નવી દિલ્હી, તા. 5 : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય સ્થિતિની સમીક્ષા અને ભાવિ પગલાંની ચર્ચા માટે `ઈન્ડિયા’ જોડાણની મળેલી બેઠકમાં હાલમાં વિરોધપક્ષમાં રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દોઢ કલાક ચાલેલી બેઠકમાં 19 પક્ષના 33 નેતા ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ફાસીવાદી તાકાતો વિરુદ્ધ લડાઈ જારી રહેશે. જ્યારે એવું લાગશે કે ભાજપ સરકાર લોકોની ઈચ્છા મુજબ યોગ્ય પગલાં ઉઠાવી રહી નથી ત્યારે યોગ્ય સમયે યોગ્ય કદમ ઉઠાવવામાં આવશે. ખડગેએ એમ પણ કહ્યું કે, ઈન્ડિયા જોડાણ સમાન વિચારધારાવાળા પક્ષોને પોતાનામાં જોડવા તૈયાર છે.

રાહુલ ગાંધીએ પણ કહ્યું, દેશની જનતાએ ઈન્ડિયાને પોતાનો અવાજ ઉઠાવવા જનાદેશ આપ્યો છે અને અમે આ જનાદેશ સાથે પૂરી તાકાતથી આગળ લઈ જશું. આ બેઠકના અંત પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, ઈન્ડિયા ભારતનો અવાજ છે અને આ અવાજે પોતાનો નિર્ણય સ્પષ્ટપણે જાહેર કર્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દેશની જનતાએ લોકશાહી અને બંધારણની રક્ષા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે અને અમે આ ઠરાવને પૂરી તાકાતથી આગળ લઈ જઈશું. `ઈન્ડિયા’ નેતાઓને સંબોધતાં ખડગેએ કહ્યું કે, સત્તાપક્ષ દ્વારા આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામ અને ચહેરા પર લડાઈ હતી અને લોકોએ ભાજપને બહુમતી ન આપીને તેમના નેતૃત્વ અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
વ્યક્તિગત રીતે મોદીજી માટે આ માત્ર રાજકીય જ નહીં, નૈતિક હાર પણ છે, પરંતુ આપણે સૌ સારી રીતે વાકેફ છીએ કે મોદીજી આ જનમતને નકારવાની શક્ય તમામ કોશિશ કરશે. બીજીબાજુ દેશમાં ભાજપનો અશ્વમેધ અટકાવી દીધો હોય તેવાં પરિણામોથી ઉત્સાહમાં આવી ગયેલા વિપક્ષનાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક પણ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં નિવાસે મળી હતી. આ બેઠક પછી ખડગેએ ખુલ્લી ઓફર કરતાં કહ્યું હતું કે, ઇન્ડિયા ગઠબંધનનાં દ્વારા તમામ પક્ષો માટે ખુલ્લા છે. બીજી બાજુ ઇન્ડિયા મોરચાની બેઠકમાં એનસીપી, શિવસેના-યુટીબી, સમાજવાદી પાર્ટી, આમઆદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા સહિતના ઘટક દળોના નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે, આપણે આ ચૂંટણીમાં સારો સંઘર્ષ કર્યો અને સંગઠિત થઈને દૃઢતાપૂર્વક લડત આપી છે. ઇન્ડિયા ગઠબંધનમાં બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતા રાખતા કોઈપણ પક્ષનું સ્વાગત છે. આગળ ખડગેએ કહ્યું હતું કે, આ વખતનો જનાદેશ નિર્ણાયકરૂપે મોદી અને તેમની રાજનીતિ શૈલીની વિરુદ્ધ છે.

