દિલ્હીના કૅબ ડ્રાઇવરથી નાયબ સુબેદાર સુધી, સલમાન ખાને Asian Games માં જીત્યો ઐતિહાસિક મેડલ

Arati Parmar
4 Min Read

પિતાના અવસાન બાદ કૅબ ચલાવી પરિવારનું ભરણપોષણ કર્યું, હવે Asian Games માં ભારત માટે રોઇંગ મેડલ જીત્યો

Asian Games: જ્યારે જાપાનના નાગોયામાં મેન્સ ડબલ સ્કલ્સ રોઇંગની ફાઇનલ મુકાબલો પૂર્ણ થયો અને ભારતનો તિરંગો આકાશમાં લહેરાયો, ત્યારે 2,000 મીટરના વોટર કોર્સ પર ઊભેલા સલમાન ખાનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. આ આંસુ માત્ર એક મેડલની ખુશીના નહોતા, આ આંસુ એ દર્દ, લાચારી અને કઠિન સંઘર્ષના હતા, જે તેમણે દિલ્હીની સડકો પર કૅબ ચલાવતી વખતે ભોગવ્યો હતો. સતનામ સિંહ સાથે મળીને 6:13.25ના સમયમાં ઇતિહાસનો પ્રથમ મેડલ જીતનારા સલમાન ખાનની આ કહાની કોઈ બોલિવૂડ ફિલ્મ કરતાં પણ વધુ ભાવુક અને પ્રેરણાદાયક છે.

18 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા છીનવાઈ, સપનાઓને દફનાવી સ્ટિયરિંગ સંભાળવું પડ્યું

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના પુરે ઢીંગઈ ગામમાં જન્મેલા સલમાન ખાનનું બાળપણ ક્યારેય સરળ રહ્યું નહોતું. છ ભાઈ-બહેનોમાં સૌથી મોટા સલમાનના પિતા મોહમ્મદ કાસિમ ખાન હરિયાણાના તાઉરુમાં ટ્રકની બોડી બનાવવાનું કામ કરતા હતા. સલમાનનું બાળપણથી જ ભારતીય સેનામાં ભરતી થઈને દેશની સેવા કરવાનું સપનું હતું. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે સલમાન માત્ર 18 વર્ષના હતા, ત્યારે ડેન્ગ્યુના કારણે તેમના પિતાનું અચાનક અવસાન થયું. રાતોરાત આખા પરિવારના રાશન અને નાના ભાઈ-બહેનોની જવાબદારી 18 વર્ષના સલમાનના નાજુક ખભા પર આવી પડી. સેનામાં ભરતી થવાનું પોતાનું સપનું દિલમાં દફનાવીને સલમાન કામની શોધમાં દિલ્હી આવી ગયા. પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમણે દિવસ-રાત દિલ્હીની કાળઝાળ ગરમી અને કડકડતી ઠંડીમાં કૅબ ચલાવવાનું શરૂ કર્યું.

- Advertisement -

કિસ્મતે બદલી કરવટ, કૅબ ડ્રાઇવરથી નાયબ સુબેદાર સુધીની સફર

સડકો પર ગાડીઓ દોડાવતી વખતે પણ સલમાનની આંખોમાં સેનાની વર્દીનું સપનું મર્યું નહોતું. એક મિત્રે તેમની સારી ઊંચાઈ અને ફોલાદી શરીર જોઈને તેમને ફરીથી આર્મી ભરતીમાં નસીબ અજમાવવાની સલાહ આપી. સલમાને કૅબની ચાવી બીજા ડ્રાઇવરને સોંપી અને માત્ર 4 મહિનાની દિવસ-રાતની સખત મહેનત બાદ 25 સપ્ટેમ્બર 2018ના રોજ બોમ્બે એન્જિનિયર ગ્રુપ, પુણેમાં ભારતીય સેનામાં જોડાઈ ગયા.

સેનામાં આવ્યા બાદ કોચે તેમની લાંબી ઊંચાઈ જોઈને તેમને રોઇંગમાં ઉતરવાની સલાહ આપી. જે રમતનું નામ પણ સલમાને ક્યારેય સાંભળ્યું નહોતું, તેમાં નાવ સંભાળવી તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતી. બે વખત તેમનું મનોબળ એટલું તૂટી ગયું કે તેઓ રમત છોડવા માંગતા હતા, પરંતુ આર્મીના સિનિયર કોચે તેમનો હાથ પકડી રાખ્યો. સલમાનની મહેનત રંગ લાવી અને તેઓ નેશનલ ગેમ્સથી લઈને એશિયન રોઇંગ કપમાં ગોલ્ડ મેડલ જીતતા ગયા. તેમના આ ઐતિહાસિક પ્રદર્શનના આધારે ભારતીય સેનાએ તેમને નાયબ સુબેદારના પદ પર બઢતી આપી.

- Advertisement -

અંતિમ સમયે પાર્ટનર બદલાયો, છતાં રચ્યો ઇતિહાસ

એશિયન ગેમ્સ 2026થી બરાબર થોડા દિવસ પહેલાં ભારતીય રોઇંગ ટીમમાં મોટો વિવાદ અને અચાનક ફેરફાર થયો. સલમાન અને તેમના સાથી સતનામ સિંહને ક્વાડ્રપલ સ્કલ્સમાંથી હટાવીને અચાનક ડબલ સ્કલ્સમાં મૂકવામાં આવ્યા. ભારે માનસિક તણાવ અને નવી જોડી હોવા છતાં, સતનામ અને સલમાને પાણીમાં ઉતરીને એવું શાનદાર પ્રદર્શન કર્યું કે 1500 મીટરની રેસ સુધી તેઓ ગોલ્ડ મેડલની દોડમાં બીજા સ્થાને રહ્યા. જોકે, અંતિમ 500 મીટરમાં તેઓ નજીવા અંતરથી પાછળ સરકીને ત્રીજા સ્થાને રહ્યા, પરંતુ ભારતને મેન્સ ડબલ સ્કલ્સમાં પ્રથમ એશિયન ગેમ્સ મેડલ અપાવ્યો.

જીવનની સૌથી મોટી જંગ જીતી ગયા સલમાન

ક્યારેક દિલ્હીના ટ્રાફિકમાં થોડા રૂપિયાઓ માટે રાત-રાતભર જાગતો આ યુવક આજે સમગ્ર હિન્દુસ્તાનનું ગૌરવ બની ગયો છે. સલમાન ખાનનો આ બ્રોન્ઝ મેડલ માત્ર એક રમતની જીત નથી, પરંતુ આ તે દરેક વ્યક્તિની જીત છે, જે ગરીબી, મજબૂરી અને દુઃખો સામે હાર માનતો નથી.

- Advertisement -
Share This Article