નવી દિલ્હી : દેશમાં ત્રીજી વાર એનડીએની(NDA)સરકાર બનવા જઇ રહી છે. જેમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર રવિવારે સાંજે વડાપ્રધાન તરીકેના શપથ લેશે. જેને લઇને દિલ્હીમાં(Delhi) તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે . તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીને નો-ફ્લાઇંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 9 અને 10 જૂનના રોજ દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમજ રાષ્ટ્રપતિ ભવનની આસપાસ NSG કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર તૈનાત કરવામાં આવ્યા છે.

ઓબેરોય જેવી હોટેલોને પહેલેથી જ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવી
રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. દિલ્હીની લીલા, તાજ, આઈટીસી મૌર્ય, ક્લેરિજ અને ઓબેરોય જેવી હોટેલોને પહેલાથી જ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવી છે.
રાષ્ટ્રીય રાજધાની હાઈ-એલર્ટ પર ત્રિ-સ્તરીય સુરક્ષા
અધિકારીઓએ જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ માટે દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કો-ઓપરેશનના સભ્ય દેશોના મહાનુભાવોના આમંત્રણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની ‘હાઈ એલર્ટ’ પર રહેશે. સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે. શપથ ગ્રહણ માટે દિલ્હીમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

