Child Trafficking Gujarat: ગુજરાતથી મુંબઈ નવજાતને વેચવા લઈ જતાં દંપતી અને દલાલ ઝડપાયા, માનવ તસ્કરીના કેસમાં 8 સામે ગુનો નોંધાયો
Child Trafficking Gujarat: ક્રાઇમ બ્રાંચે 8 દિવસના નિર્દોષ નવજાત બાળકને મુંબઈના એક ડૉક્ટરને વેચવાના મામલે ગુજરાતના એક દંપતી અને માનવ તસ્કરીમાં સામેલ એક દલાલને અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલી એક હોટેલમાંથી ઝડપી પાડ્યા છે. આ મામલે દંપતી, મુંબઈના ડૉક્ટર સહિત કુલ 8 આરોપીઓ સામે માનવ તસ્કરી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરા ક્રાઇમ બ્રાંચને મળેલી માહિતીના આધારે પોલીસની એક ટીમ હાઇવે પર આવેલી હોટેલ પર પહોંચી હતી. પોલીસને જોતા જ દલાલ તેમજ નવજાતના માતા અને પિતા ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ પોલીસે તેમને ઝડપી લીધા. નવજાત બાળકને વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
પોલીસને શંકાસ્પદ વાતચીતથી મળી માહિતી
પોલીસે જણાવ્યું કે હોટેલમાં હાજર એક મહિલા મુંબઈમાં કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહી હતી કે ત્યાં બાળકને લેવા કોણ આવશે. તેમની વાતચીત પરથી એક મહિલાને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે ગુજરાતના સિદ્ધપુરના એક દંપતીએ પોતાના 8 દિવસના નવજાત બાળકને એક દલાલ મારફતે મુંબઈના એક ડૉક્ટરને 3 લાખ રૂપિયામાં વેચવાનો સોદો કર્યો હતો.
લગ્ઝરી બસમાં મુંબઈ લઈ જઈ રહ્યા હતા નવજાતને
આ દંપતી નવજાત બાળકને લઈને દલાલ સાથે લગ્ઝરી બસ મારફતે મુંબઈ જઈ રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ સમગ્ર મામલો આંતરરાજ્ય માનવ તસ્કરીના રેકેટ સાથે જોડાયેલો હોવાની આશંકા છે. તપાસ દરમિયાન અન્ય બાળકોની પણ ખરીદી-વેચાણ અંગે મહત્વની માહિતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નવજાતને હોસ્પિટલમાં દાખલ કરાયો
નવજાત બાળકની યોગ્ય દેખભાળ માટે તેને હાલ વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને માનવ તસ્કરીના આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ આગળ ધપાવી રહી છે.

