PoK Protest: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં ફરી એકવાર તણાવ વધી શકે છે. જમ્મુ-કાશ્મીર જૉઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC) એ મોટા પાયે સંયુક્ત વિરોધ પ્રદર્શન અને માર્ચની જાહેરાત કરી છે. કમિટીએ 26-27 જુલાઈ દરમિયાન બે દિવસીય વિરોધ કાર્યક્રમ જાહેર કર્યો છે. રવિવારથી શરૂ થનાર આ વિરોધ કાર્યક્રમ સોમવારે મુઝફ્ફરાબાદમાં લોંગ માર્ચ સાથે પૂર્ણ થશે. પાકિસ્તાની સુરક્ષા દળોએ છેલ્લા દોઢ મહિનામાં બળપ્રયોગ કરીને PoKમાં વિરોધ પ્રદર્શનોને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ નવી જાહેરાત બાદ ફરી એકવાર PoKમાં તણાવ વધી શકે છે.
અહેવાલ મુજબ, PoKના જાણીતા અધિકાર કાર્યકર ઉમર નઝીર કાશ્મીરી અને એડવોકેટ ખ્વાજા મહેરાને સ્થાનિક લોકોને વિરોધ પ્રદર્શન અને માર્ચ માટે એકજૂથ થવાની અપીલ કરી છે. તેમણે ડડ્યાલમાં સંપૂર્ણ શટર-ડાઉન હડતાળ અને મીરપુર ડિવિઝનમાં મોટા પાયે લોકોને એકત્ર કરવાની અપીલ કરી છે.
સંયુક્ત વિરોધ પ્રદર્શનનો પ્રયાસ
JAACની નવી જાહેરાત આંદોલનમાં પરિવર્તનનો સંકેત આપે છે. તેનો હેતુ અલગ-અલગ શહેરોમાં ચાલી રહેલા ધરણા-પ્રદર્શનોને એકજૂથ કરીને પ્રાદેશિક રાજધાની તરફના માર્ચમાં ફેરવવાનો છે. કમિટી અને વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા આગેવાનોએ સુરક્ષા દળો સાથે અથડામણ ટાળવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમનું કહેવું છે કે અમારી નારાજગી સુરક્ષા કર્મચારીઓ સામે નથી.
નવી યોજના મુજબ હાલ ચાલી રહેલા પ્રાદેશિક ધરણા-પ્રદર્શનો (હાજીરા અને અબ્બાસપુરના ધરણા)ને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવશે, જેથી કાર્યકરો પોતાની શક્તિને એકજૂથ કરી શકે. આંદોલનનો પ્રથમ તબક્કો મીરપુર ડિવિઝનમાંથી વિરોધ પ્રદર્શન કરતા કાફલાઓના પ્રસ્થાન સાથે શરૂ થશે. ત્યારબાદ તેઓ રાવલકોટમાં ચાલી રહેલા ધરણા-પ્રદર્શનમાં જોડાશે.
સ્થાનિક લોકોને કમિટીની અપીલ
વિરોધ પ્રદર્શનકારીઓ રવિવારે બપોરે મુઝફ્ફરાબાદ તરફ અંતિમ અને સંકલિત કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે. આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે આંદોલનનો હેતુ વહીવટી જવાબદારી અને આર્થિક ન્યાય પ્રાપ્ત કરવાનો છે. સ્થાનિક અધિકારીઓ સાથે શારીરિક અથડામણ અથવા સશસ્ત્ર સંઘર્ષ શરૂ કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
સ્થાનિક ભાગીદારી પર ભાર મૂકતા એડવોકેટ ખ્વાજા મહેરાને ડડ્યાલના લોકોને 27 જુલાઈના રોજ વેપાર અને નાગરિક કામગીરી બંધ રાખવાની અપીલ કરી છે. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા આગેવાનોએ આગામી દિવસોને સમગ્ર વિસ્તાર માટે સંભવિત નિર્ણાયક વળાંક ગણાવીને નાગરિકોને મોટી સંખ્યામાં માર્ગો પર ઉતરવાની અપીલ કરી છે.
PoKમાં વિરોધ શા માટે થઈ રહ્યો છે?
પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં છેલ્લા ઘણા સમયથી ભારે અશાંતિ જોવા મળી રહી છે. PoK વિધાનસભામાં શરણાર્થીઓ માટે બેઠક અનામતના મુદ્દે ગયા મહિને શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો સતત વિસ્તરી રહ્યા છે અને તેનો પ્રભાવ મોટા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. PoKના લોકો હવે મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર પાકિસ્તાન સરકાર અને સેનાને સવાલો પૂછી રહ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત અથડામણો પણ થઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

