Jamnagar Cyanide Murder Case: સાયનાઇડ આપીને પતિની હત્યા, 12 ફૂટ નીચે દફનાવ્યો મૃતદેહ; બે વર્ષ પછી ખુલ્યુ રહસ્ય
Jamnagar Cyanide Murder Case: ગુજરાતના જામનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને સાયનાઇડ આપીને મારી નાખ્યો. ત્યારબાદ પતિના મૃતદેહને તેની જ ફેક્ટરીમાં 12 ફૂટ ઊંડો ખાડો ખોદાવીને દફનાવી દીધો. બે વર્ષ સુધી કોઈને તેની જાણ પણ થઈ નહોતી. પત્ની સૌને કહેતી રહી કે તેનો પતિ કામના સંબંધમાં ઓસ્ટ્રેલિયા ગયો છે. જોકે બે વર્ષ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો તો દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો. પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જિગ્નેશ માવડિયાએ પૃથ્વી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ તેના પરિવારના સભ્યો નારાજ થઈ ગયા હતા અને તે પૃથ્વીને લઈને અલગ રહેવા લાગ્યો હતો. પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરવા બદલ તેના પરિવારજનો અને સગાઓએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જોકે જિગ્નેશનો પિતરાઈ ભાઈ તેની સાથે છૂપાઈને ફોન પર વાત કરતો રહેતો હતો.
પિતરાઈ ભાઈને આ રીતે થઇ શંકા
પોલીસે જણાવ્યું કે અચાનક જિગ્નેશે પોતાના પિતરાઈ ભાઈ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. જ્યારે લાંબા સમય સુધી તેનો સંપર્ક થઈ શક્યો નહીં ત્યારે તેણે પૃથ્વીને પૂછ્યું. પૃથ્વીએ તેને કહ્યું કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયા ગયો છે. તેણે એવું પણ કહ્યું કે તેની પાસે કોઈ ફોન નંબર નથી. ત્યારબાદ પિતરાઈ ભાઈ લાંબા સમય સુધી જિગ્નેશનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. આ રીતે બે વર્ષ વીતી ગયા.
પોલીસમાં ફરિયાદ નોંધાવી
અધિકારીએ જણાવ્યું કે આ સમગ્ર કાવતરું ત્યારે બહાર આવ્યું, જ્યારે જિગ્નેશનો એક પિતરાઈ ભાઈ ઓસ્ટ્રેલિયા જવાની યોજના બનાવી રહ્યો હતો અને ત્યાં જિગ્નેશને મળવા માટે તેનો સંપર્ક નંબર અને સરનામું તેની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિબેન પાસે માંગ્યું. પૃથ્વીએ જણાવ્યું કે તેની પાસે જિગ્નેશનો કોઈ નંબર કે સરનામું નથી. તે પછી જિગ્નેશના ભાઈને શંકા ગઈ. અંતે અન્ય કોઈ વિકલ્પ ન બચતા પરિવારજનોએ 26 જુલાઈએ પોલીસનો સંપર્ક કર્યો અને જિગ્નેશ ગુમ થયાની ફરિયાદ નોંધાવી.
12 ફૂટનો ખાડો ખોદાવીને દફનાવ્યો
જિગ્નેશના ભાઈએ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને શંકા વ્યક્ત કરી કે તેના ભાઈના ગુમ થવા પાછળ તેની પત્ની અને તેના કથિત પ્રેમીનો હાથ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન પૃથ્વીએ કથિત રીતે સ્વીકાર્યું કે તેણે નીલેશ કછાટિયા અને બલવીર વર્મા સાથે મળીને જિગ્નેશની દારૂમાં સાયનાઇડ ભેળવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને દારેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક શેડના ફ્લોરની અંદાજે 12 ફૂટ નીચે દફનાવી દીધો હતો.
જિગ્નેશને લલચાવીને જામનગર બોલાવ્યો
પોલીસના આરોપ મુજબ, 31 મે 2024ની રાત્રે આરોપીઓએ જિગ્નેશને દારૂની પાર્ટીની લાલચ આપીને જામનગરના દારેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ઔદ્યોગિક શેડમાં બોલાવ્યો હતો. સહાયક પોલીસ અધિક્ષક (એએસપી) પ્રતિભાએ જણાવ્યું કે દારૂમાં સાયનાઇડ ભેળવી પીવડાવ્યા બાદ જિગ્નેશનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આરોપીઓએ અંદાજે 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને મૃતદેહને તેમાં દફનાવ્યો, તેના ઉપર માટી નાંખી અને પછી તે સ્થળને અંદાજે એક ફૂટ જાડી કોંક્રિટની પરતથી ઢાંકી દીધું.
જિગ્નેશ ફર્નિચરનો વ્યવસાય કરતો હતો
જિગ્નેશની ઉંમર અંદાજે 35 વર્ષ હતી અને તે ફર્નિચરનો વ્યવસાય કરતો હતો. તેના પરિવારમાં બે બાળકો છે. લાલપુર ડિવિઝનની આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રતિભાએ જણાવ્યું કે આ ખુલાસા બાદ જિગ્નેશના ભાઈ અશોક માવડિયાએ રવિવારે જામનગર સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી.
એક મહિના પહેલાં નીલેશે ફેક્ટરી ભાડે લીધી હતી
પૂછપરછ દરમિયાન નીલેશે કથિત રીતે પોલીસને જણાવ્યું કે જિગ્નેશનો મૃતદેહ તે ફેક્ટરીમાં દફનાવવામાં આવ્યો હતો, જે તેણે કથિત ગુનાના સમયે માત્ર એક મહિના માટે ભાડે લીધી હતી. ત્યારબાદ પોલીસે તે સ્થળને સીલ કરીને ખોદકામ શરૂ કર્યું. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૃથ્વી નર્સ તરીકે કામ કરતી હતી અને લગ્ન પહેલાં કથિત રીતે નીલેશ સાથે સંબંધમાં હતી. પોલીસને શંકા છે કે બાદમાં તેમનો સંબંધ ફરી શરૂ થયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પતિ ગુમ થયા પછી પણ પૃથ્વી પરિવારના કાર્યક્રમોમાં હાજરી આપતી રહી અને સગાં-સંબંધીઓને મળતી રહી, જ્યારે તે સતત એવું જ કહેતી રહી કે તેનો પતિ ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યો છે.

