આમ જનમત પાર્ટીના દાનમાં રૂ. 250 કરોડની સરકારી આવકના નુકસાનનો આરોપ, તપાસ શરૂ થતાં આરોપીઓ ભૂગર્ભમાં
Political Party Funding Investigation: લોકસભા ચૂંટણી પહેલાં આમ જનમત પાર્ટીને મળેલા આશરે રૂ. 840 કરોડના દાનની તપાસ શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગ અને CID ક્રાઇમે કેસ નોંધાવીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ મિશ્રા, CA મયૂર સિંહ સહિત 7 લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. તપાસ શરૂ થતાં જ આરોપીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા.
ચૂંટણી સુધારણા માટે કામ કરતી સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે પોતાના અહેવાલમાં ગત લોકસભા ચૂંટણી પહેલાં કેટલીક નોંધાયેલી કંપનીઓને મળેલા સેંકડો કરોડ રૂપિયાના મામલાને ઉઠાવ્યો હતો.
CID ક્રાઇમ અને આવકવેરા વિભાગે આમ જનમત પાર્ટીને વર્ષ 2022-23માં દાનમાં મળેલા આશરે રૂ. 620 કરોડ અને વર્ષ 2023-24માં મળેલા આશરે રૂ. 220 કરોડના મામલે FIR નોંધાવી છે.
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ મિશ્રા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, દિનેશ જૈન, આકાશ સોની અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર સિંહ સહિત 7 લોકો સામે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાનું દાન એકત્રિત કરવા તથા સરકારી તિજોરીને આશરે રૂ. 250 કરોડનું નુકસાન પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
રાજકીય પક્ષોના ભંડોળમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનાં ગુજરાત સંયોજક અને સામાજિક કાર્યકર પંક્તિ જોગનું કહેવું છે કે આ મામલો રાજકીય પક્ષોના ભંડોળમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂકે છે.
એસોસિયેશને નોંધાયેલા પરંતુ માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષોના ભંડોળના અગાઉના વિશ્લેષણમાં પણ આવા પક્ષોના કિસ્સા ઉજાગર કર્યા હતા. આ પક્ષોએ ચૂંટણીમાં ખૂબ મર્યાદિત ભાગીદારી હોવા છતાં મોટી માત્રામાં દાન મેળવ્યું હતું. તેથી તમામ પક્ષોના દાનના સ્રોત, પ્રાપ્ત થયેલી રકમ, ખર્ચ અને ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓની માહિતી નિર્ધારિત સમયમર્યાદામાં જાહેર કરવી જોઈએ.

