Afghanistan Flood: અફઘાનિસ્તાનના પૂર્વીય નૂરિસ્તાન પ્રાંતમાં અચાનક આવેલા પૂરના કારણે 100થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 100થી વધુ લોકો લાપતા હોવાનું જણાવવામાં આવ્યું છે. બચાવ દળો કાટમાળ નીચે દટાયેલા લોકો અને મૃતદેહોની શોધ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતે ફરી એકવાર અફઘાનોની મદદ માટે રાહત સામગ્રી મોકલી છે. ત્યારબાદ તાલિબાને મદદ મોકલવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.
તાલિબાનના અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે આવેલા પૂરમાં 80 લોકો ઘાયલ પણ થયા છે અને અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાંતની રાજધાની પારુન પણ સામેલ છે. હવામાન વિભાગે અફઘાનિસ્તાનના 34માંથી 10 પ્રાંતોમાં વધુ ખરાબ હવામાનની ચેતવણી પણ આપી છે.
Thank you, India 🇮🇳, for your continued support and for standing by AFG 🇦🇫 when it matters most.
India 🇮🇳 sends relief aid to flood-hit Nuristan, providing food and tents to support affected Afghan families. pic.twitter.com/NEzYWQSXeY
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) July 21, 2026
નૂરિસ્તાન સૌથી વધુ પ્રભાવિત બન્યું છે. અફઘાન પત્રકાર બિલાલ સરવરીએ સ્થાનિક સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પારુનમાં પૂરના કારણે ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે, 500થી વધુ લોકો ઘાયલ થયા છે અને 160થી વધુ લોકો લાપતા છે. આ આંકડા હજુ પ્રાથમિક છે. સમગ્ર વિસ્તારમાં સંચાર વ્યવસ્થા ઠપ્પ છે, રસ્તાઓ બંધ છે અને મંડોલ તથા દૂઆ-આબના અનેક પહાડી વિસ્તારો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.
પૂરથી ઝઝૂમી રહેલા અફઘાનિસ્તાન માટે ભારતે મોકલી મદદ
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું કે આ રાહત સામગ્રીમાં ખાદ્ય સામગ્રી અને ટેન્ટનો સમાવેશ થાય છે, જેને અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવા માટે અફઘાનિસ્તાનના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના લોકોની સાથે ઉભું છે અને પૂર પીડિતોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના પ્રયાસોને સમર્થન આપે છે.
Nuristan is facing a major humanitarian catastrophe, and the full scale is still unknown.
According to local sources, the floods in Parun have killed at least 100 people, injured more than 500, and left over 160 people missing. These figures remain preliminary. Communications… pic.twitter.com/QjxSKfwD10
— BILAL SARWARY (@bsarwary) July 22, 2026
અફઘાનિસ્તાનમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર
તમને જણાવી દઈએ કે પૂર્વીય અફઘાનિસ્તાનમાં આવેલો નૂરિસ્તાન પ્રાંત પહાડી વિસ્તાર છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં અનેક વખત જીવલેણ પૂર આવ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે આર્થિક તેમજ જાનમાલનું નુકસાન થયું છે. સ્થાનિક વહીવટીતંત્રને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. પારુનના મેયર સૈયદ અહમદ અરહબી પણ મૃત્યુ પામેલા લોકોમાં સામેલ હતા, જેના કારણે પહેલેથી જ મર્યાદિત આપાતકાલીન પ્રતિસાદ વધુ નબળો બન્યો છે.
બિલાલ સરવરીએ જણાવ્યું છે કે ઘરો, દુકાનો, બજારો, રસ્તાઓ, પુલો અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ વહી ગઈ છે અથવા કાદવ અને કાટમાળ નીચે દટાઈ ગઈ છે. બચાવ દળોની સંખ્યા ઓછી છે અને તેઓ સામાન્ય સાધનોની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે સતત વરસાદ, બંધ માર્ગો અને મુશ્કેલ ભૂપ્રદેશ રાહત કામગીરીમાં ભારે અવરોધ ઊભા કરી રહ્યા છે. જોખમ હજુ ટળ્યું નથી. અફઘાન અધિકારીઓએ 10 પ્રાંતોમાં વધુ ભારે વરસાદ અને અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) આવવાની ચેતવણી આપી છે.
તેમણે જણાવ્યું છે કે અફઘાનિસ્તાનને તાત્કાલિક વિશેષ શોધ અને બચાવ દળો, હેલિકોપ્ટરો, એન્જિનિયરિંગ સાધનો, ટ્રોમા કેર, તબીબી સામગ્રી, મોબાઇલ ક્લિનિક, ખાદ્ય સામગ્રી, સ્વચ્છ પીવાનું પાણી અને આપાતકાલીન આશ્રયની જરૂર છે. તમને જણાવી દઈએ કે 2024માં અફઘાનિસ્તાનમાં આવેલા પૂરના કારણે 300થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 2026ની શરૂઆતથી જ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 110 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

