ડમ્પર, ટ્રક અને મિક્સર જેવા વાહનો સામે સવાલો, અકસ્માત રોકવા માટે જવાબદારી નક્કી કરવાની માગ
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદના રસ્તાઓ પર ડમ્પર, ટ્રક, ક્રેન અને મિક્સર જેવા ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે. વિકાસકામો માટે આવા વાહનો જરૂરી છે, પરંતુ તેમની બેફામ ગતિ અને નિયમોના કથિત ઉલ્લંઘનને કારણે માર્ગ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. છેલ્લા સાડા પાંચ વર્ષના આંકડા પણ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2021થી 2026 દરમિયાન ભારે કમર્શિયલ વાહનો સાથે સંકળાયેલા 521 અકસ્માતોમાં 270 લોકોનાં મોત થયા છે, જ્યારે 182 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવાયું છે. આ અકસ્માતોમાં સૌથી વધુ સંડોવણી ડમ્પરની હોવાનું સામે આવ્યું છે.
ડમ્પર અકસ્માતોમાં સૌથી આગળ
આ 521 અકસ્માતોમાં 241 અકસ્માત ડમ્પર સાથે સંકળાયેલા હતા, જેમાં 131 લોકોનાં મોત થયા છે. માલવાહક ટ્રક સાથે 212 અકસ્માત નોંધાયા હતા, જેમાં 106 લોકોનાં મોત થયા. જ્યારે RMC મિક્સર સાથે 68 અકસ્માત થયા હતા અને તેમાં 33 લોકોનાં મોત થયા હોવાનું જણાવાયું છે.
આ આંકડા માત્ર અકસ્માતોની સંખ્યા નથી, પરંતુ મૃત્યુ પામેલા દરેક વ્યક્તિ પાછળ એક પરિવારની કહાની જોડાયેલી છે. પરિવારના સભ્યના મૃત્યુ બાદ તેમના સ્વજનો માટે જીવનભરનું નુકસાન ઊભું થાય છે.
થલતેજ અને ગોતામાં જીવલેણ ઘટનાઓ
તાજેતરમાં અમદાવાદના થલતેજ વિસ્તારમાં ડમ્પર અકસ્માતમાં એક નાની બાળકીનું મૃત્યુ થયું હતું. અહેવાલ મુજબ, બાળકી તેની માતા અને નાના ભાઈ સાથે જઈ રહી હતી ત્યારે ડમ્પરે તેને અડફેટે લીધી હતી. માતાની નજર સામે બાળકીનું મૃત્યુ થતાં પરિવાર પર ભારે આઘાત આવ્યો હતો. પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરીને વાહનના દસ્તાવેજો સહિત તપાસ શરૂ કરી હતી.
આ ઉપરાંત ગોતા વિસ્તારમાં પણ 19 વર્ષની BSc બાયોટેકનોલોજીની વિદ્યાર્થીની પ્રેરણા નિયમ કોલેજ જતી વખતે ક્રેનની અડફેટે આવી હતી. ક્રેનનું પૈડું તેના પરથી ફરી વળતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. પોલીસે ક્રેન ચાલકની ધરપકડ કરી હતી.
ભારે વાહનોમાં બ્લાઇન્ડ સ્પોટ મોટો પડકાર
ડમ્પર જેવા ભારે વાહનોમાં ડ્રાઇવર ઊંચી કેબિનમાં બેઠો હોય છે. જેના કારણે વાહનની આગળ અને બાજુના વિસ્તારોમાં મોટા બ્લાઇન્ડ સ્પોટ બને છે. નજીકથી પસાર થતા ટુ-વ્હીલર ઘણી વખત ડ્રાઇવરને દેખાઈ ન શકે અને તેના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
વાહનમાં જરૂરી સેફ્ટીગાર્ડ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ યોગ્ય રીતે કાર્યરત હોવી પણ એટલી જ મહત્વની છે. તેમાં ઝડપ ઉમેરાય ત્યારે અકસ્માતનું જોખમ વધુ વધી શકે છે.
રાત્રિના સમયે ભારે વાહનોની અવરજવર પર સવાલ
શહેરમાં ભારે વાહનોની અવરજવર માટે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં નિયંત્રણો હોય છે. પરંતુ નો-એન્ટ્રીનો સમય પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે ભારે વાહનોની અવરજવર વધી જાય છે. આ દરમિયાન ઝડપ, લાંબા સમય સુધી સતત ડ્રાઇવિંગ અને ડ્રાઇવરની થાક અથવા ઊંઘ પણ અકસ્માતનું કારણ બની શકે છે.
ભારે વાહનોમાં ઝડપ નિયંત્રિત કરવા માટે સ્પીડ ગવર્નર જેવી વ્યવસ્થા હોય છે. પરંતુ જો તેમાં ચેડા કરવામાં આવે અથવા સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર રહી જાય તો નિયમોના અમલ અંગે સવાલો ઊભા થાય છે.
અકસ્માત પહેલાં રોકથામ પર ધ્યાન જરૂરી
અકસ્મત બાદ પોલીસ દ્વારા FIR, ડ્રાઇવરની ધરપકડ અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ માત્ર આ કાર્યવાહીથી જીવ ગુમાવનાર વ્યક્તિ પરત આવી શકતી નથી. તેથી અકસ્માત થયા પછીની કાર્યવાહી સાથે અકસ્માત પહેલાં તેને રોકવા માટે શું કરવામાં આવ્યું તે પણ મહત્વપૂર્ણ છે.
RTO દ્વારા વાહન પાસિંગ સમયે નક્કી કરવામાં આવેલા સુરક્ષા ધોરણો રસ્તા પર વાહન દોડતી વખતે પણ જળવાય છે કે નહીં, સ્પીડ ગવર્નર કાર્યરત છે કે નહીં અને ડ્રાઇવર નિયમોનું પાલન કરે છે કે નહીં તેની નિયમિત ચકાસણી જરૂરી બને છે.
શહેરનો વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની ગતિ લોકોના જીવના ભોગે ન થવી જોઈએ. રસ્તા પર ચાલતો દરેક વ્યક્તિ કોઈના પરિવારનો સભ્ય છે. તેથી ભારે વાહનોના અકસ્માતો અટકાવવા માટે માત્ર અકસ્માત પછીની કાર્યવાહી નહીં, પરંતુ જવાબદારી નક્કી કરીને આગોતરી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાનો સવાલ મહત્વનો બની રહ્યો છે.

