‘બાપ છું, બાપ જ રહીશ’, અગાઉ વિદ્યાર્થીનો કોલર પકડીને ચર્ચામાં આવેલા પ્રોફેસર HK પટેલનો નવો વીડિયો સામે આવ્યો
Nirma Professor New Video: ગુજરાતના અમદાવાદ સ્થિત ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીમાં સ્ટેન્ડ-અપ કોમેડી એક્ટ બાદ વિભાગના પ્રમુખ પ્રોફેસર એચ કે પટેલ મંચ પરથી દર્શકોને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે ભીડમાંથી એક વિદ્યાર્થીએ ફિલ્મનો એક જાણીતો ડાયલોગ બોલ્યો હતો, ‘જલ્દી કર, પનવેલ નીકળવાનું છે’. વિદ્યાર્થીની આ ટિપ્પણીથી નારાજ થઈને પ્રોફેસરે વિદ્યાર્થીને મંચ પર બોલાવ્યો અને ત્યારબાદ પ્રોફેસરે ગુસ્સામાં વિદ્યાર્થીનો કોલર પકડી લીધો અને તેને તમીજમાં રહેવાની હિદાયત આપી. આ ઘટના ખૂબ વાયરલ થઈ હતી. હવે નિર્મા યુનિવર્સિટીના આ જ પ્રોફેસરનો બીજો વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ પોતાને બ્રાન્ડ ગણાવતા કહે છે કે જેને જે ઉખાડવું હોય તે ઉખાડી લે. યુનિવર્સિટીએ અગાઉની ઘટનામાં બંનેએ માફી માગ્યા બાદ પણ તેની ગંભીરતા જોતા તપાસ બેસાડી હતી.
શર્ટ પર લખ્યું- HK is The Brand
નવા વીડિયોમાં એચ કે પટેલ કહી રહ્યા છે કે વોચ મી, ત્યારબાદ તેઓ કહે છે કે એચ કે ઇઝ ધ બ્રાન્ડ. તેઓ પોતાની ટી-શર્ટ પર લખેલું બતાવે છે. તેના પર લખ્યું છે, પાવર્ડ બોય યુનિટી, રાઇઝ બોન્ડ એન્ડ રોર. નીચે લખ્યું છે, એચ કે ધ બ્રાન્ડ. પ્રોફેસર એચ કે પટેલ અહીં અટકતા નથી. તેઓ કહે છે કે બાપ છે, બાપ જ રહેશે. જેને જે ઉખાડવું છે તે ઉખાડી લે. આ નિવેદન તેમણે એક કાર્યક્રમમાં આપ્યું છે. તેમની સામે કેટલાક વિદ્યાર્થીઓ બેઠા છે. ત્યારબાદ પ્રોફેસર એચ કે પટેલની ભાષાને લઈને ચર્ચા શરૂ થઈ છે.
Controversial Nirma Professor’s another video is viral pic.twitter.com/qAE2zmoAvb
— Japan K Pathak (@JapanPathak) September 28, 2026
અગાઉની ઘટનામાં આપી હતી ધમકી
અગાઉની ઘટનામાં પ્રોફેસર આ કહેતા પણ સંભળાયા હતા કે હું કોઈપણ હદ સુધી જઈ શકું છું. જે દિવસે તમે નિરમા યુનિવર્સિટી કેમ્પસના કોઈપણ શિક્ષકનું અપમાન કરવાની હિંમત કરી, સમજી લો કે તમે હંમેશાં માટે ગયા. આ ઘટના યુનિવર્સિટીના ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’ના વિદ્યાર્થીઓ તરફથી 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત ત્રણ દિવસીય ફેસ્ટ ‘ટેક્નોફોરા 2026’ દરમિયાન બની હતી.
2003માં થઈ હતી નિરમા યુનિવર્સિટીની સ્થાપના
ગુજરાતના અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2003માં થઈ હતી. આ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટીઓમાંની એક છે. તેની સ્થાપના જાણીતા ઉદ્યોગપતિ ડૉ. કરસનભાઈ કે. પટેલ, નિર્મા ગ્રુપના સ્થાપક, દ્વારા કરવામાં આવી હતી. નિર્મા યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં હાલમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેનું પૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક પણ ઘણું મોટું છે, જેમાં 37 હજારથી વધુ સભ્યો સામેલ છે.
તપાસ વચ્ચે બીજો વીડિયો વાયરલ
મામલો વકર્યા બાદ યુનિવર્સિટી હરકતમાં આવી છે. નિરમા યુનિવર્સિટીના મહાનિર્દેશક પ્રોફેસર આર એન પટેલે જણાવ્યું કે વિવાદ વધ્યા બાદ પ્રોફેસર અને વિદ્યાર્થી બંનેએ પોતાની-પોતાની ભૂલ સ્વીકારીને એકબીજાની માફી માગી લીધી છે. જોકે પરસ્પર સમાધાન છતાં યુનિવર્સિટીએ તેને શિસ્તભંગ અને ગંભીર મામલો માનતા ત્રણ સભ્યોની હાઇ-પાવર કમિટી બનાવી છે, જેમાં ડીન અને ડાયરેક્ટર પણ સામેલ છે. યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે નિયમો હેઠળ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે અને કમિટીની ભલામણોના આધારે જ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. હવે નવા વાયરલ વીડિયોએ નવી ચર્ચા છેડી છે.

