દવાઓના MRP અને વેચાણ કિંમત વચ્ચે મોટો તફાવત, સુપ્રીમ કોર્ટે પૂછ્યું- દર્દીઓ પાસેથી આટલા પૈસા કેમ વસૂલાય છે?
SC Medicine Price Control: દવાઓના મહત્તમ છૂટક ભાવ (MRP) અને છૂટક વિક્રેતાઓને મળતી કિંમત વચ્ચેના મોટા તફાવત અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે (27 ઑક્ટોબર) કેન્દ્ર સરકારને સખત ફટકાર લગાવી હતી.
અદાલતે પૂછ્યું કે શું સરકાર આ ‘લૂંટ’ને યોગ્ય ઠેરવવા માટે કોઈ દલીલ આપી શકે છે? સાથે જ, તેણે સવાલ કર્યો કે શું દવા ઉત્પાદકોને મનસ્વી રીતે કામ કરવાની ખુલ્લી છૂટ આપવી જોઈએ?
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું કે રાષ્ટ્રીય ઔષધિ કિંમત નિર્ધારણ સત્તામંડળ (NPPA) સંપૂર્ણપણે નિષ્ક્રિય સંસ્થા હોવાનું જણાય છે. ખંડપીઠે સરકારને એ પણ પૂછ્યું કે સમગ્ર વ્યવસ્થા દવા ઉત્પાદકોના હિતમાં જ શા માટે કામ કરી રહી છે.
સર્વોચ્ચ અદાલતે દવાઓ સંબંધિત બે અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ અરજીઓમાં દવાઓના ભાવ પર કડક નિયંત્રણ સુનિશ્ચિત કરવા સહિતના અનેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા.
જ્યારે કેન્દ્ર સરકારે ખંડપીઠને જણાવ્યું કે કેન્સરવિરોધી દવાઓ પરના વેપારી માર્જિનને મહત્તમ છૂટક ભાવ (MRP)ના 30 ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ખંડપીઠે પૂછ્યું કે બધી દવાઓ માટે એકસમાન 16 ટકા માર્જિન શા માટે નક્કી કરી શકાય નહીં.
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ખંડપીઠને કહ્યું, ‘સરકારની નીતિ એ છે કે સમગ્ર વ્યવસ્થાને નિયંત્રિત કરવી જોઈએ નહીં.’
ખંડપીઠે ઉદાહરણ આપતાં કહ્યું કે જે દવાની છૂટક વિક્રેતા માટેની કિંમત (PTR) 15 રૂપિયા છે, તેનો મહત્તમ છૂટક ભાવ 250 રૂપિયા છે. ખંડપીઠે પૂછ્યું, ‘શું તમે આ લૂંટને યોગ્ય ઠેરવવા માટે કોઈ દલીલ આપી શકો છો?’ તેણે આગળ કહ્યું, ‘સરકાર આવું થવા દે છે. આ બધું સરકારની નજર સામે થઈ રહ્યું છે.’
જ્યારે ભાટીએ ભાવ નિયંત્રણના મુદ્દાનો ઉલ્લેખ કર્યો, ત્યારે ખંડપીઠે પૂછ્યું, ‘શું તેમને મનસ્વી રીતે કામ કરવાની છૂટ આપવી જોઈએ?’
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા કાનૂની અધિકારીએ અદાલતને જણાવ્યું કે ભારતમાં દવાઓના ભાવ દુનિયામાં સૌથી ઓછા છે.
દવાઓના મહત્તમ છૂટક ભાવ (MRP) અને છૂટક વિક્રેતા માટે નિર્ધારિત કિંમત (PTR) વચ્ચેના તફાવતનો ઉલ્લેખ કરતાં ખંડપીઠે કહ્યું, ‘સમગ્ર વ્યવસ્થા આ લોકોને મદદ કરવા માટે શા માટે કામ કરી રહી છે?’
સુપ્રીમ કોર્ટે તાજેતરના એક કેસનો ઉલ્લેખ કર્યો, જેમાં એક મેડિકલ વિતરકની પત્નીને કેન્સરની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અદાલતે જણાવ્યું કે હોસ્પિટલે એક ઇન્જેક્શન માટે 1.30 લાખ રૂપિયા વસૂલ્યા હતા, જ્યારે એ જ ઇન્જેક્શન દવાના વિતરકને 11,000 રૂપિયામાં મળતું હતું.
