ભટ્ટની બર્બર હત્યા. અનંતનાગના કાઝીબાગની રહેવાસી અને શિક્ષકની દીકરી સરલાએ અંગ્રેજી સાહિત્ય અને નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. પરિવારને આર્થિક મદદ કરવા માટે તેણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો અને શ્રીનગરની પ્રતિષ્ઠિત SKIMS હોસ્પિટલમાં સેવા આપતી હતી.
તા. 15 એપ્રિલ 1990ના રોજ સરલા ભટ્ટ જ્યારે હોસ્પિટલથી હોસ્ટેલ પરત ફરી રહી હતી, ત્યારે JKLFના આતંકવાદીઓએ કારમાં તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને કેદમાં રાખીને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. SIAની ચાર્જશીટ મુજબ, તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો, શરીર પર સિગારેટના ડામ દેવામાં આવ્યા અને ક્રૂરતાની તમામ હદો પાર કર્યા બાદ આતંકવાદી ખુરશીદ અહમદ ચાલકુએ ઓટોમેટિક રાઇફલથી ગોળીઓ મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 19 એપ્રિલ 1990ના રોજ શ્રીનગરના મલ્લબાગ વિસ્તારમાંથી તેનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળ્યો હતો. આતંકવાદીઓએ મૃતદેહ સાથે એક ચિઠ્ઠી છોડી હતી જેમાં આરોપ લગાવ્યો હતો કે સરલા પોલીસ માટે ‘મુખબીર’ તરીકે કામ કરતી હતી. જોકે, 36 વર્ષ બાદ SIAની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ આરોપ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો હતો. આતંકવાદીઓએ માત્ર પોતાની ક્રૂર હત્યાને યોગ્ય ઠેરવવા અને કાશ્મીરી પંડિતોમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આ ખોટો પ્રચાર કર્યો હતો.
સરલા ભટ્ટની હત્યા એકમાત્ર ઘટના નહોતી. યાસીન મલિકના નેતૃત્વમાં JKLF એ 25 જાન્યુઆરી 1990ના રોજ શ્રીનગરના રાવલપોરા બસ સ્ટોપ પર વાયુસેનાના 4 નિર્દોષ જવાનોને અંધાધૂંધ ગોળીબારમાં શહીદ કર્યા હતા, જેમાં સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાનો સમાવેશ થાય છે. 8 ડિસેમ્બર 1989ના રોજ તત્કાલીન ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદની દીકરી રૂબિયા સઇદનું અપહરણ કરીને 5 કટ્ટર આતંકવાદીઓને છોડાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી 1990માં મસ્જિદોના લાઉડસ્પીકર પરથી ‘રલિવ, ચલિવ યા ગલિવ’ – એટલે કે ઇસ્લામ કબૂલો, કાશ્મીર છોડો અથવા મરો – ના નારા લગાવવામાં આવ્યા હતા. દીવાલો પર પોસ્ટર લાગ્યા કે ‘અમે આઝાદી માંગીએ છીએ, પણ પંડિત મહિલાઓ વગર’. આ ભયના માહોલને કારણે 19 જાન્યુઆરી 1990ની રાત્રે અંદાજે 7 લાખ કાશ્મીરી પંડિતોએ માત્ર કપડે ખીણ છોડી દીધી હતી. સરકારી આંકડા મુજબ 1990-91 દરમિયાન 219 કાશ્મીરી પંડિતોની ટાર્ગેટેડ કિલિંગ કરવામાં આવી હતી, જેમાં જજ નીલકંઠ ગંજુ, દૂરદર્શન ડાયરેક્ટર લસ્સા કૌલ અને કવિ સર્વાનંદ કૌલ ‘પ્રેમી’ જેવા બુદ્ધિજીવીઓનો સમાવેશ થાય છે.
