Asian Games 2026: રુદ્રાક્ષ પાટિલ અને હિમાંશુ ધિલ્લોન 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં પહોંચ્યા
નવી દિલ્હી: Aichi-Nagoya Asian Games 2026 ના ત્રીજા દિવસે ભારતના નિશાનેબાજોએ દેશને મોટી સફળતા અપાવી છે. પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં હિમાંશુ ધિલ્લોન, પાર્થ માને અને રુદ્રાક્ષ પાટિલની ભારતીય ત્રિપુટીએ સાથે મળીને શાનદાર પ્રદર્શન કરતાં ભારતની ઝોળીમાં સિલ્વર મેડલ ઉમેર્યો. Aichi Prefectural General Shooting Gallery માં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતીય ત્રિપુટીએ કુલ 1890.1 પોઇન્ટ મેળવ્યા અને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
ચીનના નામે રહ્યું ગોલ્ડ
આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ચીનની ટીમે પોતાના નામે કર્યો. સેંગ લિહાઓ, મા સિહાન અને ઝાંગ ચાંગહોંગની ચીની ટીમે 1899.0 પોઇન્ટના કુલ સ્કોર સાથે નવો ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ બનાવતાં ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. ભારત આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાથી થોડા અંતરથી ચૂકી ગયું.
ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચ્યા બે ભારતીય શૂટર
ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવાની સાથે ભારતના બે નિશાનેબાજોએ ઇન્ડિવિજ્યુઅલ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટની ફાઇનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતના સ્ટાર શૂટર રુદ્રાક્ષ પાટિલ 631.8 પોઇન્ટના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યા, જ્યારે હિમાંશુ ધિલ્લોને 630.0 પોઇન્ટ મેળવી સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. બીજી તરફ, ટીમના ત્રીજા સભ્ય પાર્થ માને 628.3 પોઇન્ટ સાથે 10મા સ્થાને રહ્યા અને ફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયા.
ચીનનું વર્ચસ્વ અને બે-શૂટર નિયમની અસર
ચીનના સેંગ લિહાઓએ 635.4 પોઇન્ટનો નવો Asian Games ક્વોલિફિકેશન રેકોર્ડ બનાવતાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું. તેમના સાથી મા સિહાન 633.0 પોઇન્ટ સાથે બીજા અને ઝાંગ ચાંગહોંગ 630.6 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને રહ્યા. જોકે, ટોચના આઠમાં સ્થાન મેળવવા છતાં ચાંગહોંગ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી શક્યા નહીં, કારણ કે Asian Gamesના નિયમો અનુસાર એક દેશમાંથી માત્ર બે જ નિશાનેબાજ ઇન્ડિવિજ્યુઅલ ફાઇનલમાં ભાગ લઈ શકે છે.

