ડૂરન્ડ લાઇન પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી ગોળીબાર, પાકિસ્તાનનાં 2 સુરક્ષા ટાવર તોડી પડાયાં
Pakistan Afghanistan Border Clashes: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડૂરન્ડ લાઇન પર શનિવારે પણ ભીષણ અથડામણ થઈ હતી, જેમાં 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. તાજેતરની અથડામણો શનિવારે બપોરની આસપાસ અફઘાનિસ્તાનના પક્તિયા પ્રાંતના દંડ પાટન જિલ્લાને અડીને આવેલી સરહદ પર થઈ હતી. અફઘાનિસ્તાનના તાલિબાન શાસન સાથે જોડાયેલા સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 6 પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદની સુરક્ષા અને ઉગ્રવાદીઓની અવરજવરને લઈને લાંબા સમયથી તણાવ છે અને સરહદ પર અનેક વખત સીધી અથડામણ થઈ ચૂકી છે.
પાકિસ્તાનના 2 સુરક્ષા ટાવર તબાહ
અફઘાન સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની દળો સરહદ પર ગેરકાયદે ચોકીઓ બનાવી રહ્યાં હતાં. તેમને રોકવામાં આવતાં પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં તાલિબાન સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. અફઘાન સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન તરફના બે સુરક્ષા ટાવર અને એક નિરીક્ષણ કૅમેરો પણ નષ્ટ કરી દેવામાં આવ્યાં હતાં.
ટોલો ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે દંડ પાટન જિલ્લામાં હજુ પણ છૂટાછવાયા અંતરે અથડામણો થઈ રહી છે. જોકે, લડાઈની તીવ્રતા ઘટી ગઈ છે. બીજી તરફ, પાકિસ્તાની અધિકારીઓએ આરોપ મૂક્યો હતો કે અફઘાન સરહદી દળોએ પાકિસ્તાનના કુર્રમ જિલ્લામાં ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં તેમનાં દળોએ પણ વળતો હુમલો કર્યો હતો.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ
તાજેતરની અથડામણો એવા સમયે થઈ છે, જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. છેલ્લાં કેટલાંક મહિનાથી સરહદ પર વારંવાર અથડામણો થઈ રહી છે, જે બંને તરફ સરહદ પારના હુમલાઓ સુધી પહોંચી ગઈ છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર હવાઈ હુમલા કર્યા છે. બીજી તરફ, અફઘાન તાલિબાને પાકિસ્તાનની અંદર ડ્રોન હુમલા કરીને નિશાન બનાવ્યાં છે.
પાકિસ્તાને આરોપ મૂક્યો છે કે કાબુલનું તાલિબાન વહીવટીતંત્ર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ઉગ્રવાદીઓને અફઘાન ભૂમિ પરથી કામગીરી કરવા અને પાકિસ્તાનની અંદર હુમલા કરવાની છૂટ આપી રહ્યું છે. અફઘાન તાલિબાને આ આરોપોનો સતત ઇનકાર કર્યો છે અને TTPને પાકિસ્તાનની આંતરિક સમસ્યા ગણાવી છે.

