VB-G RAM-G Employment: મનરેગાના સ્થાને આવેલી VB-G RAM-G ના પ્રથમ જ મહિનામાં ગ્રામિણ રોજગારમાં 50%નો મોટો ઘટાડો

Arati Parmar
9 Min Read

VB-G RAM-G Employment: VB-G RAM-G શરૂ થતાં જ રોજગાર અડધો થયો? પ્રથમ મહિનાના આંકડાઓએ ઊભા કર્યા મોટા પ્રશ્નો

VB-G RAM-G Employment: મનરેગાના સ્થાને લાવવામાં આવેલી VB-G RAM-G યોજનાને વિરોધ પક્ષ સતત ગ્રામિણ રોજગારને સમાપ્ત કરતી યોજના ગણાવતું રહ્યું છે. હવે તેના અમલના પ્રથમ જ મહિના જુલાઈમાં ગ્રામિણ રોજગારમાં લગભગ અડધો ઘટાડો નોંધાયો છે. મોદી સરકારે મનરેગા બંધ કરીને વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે VB-G RAM-G અમલમાં મૂકી છે અને તેને રોજગાર વધારતી યોજના ગણાવી છે.

જુલાઈ 2026માં નવી યોજના હેઠળ માત્ર 7.67 કરોડ વ્યક્તિ-દિવસ એટલે કે પર્સન ડેઝ રોજગાર સર્જાયો હતો. ગયા વર્ષે જુલાઈમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ સર્જાયેલા 15.33 કરોડ વ્યક્તિ-દિવસની સરખામણીએ આ આંકડો અંદાજે 49.94 ટકા ઓછો છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસે આ અહેવાલ આપ્યો છે. VB-G RAM-Gને 1 જુલાઈ 2026થી દેશભરમાં મનરેગાના સ્થાને અમલમાં મૂકવામાં આવી છે. આવી સ્થિતિમાં યોજનાના પ્રથમ મહિનાના આંકડાઓમાં નોંધાયેલો ઘટાડો ગ્રામિણ રોજગાર અને સરકારની નવી રોજગાર વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કરી રહ્યો છે. અહીં વ્યક્તિ-દિવસનો અર્થ એક વ્યક્તિ દ્વારા એક દિવસ કરાયેલા કામથી છે. ઉદાહરણ તરીકે, જો 10 લોકોને એક દિવસ કામ મળે તો તેને 10 વ્યક્તિ-દિવસ ગણવામાં આવે છે.

- Advertisement -

કેટલા પરિવારોને મળ્યું કામ?

નવી યોજના હેઠળ રોજગાર મેળવનારા ગ્રામિણ પરિવારોની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. જુલાઈ 2026માં અંદાજે 68.94 લાખ પરિવારોને VB-G RAM-G હેઠળ રોજગારનો લાભ મળ્યો હતો. ગયા વર્ષે જુલાઈમાં મનરેગા હેઠળ આ સંખ્યા અંદાજે 1.42 કરોડ પરિવારો હતી. એટલે કે રોજગાર મેળવનારા પરિવારોની સંખ્યામાં 51.45 ટકાનો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા ચાર વર્ષના સરેરાશ સાથે સરખામણી કરીએ તો સ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે. આ સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ અંદાજે 1.72 કરોડ પરિવારો ગ્રામિણ રોજગાર યોજનાનો લાભ લેતા રહ્યા હતા. તેની સામે જુલાઈ 2026માં અંદાજે 68 લાખ પરિવારોને જ કામ મળ્યું.

- Advertisement -

પાંચ વર્ષમાં સૌથી ઓછો રોજગાર

ઉપલબ્ધ આંકડાઓ મુજબ જુલાઈ 2026માં VB-G RAM-G હેઠળ રોજગાર મેળવનારા પરિવારો અને સર્જાયેલા વ્યક્તિ-દિવસોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી.

છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ અંદાજે 21.56 કરોડ વ્યક્તિ-દિવસ રોજગાર જુલાઈ આસપાસ નોંધાતો રહ્યો હતો. આ વર્ષે જુલાઈમાં આ આંકડો માત્ર 7.67 કરોડ રહ્યો. એટલે કે આ વર્ષનો આંકડો છેલ્લા ચાર વર્ષના સરેરાશનો અંદાજે 35 ટકા જ છે.

- Advertisement -

મનરેગાના અંતિમ મહિનાઓમાં પણ રોજગારમાં વર્ષદરવર્ષે સામાન્ય ઘટાડો જોવા મળતો હતો. માર્ચ 2025માં મનરેગા હેઠળ 17.56 કરોડ વ્યક્તિ-દિવસ રોજગાર સર્જાયો હતો, જે માર્ચ 2024ના 17.69 કરોડની સરખામણીએ અંદાજે 0.70 ટકા ઓછો હતો. જૂન 2026 સુધી મનરેગા અમલમાં હતી, ત્યારે સુધી માસિક રોજગારના આંકડાઓમાં આ ઘટાડો ચાલુ રહ્યો.

