Bhawana Kanth: IAFમાં પ્રથમ વખત ઈતિહાસ રચ્યો, બિહારની ભાવના કંઠ FCL કોર્સ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બન્યા

Arati Parmar
3 Min Read

Bhawana Kanth: સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠની મોટી સિદ્ધિ, પ્રતિષ્ઠિત FCL કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો

Bhawana Kanth:  ભારતીય વાયુસેના (IAF)ની સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. બિહારના દરભંગાની રહેવાસી ભાવના કંઠ પ્રતિષ્ઠિત ‘ફાઇટર કોમ્બેટ લીડર (FCL)’ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બની છે. તેમની આ સિદ્ધિ માત્ર ભારતીય વાયુસેના માટે જ નહીં, પરંતુ દેશની દરેક એવી દીકરી માટે પ્રેરણારૂપ છે, જે આકાશની ઊંચાઈઓને સ્પર્શવાનું સ્વપ્ન જુએ છે.

ભાવના કંઠે ગ્વાલિયર સ્થિત ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ (TACDE) ખાતે 20 સપ્તાહનો પ્રતિષ્ઠિત ફાઇટર કોમ્બેટ લીડર (FCL) કોર્સ પૂર્ણ કર્યો છે. તેને ભારતીય વાયુસેનાના સૌથી કઠિન એડવાન્સ્ડ કોમ્બેટ કોર્સમાંનો એક માનવામાં આવે છે. આ તાલીમ બાદ પાયલટ જટિલ હવાઈ અભિયાનોનું નેતૃત્વ કરવા અને ફ્રન્ટલાઇન કોમ્બેટ ટેક્ટિશિયન તરીકે જવાબદારી નિભાવવાની લાયકાત પ્રાપ્ત કરે છે.

- Advertisement -

‘ટોપ ગન’ની સમકક્ષ માનવામાં આવે છે TACDE

TACDEને ભારતીય વાયુસેનાનું અગ્રણી ફાઇટર ટેક્ટિક્સ સંસ્થાન માનવામાં આવે છે અને તેની સરખામણી અમેરિકન નેવીના પ્રસિદ્ધ ‘ટોપ ગન’ કાર્યક્રમ સાથે કરવામાં આવે છે. અહીં પાયલટોને એડવાન્સ્ડ એર કોમ્બેટ ટેક્ટિક્સ, મિશન પ્લાનિંગ, હવા-થી-હવા અને હવા-થી-જમીન ઓપરેશન્સ તેમજ પડકારજનક પરિસ્થિતિઓમાં નેતૃત્વ માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે.

બિહારની દીકરી, દેશનો ગૌરવ

બિહારના દરભંગા જિલ્લાના રહેવાસી ભાવના કંઠ એન્જિનિયરિંગ સ્નાતક છે. તેઓ અવની ચતુર્વેદી અને મોહના સિંહ સાથે જૂન 2016માં ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બેચનો ભાગ બન્યા હતા. ત્યારથી તેમણે સતત નવી સિદ્ધિઓ હાંસલ કરીને મહિલાઓ માટે નવા માર્ગો ખોલ્યા છે.

- Advertisement -

અગાઉ પણ રચી ચૂક્યા છે અનેક ઈતિહાસ

વર્ષ 2019માં ભાવના કંઠ દિવસ દરમિયાન ફાઇટર કોમ્બેટ મિશન ઉડાડવાની મંજૂરી મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ફાઇટર પાયલટ બન્યા હતા. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત MiG-21 બાઇસનથી કરી હતી અને ત્યારબાદ Su-30 MKI જેવા અત્યાધુનિક લડાકૂ વિમાનો પણ ઉડાવ્યા હતા. વર્ષ 2021માં તેઓ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બન્યા હતા, જ્યારે વર્ષ 2024ના ગણતંત્ર દિવસ ફ્લાયપાસ્ટમાં પણ તેમણે ભાગ લીધો હતો.

મહિલાઓની વધતી ભૂમિકાનો મજબૂત સંદેશ

ભાવના કંઠની આ નવી સિદ્ધિ ભારતીય વાયુસેનાની કોમ્બેટ સ્ટ્રીમમાં મહિલાઓની વધતી ભાગીદારી અને નેતૃત્વ ક્ષમતાનું મજબૂત ઉદાહરણ છે. આ સિદ્ધિ દર્શાવે છે કે ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓ હવે માત્ર ભાગીદારી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સૌથી પડકારજનક ઓપરેશનલ અને નેતૃત્વની ભૂમિકાઓમાં પણ નવી મિસાલ સ્થાપિત કરી રહી છે.

- Advertisement -
Share This Article