BWF World Chamipnship: ત્રીસા-ગાયત્રીની શાનદાર વાપસી, ચીનની દિગ્ગજ જોડીને હરાવી સેમિફાઇનલમાં બનાવી જગ્યા
BWF World Chamipnship: બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં ભારતનો પ્રથમ મેડલ પાક્કો થઈ ગયો છે. શુક્રવારે મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ત્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદે ચીનની જિયા યીફાન અને ઝાંગ શૂ શિયાન સામે શાનદાર વાપસી કરતાં જીત મેળવી. આ બિનક્રમાંકિત ભારતીય જોડીએ 69 મિનિટ સુધી કઠિન મુકાબલો કર્યો અને ચીની ખેલાડીઓને 16-21, 21-15, 21-13થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું.
ત્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદ બંનેની ઉંમર 23-23 વર્ષ છે. ગાયત્રી દિગ્ગજ ખેલાડી રહેલા પુલેેલા ગોપીચંદની પુત્રી છે. ભારતીય જોડીએ પ્રથમ ગેમમાં હાર્યા બાદ વાપસી કરી અને ત્યારબાદની બંને ગેમ જીતીને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સેમિફાઇનલમાં પહોંચનારી બંને જોડીઓને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. અહીં અલગથી બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો થતો નથી.
Moments like this mean everything!
Follow live action: https://t.co/TjoFnU4PnB#BWFWorldChampionships #NewDelhi2026 pic.twitter.com/aOJxpmgroa
— BWF (@bwfmedia) August 21, 2026
મહિલા ડબલ્સમાં 15 વર્ષ બાદ મેડલ
મહિલા ડબલ્સમાં 15 વર્ષ બાદ ભારતના ખાતામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ આવ્યો છે. આ પહેલાં 2011માં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ લંડનમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય જોડીએ ઘરઆંગણાના દર્શકોના અપાર સમર્થન વચ્ચે પ્રથમ ગેમ હાર્યા બાદ વધુ સારા સ્મેશ અને સ્વચ્છ નેટ પ્લેના દમ પર મેચનો પ્રવાહ પલટી નાખ્યો.
ચાર વખતની ચેમ્પિયન છે જિયા યીફાન
ચીનની જિયા યીફાન મહિલા ડબલ્સની દિગ્ગજ ખેલાડીઓમાંની એક છે. તેમણે 4 વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જીત્યા છે. આ ઉપરાંત તેમના નામે ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ પણ છે. જોકે તેમણે આ મેડલ ચેન કિંગચેન સાથે જીત્યા હતા. ગયા વર્ષના અંતમાં ચેને નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદથી જિયાની નવી જોડીદાર ઝાંગ શૂ શિયાન બની છે.