જ્યાં VB-G RAM-G ડેશબોર્ડ જુલાઈમાં 7.67 કરોડ પર્સન-ડેઝ એટલે કે વ્યક્તિ-દિવસ દર્શાવે છે, ત્યાં ગ્રામિણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે યોજનાના અમલના પ્રથમ મહિનામાં અંદાજે 9 કરોડ પર્સન-ડેઝ રોજગાર આપવામાં આવ્યો હતો. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે VB-G RAM-Gને 1 જુલાઈ 2026થી દેશના તમામ ગ્રામિણ વિસ્તારોમાં અમલમાં મૂકી દેવામાં આવી છે અને મનરેગાથી નવી યોજનામાં પરિવર્તન સરળ રીતે થયું છે.

સરકારના જણાવ્યા મુજબ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાની યોજનાઓને અધિસૂચિત કરી દીધી છે અને નવી વ્યવસ્થા માટે જરૂરી વહીવટી તથા ડિજિટલ સિસ્ટમ પણ તૈયાર કરી લેવામાં આવી હતી. અહેવાલ મુજબ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2026-27 માટે કેન્દ્ર સરકારે ગ્રામિણ રોજગાર કાર્યક્રમ માટે 95,692 કરોડ રૂપિયાનું બજેટ અંદાજ રાખ્યો છે, જે કોઈપણ ગ્રામિણ રોજગાર કાર્યક્રમ માટે અત્યાર સુધીનો સૌથી મોટો બજેટ અંદાજ છે.

સરકારનો દાવો- 98% પરિવારોને મળ્યું કામ

ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા મુજબ રોજગારની માંગ કરનારા 98 ટકાથી વધુ ગ્રામિણ પરિવારોને કામની ઓફર કરવામાં આવી છે. મંત્રાલયે દાવો કર્યો કે નવી યોજનાના પ્રથમ મહિનામાં અંદાજે 9 કરોડ વ્યક્તિ-દિવસ રોજગાર સર્જાયો હતો. 1.33 કરોડથી વધુ ગ્રામિણ શ્રમિકોને તેમની માંગ મુજબ રોજગારની ઓફર કરવામાં આવી. દેશભરમાં 9 લાખથી વધુ સક્રિય કાર્યસ્થળો પર કામ ચાલી રહ્યું હતું. કુલ વ્યક્તિ-દિવસોમાં અંદાજે 63 ટકા ભાગીદારી મહિલાઓની રહી. સરકારનું કહેવું છે કે મહિલાઓની ભાગીદારી કાયદામાં નક્કી કરાયેલા એક-તૃતીયાંશ લઘુત્તમ હિસ્સા કરતાં ઘણી વધુ છે.

હવામાન અનુકૂળ ન હોવા છતાં રોજગાર ઘટ્યો

જુલાઈમાં ગ્રામિણ રોજગારમાં ઘટાડો ત્યારે નોંધાયો છે જ્યારે દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અસામાન્ય રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 જૂનથી 3 ઑગસ્ટ વચ્ચે દેશના 741 જિલ્લાઓમાંથી અંદાજે 50 ટકા જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછોથી લઈને ગંભીર રીતે ઓછો વરસાદ નોંધાયો હતો. આવા સમયે ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના એવા લોકો માટે મોટો આધાર બની શકે છે, જેઓ કૃષિ ક્ષેત્રમાં અસંગઠિત અથવા દૈનિક મજૂરી પર નિર્ભર હોય છે. જોકે, આ દરમિયાન ખરીફ વાવણી પણ ચાલી રહી હતી અને કૃષિ મજૂરોનો એક ભાગ ખેતરોમાં કામ કરી રહ્યો હતો.

શું ખરીફ વાવણીને કારણે રોજગાર ઘટ્યો?

રોજગારમાં ઘટાડાનું એક સંભવિત કારણ ખરીફ વાવણીની મોસમ પણ માનવામાં આવી રહી છે. અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે નવી યોજનામાં ખરીફ વાવણી દરમિયાન રોજગાર કાર્યો પર પ્રતિબંધની જોગવાઈ હોવાના કારણે જુલાઈમાં રોજગારના આંકડાઓ ઓછા હોઈ શકે છે. જોકે, ઉપલબ્ધ માહિતીમાં રાજ્યો દ્વારા વાવણી દરમિયાન કેટલા દિવસ સુધી રોજગાર કાર્યો રોકવામાં આવ્યા તેનો અલગ કોઈ આંકડો આપવામાં આવ્યો નથી.

આથી માત્ર વાવણીની મોસમને જ જુલાઈમાં રોજગારમાં અંદાજે 50 ટકાના ઘટાડાનું સંપૂર્ણ કારણ માનવું હાલ શક્ય નથી.