આટલા ગંભીર ગુનાઓમાં આરોપી હોવા છતાં, 2004 થી 2014 દરમિયાન UPA શાસનકાળમાં યાસીન મલિકને દિલ્હીના સત્તાવાર વર્તુળોમાં નોંધપાત્ર મહત્વ મળ્યું હતું. તેની ચરમસીમા 17 ફેબ્રુઆરી 2006ના રોજ જોવા મળી, જ્યારે તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે તેમના સત્તાવાર નિવાસસ્થાન 7, રેસકોર્સ રોડ પર યાસીન મલિક સાથે મુલાકાત કરી હતી. દેશના વડાપ્રધાન દ્વારા એક એવા વ્યક્તિને મુલાકાત આપવી, જેના પર વાયુસેનાના અધિકારીઓ અને સરલા ભટ્ટની હત્યાના ગંભીર આતંકવાદી કેસો નોંધાયેલા હતા, તે ભારે વિવાદાસ્પદ બની હતી. આ ઉપરાંત, UPA શાસન દરમિયાન યાસીન મલિકને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યો હતો અને નિયમિતપણે રિન્યૂ પણ કરી આપવામાં આવતો હતો. ફેબ્રુઆરી 2013માં તે પાકિસ્તાનની મુલાકાતે ગયો હતો, જ્યાં ઇસ્લામાબાદમાં 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ સાથે એકજ મંચ પર અફઝલ ગુરુની ફાંસીના વિરોધમાં ભૂખ હડતાળ પર બેઠો હતો. આ સમયગાળા દરમિયાન તેને દિલ્હીના હાઈ-પ્રોફાઈલ સેમિનારો અને ન્યૂઝ ચેનલોની પ્રાઇમ-ટાઇમ ડિબેટમાં આમંત્રિત કરવામાં આવતો હતો, જ્યાં તેને “ભૂતપૂર્વ આતંકવાદી જે હવે ગાંધીવાદી માર્ગે ચાલે છે” એ રીતે રજૂ કરવાનો પ્રયાસ થતો હતો. સરલા ભટ્ટ હત્યા, વાયુસેના જવાનોની હત્યા અને રૂબિયા સઇદ અપહરણ જેવા અતિ ગંભીર ટાડા કેસોની ટ્રાયલ UPA ના 10 વર્ષના શાસન દરમિયાન કાં તો ઠંડા બસ્તામાં રહી અથવા ખૂબજ ધીમી ગતિએ ચાલી, જેના કારણે તે ખુલ્લેઆમ ફરતો રહ્યો.
2014 પછી પરિસ્થિતિ બદલાઈ. NIA દ્વારા ટેરર ફંડિંગ કેસમાં ધરપકડ બાદ 2022માં યાસીન મલિકને તિહાર જેલમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી અને JKLF પર પ્રતિબંધ મુકાયો. 34 વર્ષ બાદ માર્ચ 2024માં સરલા ભટ્ટ હત્યા કેસ જમ્મુ-કાશ્મીરની સ્પેશિયલ એજન્સી SIAને સોંપવામાં આવ્યો. SIA એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ફોરેન્સિક પુરાવા અને ગુપ્ત સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ કરી અને જૂન 2026માં શ્રીનગરની ટાડા કોર્ટમાં 737 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં મુખ્ય કાવતરાખોર તરીકે યાસીન મલિક અને ગોળી ચલાવનાર ખુરશીદ અહમદ ચાલકુ સહિત 5 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. 36 વર્ષના લાંબા સમયગાળા બાદ દાખલ થયેલી આ ચાર્જશીટથી આતંકવાદના પીડિતો અને 7 લાખ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે ન્યાયની આશા જાગી છે. જોકે, સવાલ યથાવત છે કે જેના હાથે સેંકડો નિર્દોષોનું લોહી વહ્યું હતું, તેને એક દાયકા સુધી રાજકીય વૈધતા અને સન્માન કેમ આપવામાં આવ્યું? સરલા ભટ્ટનું બલિદાન અને કાશ્મીરી પંડિતોનો નરસંહાર ભારતના ઇતિહાસનું એક કાળું પ્રકરણ છે, જેનો જવાબ આજે પણ માંગવામાં આવી રહ્યો છે.
સરલા ભટ્ટ હત્યા કેસ 1990, યાસીન મલિક JKLF બર્બરતા, કાશ્મીરી પંડિત નરસંહાર, UPA સરકાર યાસીન મલિક મુલાકાત, મનમોહન સિંહ યાસીન મલિક 2006, યાસીન મલિક હાફિઝ સઇદ પાકિસ્તાન, 7 લાખ કાશ્મીરી પંડિત પલાયન, રલિવ ચલિવ યા ગલિવ, વાયુસેના જવાન હત્યા યાસીન મલિક, SIA ચાર્જશીટ 737 પાના, Congress તુષ્ટિકરણ નીતિ, રૂબિયા સઇદ અપહરણ, ખુરશીદ અહમદ ચાલકુ, SKIMS નર્સ હત્યા
ડિસ્ક્લેમર:આ લેખ SIA ચાર્જશીટ, કોર્ટ રેકોર્ડ અને જાહેરમાં ઉપલબ્ધ સરકારી દસ્તાવેજો પર આધારિત છે. કેસ ન્યાયાધીન છે.

