Gujarat Foreign Delegates Visit: ગુજરાતની ગરબા રાજધાની વડોદરાની મુલાકાતે આવશે 61 દેશોના પ્રતિનિધિઓ, ગજારા કૅફેમાં લંચ, પ્રવાસમાં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નો સમાવેશ નહીં

Arati Parmar
3 Min Read

Gujarat Foreign Delegates Visit: ગુજરાતના વડોદરામાં વિશ્વના સૌથી મોટા ગરબાનો ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ બન્યા બાદ આજે આશરે 61 દેશોના પ્રતિનિધિઓ શહેરની મુલાકાતે પહોંચશે. તેઓ પોતાની મુલાકાત દરમિયાન વડોદરાના ઐતિહાસિક વારસાની સાથે બે મોટા ગરબા આયોજનોનો ભાગ બનશે, પરંતુ આ વિદેશી પ્રતિનિધિઓના પ્રવાસમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત સ્ટેચ્યુ ઑફ યુનિટીનો પ્રવાસ સામેલ નથી. વિદેશી મહેમાનો 9 ઑક્ટોબરે પહોંચશે અને 12 ઑક્ટોબરની સવારે વડોદરાથી રવાના થશે.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા આવેલા એકતાનગર, કેવડિયામાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કર્યું હતું. PM મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીને નવી ઊંચાઈએ લઈ જવા માટે આ વિસ્તારના વિકાસને પ્રાથમિકતા આપી છે, પરંતુ વડોદરા આવી રહેલા વિદેશી મહેમાનોના પ્રવાસમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીનો સમાવેશ નથી.

- Advertisement -

કોના આમંત્રણથી પ્રતિનિધિઓ આવી રહ્યા છે?

વિદેશી પ્રતિનિધિઓ ગુજરાત ટૂરિઝમ, વડોદરાનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ, વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી, ઇનક્રેડિબલ ઇન્ડિયા તેમજ બરોડા હેરિટેજ ટ્રસ્ટના આમંત્રણથી આવી રહ્યા છે.

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું કે આ અમારી સતત બીજા વર્ષની પહેલ છે. ગયા વર્ષે પણ અમે BRICS દેશોના સાંસદોને આમંત્રણ આપ્યું હતું. આ સમગ્ર પ્રવાસનું સંયુક્ત આયોજન ‘સોપાન’ (સાંસદ કાર્યાલય, વડોદરા) અને ‘હેરિટેજ ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવ્યું છે.

- Advertisement -

તેમણે જણાવ્યું કે પ્રતિનિધિઓને વડોદરાની સમૃદ્ધ સંસ્કૃતિ અને ગરબાના ઇતિહાસનો અનુભવ કરાવવામાં આવશે. જોશીએ કહ્યું કે સ્ટેચ્યુની વાત કરીએ તો મોટા ભાગના રાજદ્વારીઓ અગાઉ જ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.

વિદેશી મહેમાનો ક્યાં-ક્યાં જશે?

  • FGI ઑડિટોરિયમમાં વડોદરાની કલા અંગે ચર્ચા.
  • વડોદરા શહેરની મુલાકાત, ન્યાય મંદિર અને ફતેહસિંહ મ્યુઝિયમ.
  • સુર સાગર તળાવનાં દૃશ્યો સાથે ગજારા કૅફેમાં બપોરનું ભોજન.
  • લક્ષ્મી વિલાસ પેલેસમાં હાઇ ટી અને ત્યારબાદ મહેલની મુલાકાત.
  • રાજા રવિ વર્માની કલાકૃતિઓથી પ્રેરિત થિયેટર પ્રસ્તુતિ.
  • વડોદરાનાં મહારાણી રાધિકારાજે અને મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ સાથે મુલાકાત.
  • ચાંપાનેર UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઐતિહાસિક વારસા પ્રવાસ.
  • હલોલના રૂબામિન ખાતે ડિઝાઇન અને આર્કિટેક્ચર અંગે ચર્ચા.
  • નવરાત્રિ રાત્રિભોજન: ડૉ. હેમાંગ જોશી દ્વારા, DCM હર્ષ સંઘવીની હાજરીમાં.
  • લક્ષ્મી વિલાસ પેલેસમાં ભવ્ય ગરબાનું નિરીક્ષણ.
  • નવલખી ગ્રાઉન્ડમાં વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું નિરીક્ષણ.

વિદેશ મંત્રીએ અગાઉ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત ગોઠવી હતી

વિદેશ મંત્રી એસ. જયશંકર ઑક્ટોબર 2022ની શરૂઆતમાં દિલ્હીમાં તહેનાત 50થી વધુ વિદેશી રાજદ્વારીઓને લઈને ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. તે સમયે વિદેશ મંત્રી એસ. જયશંકર આ વિદેશી મહેમાનોને નવરાત્રિ ઉત્સવ દરમિયાન લઈને આવ્યા હતા, જ્યાં તેમણે અને વિદેશી રાજદ્વારીઓએ પરંપરાગત ગુજરાતી ડાંડિયા અને ગરબા નૃત્યનો આનંદ પણ માણ્યો હતો.

- Advertisement -

આ સત્તાવાર મુલાકાતનો હેતુ વિદેશી રાજદ્વારીઓને ભારતના આ ઐતિહાસિક વારસા, આધુનિક એન્જિનિયરિંગના આ અજાયબી સમાન નમૂના અને ‘ન્યૂ ઇન્ડિયા’ની ભવ્યતાથી પરિચિત કરાવવાનો હતો. આ વખતેના પ્રવાસમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીનો સમાવેશ નથી.

વિદેશી મહેમાનો મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવતાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને એકતાના પ્રતીકને વ્યાપક ચર્ચા મળી હતી. PM મોદી દર વર્ષે 31 ઑક્ટોબરે એકતા દિવસની પરેડ માટે કેવડિયા પહોંચે છે.

Share This Article