ટ્રાન્ઝિશનના સમયગાળાને કારણે ઘટાડો?

VB-G RAM-Gનો પ્રથમ મહિનો અનેક રીતે ટ્રાન્ઝિશનનો સમયગાળો પણ હતો. મનરેગાથી નવી યોજનામાં વહીવટી અને તકનીકી ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે જ જુલાઈમાં ખરીફ વાવણીની મોસમ પણ હતી. તેથી આગામી મહિનાઓના આંકડાઓ વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે કે જુલાઈમાં રોજગારમાં નોંધાયેલો મોટો ઘટાડો નવી યોજનાના પ્રારંભિક ટ્રાન્ઝિશન, કૃષિ મોસમ, રોજગારની માંગમાં ફેરફાર અથવા યોજનાના નવા નિયમોનું પરિણામ હતો.

નવી યોજનામાં કામના દિવસો વધારાયા

આવો ઘટાડો ત્યારે નોંધાયો છે જ્યારે VB-G RAM-Gમાં મનરેગાની સરખામણીએ રોજગાર ગેરંટીના દિવસો વધારવામાં આવ્યા છે. મનરેગા હેઠળ ગ્રામિણ પરિવારોને એક નાણાકીય વર્ષમાં 100 દિવસના રોજગારની ગેરંટી હતી. નવી VB-G RAM-G યોજનામાં તેને વધારીને 125 દિવસ કરવામાં આવ્યા છે. પરંતુ નવી વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ ફેરફાર પણ કરવામાં આવ્યો છે.

કાયદા હેઠળ રાજ્યોમાં કૃષિની વાવણી અને લણણીની વ્યસ્ત મોસમ દરમિયાન કુલ મળીને 60 દિવસ સુધી રોજગાર ગેરંટીના કામને રોકી શકાય છે. આ સમયગાળા દરમિયાન ગ્રામિણ રોજગાર ગેરંટી હેઠળ કામ કરાવવામાં આવશે નહીં. સરકારનું કહેવું છે કે તેનો હેતુ કૃષિના વ્યસ્ત સમયગાળામાં ગ્રામિણ શ્રમિકોની ઉપલબ્ધતા કૃષિ કાર્યો માટે જાળવી રાખવાનો છે.

કોંગ્રેસના VB-G RAM-G પર મોટા આક્ષેપ

કોંગ્રેસ સતત આક્ષેપ કરતી રહી છે કે VB-G RAM-Gથી ગ્રામિણ રોજગાર અને કામનો કાનૂની અધિકાર સમાપ્ત અથવા નબળો બનશે. પાર્ટીએ આક્ષેપ કર્યો કે આ સરકારની મરજી મુજબ કામ વહેંચતી યોજના બની જશે. કેન્દ્ર-રાજ્ય ફંડિંગ 90:10માંથી 60:40 થતાં રાજ્યો પર ભાર વધશે, જેના કારણે રોજગાર ઘટશે. કેન્દ્રીકરણથી ગ્રામ પંચાયતોની સ્વાયત્તતા ઘટશે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારે એક જ દિવસમાં 20 વર્ષની મનરેગાને ધ્વસ્ત કરી દીધી. VB-G RAM-G મનરેગાનો સુધારો નથી, પરંતુ કામના અધિકારને સમાપ્ત કરે છે. મલ્લિકાર્જુન ખડગેએ તેને ‘વિશ્વની સૌથી મોટી રોજગાર યોજનાની વ્યવસ્થિત હત્યા’ ગણાવી હતી.

જોકે, સરકારનો દાવો છે કે VB-G RAM-G વધુ રોજગાર, વધુ સારી તકનીકી દેખરેખ અને ગ્રામિણ વિકાસ સાથે જોડાયેલા કાર્યો પર વધુ ધ્યાન આપશે. પરંતુ યોજનાના પ્રથમ મહિનાના આંકડાઓ અલગ જ ચિત્ર રજૂ કરે છે. સત્તાવાર ડેશબોર્ડ મુજબ જુલાઈમાં વ્યક્તિ-દિવસ રોજગાર ગયા વર્ષની સરખામણીએ અંદાજે અડધો રહ્યો. આ મામલે એક મોટો સવાલ એ પણ છે કે VB-G RAM-Gના ડેશબોર્ડ પર 7.67 કરોડ વ્યક્તિ-દિવસ અને ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા અંદાજે 9 કરોડ વ્યક્તિ-દિવસનો આંકડો શા માટે દર્શાવવામાં આવ્યો છે. બંને આંકડાઓ વચ્ચેના તફાવત અંગે મંત્રાલય તરફથી ઉપલબ્ધ માહિતીમાં કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

હાલ એટલું સ્પષ્ટ છે કે મનરેગાના સ્થાને અમલમાં મૂકાયેલી VB-G RAM-G યોજનાના પ્રથમ મહિનામાં ગ્રામિણ રોજગારના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે.

Share This Article