Nagaland Toxic Liquor Deaths: નાગાલેન્ડમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ પોલીસે આ શંકાસ્પદ ભેળસેળવાળા દારૂના સ્ત્રોત અને સપ્લાય ચેઇનનો પત્તો લગાવવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી છે.
અહેવાલ મુજબ, પોલીસે શનિવારે (26 સપ્ટેમ્બર) જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં મોખોકચુંગ જિલ્લામાં આઠ અને તુએનસાંગ જિલ્લામાં 11 લોકોનાં શંકાસ્પદ ગેરકાયદેસર દારૂ પીવાથી મોત થયા છે.
જાણવા મળ્યું છે કે નાગાલેન્ડમાં 1990થી દારૂબંધી કાયદો લાગુ છે.
સિનિયર સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ વેસુપ્રા કેઝોએ શનિવારે જણાવ્યું કે એડિશનલ સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ આઈ બુન્ગલાંગ ચાંગના નેતૃત્વવાળી SITને આ મોતની તપાસ કરવા અને શંકાસ્પદ ભેળસેળવાળા દારૂના સ્ત્રોત તથા સપ્લાય ચેઇનનો પત્તો લગાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
મોતનું કારણ જાણવા માટે સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે ગુવાહાટી મોકલવામાં આવ્યા છે. કેઝોએ કહ્યું, ‘અમને કેટલાક સંકેતો મળ્યા છે, પરંતુ અત્યારે માહિતી જાહેર કરવી વહેલી વાત હશે.’
આ મોત બાદ પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડ્યા, 19 લોકોની ધરપકડ કરી અને દારૂની લગભગ 3,000 બોટલો જપ્ત કરી.
પોલીસે લોકોને સલાહ આપી છે કે તેઓ ઓળખ વિનાનો, લેબલ વિનાનો અથવા શંકાસ્પદ ગેરકાયદેસર દારૂ ન પીવે. તેમણે એમ પણ કહ્યું કે દારૂ પીધા બાદ જો કોઈને ચક્કર આવવા, ધૂંધળું દેખાવું, શ્વાસ લેવામાં તકલીફ અથવા બેભાન થવા જેવા લક્ષણો અનુભવાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો.