ખંડપીઠે કહ્યું, ‘એવું લાગે છે કે સામાન્ય જનતા કોઈ કાલ્પનિક દુનિયામાં જીવી રહી છે કે એક દિવસ NPPA તરફથી તેમને લાભ મળશે.’
જાણવા જેવું છે કે NPPAની રચના દવાઓના ભાવ નિયંત્રિત કરવા અને દવાઓ પોષણક્ષમ કિંમતે ઉપલબ્ધ થાય તથા લોકો સુધી તેમની પહોંચ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે એક સ્વતંત્ર નિયમનકારી સંસ્થા તરીકે કરવામાં આવી હતી.
જ્યારે ભાટીએ ભાવ નિયંત્રણના મુદ્દાનો ઉલ્લેખ કર્યો, ત્યારે ખંડપીઠે કહ્યું, ‘આ નિયંત્રણનો સવાલ નથી. ભાવમાં 300 ટકા, 400 ટકા અથવા તેનાથી પણ વધુનો તફાવત છે. આ તફાવત શા માટે છે? આ પૈસા ક્યાં જાય છે? ભાવમાં આટલા મોટા તફાવતને કઈ રીતે યોગ્ય ઠેરવી શકાય?’
સરકારી વકીલે કેન્દ્રના સોગંદનામાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય દવા બજારમાં ઘણી સ્પર્ધા છે. અહીં દરેક પ્રકારની દવાઓના ક્ષેત્રમાં અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ હાજર છે, જેના કારણે અહીં દવાઓ દુનિયામાં સૌથી સસ્તી મળે છે.
જ્યારે ભાટીએ ભાવ નિયંત્રણ માટે સંતુલિત અને તબક્કાવાર અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, ત્યારે ખંડપીઠે કહ્યું કે દર્દીઓ પાસે ભાવતાલ કરવાની શક્તિ હોતી નથી અને તેમણે દવાઓ માટે અત્યંત ઊંચી કિંમતો ચૂકવવી પડે છે.
ખંડપીઠે કહ્યું, ‘અમે ઇચ્છીએ છીએ કે દરેક દવાને જેનરિક દવા ગણવામાં આવે.’
અદાલતે કેન્દ્ર સરકારને એ પણ પૂછ્યું કે કેન્સરવિરોધી દવાઓ પરના વેપારી માર્જિનને MRPના 30 ટકા સુધી મર્યાદિત કરવામાં આટલો સમય શા માટે લાગ્યો.
ખંડપીઠે કાનૂની અધિકારીને કહ્યું, ‘જ્યારે અમે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું, ત્યારે જ સરકારની ઊંઘ ઊડી અને હવે તમે કહી રહ્યા છો કે અમે આ પગલું લઈ લીધું છે.’
ભાટીએ દવા ઉદ્યોગના વિકાસના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો. તેના પર ખંડપીઠે કહ્યું, ‘તમે વેપાર અને આર્થિક નીતિની વાત કરી રહ્યા છો. દર્દીઓનાં હિતોને વેપારની સામે તોલશો નહીં.’
અદાલતે સવાલ કર્યો, ‘જ્યારે અમે દર્દીઓ અને તેમના જીવનની વાત કરીએ છીએ, ત્યારે શું આપણે તેને મૂડીવાદી દૃષ્ટિકોણથી જોઈ શકીએ?’
12 ઑક્ટોબરે આ કેસની સુનાવણી દરમિયાન પણ સર્વોચ્ચ અદાલતે કેન્સરવિરોધી દવાઓ પરના વેપારી માર્જિનને MRPના 30 ટકા સુધી મર્યાદિત કરવા અંગે કેન્દ્ર સરકારના જવાબને ‘ભાગ્યે જ સંતોષકારક’ ગણાવ્યો હતો. અદાલતે એ પણ પૂછ્યું હતું કે સરકાર અન્ય દવાઓના વેપારી માર્જિન પર મર્યાદા શા માટે નક્કી કરી શકતી નથી.
આ પહેલાં, હોસ્પિટલો દ્વારા કેન્સરની દવાઓના ભાવમાં ભારે વધારો કરવામાં આવતો હોવા બદલ સર્વોચ્ચ અદાલતની ટીકા સહન કરી ચૂકેલી કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેણે કેન્સરવિરોધી દવાઓ પરના વેપારી માર્જિનને MRPના 30 ટકા સુધી મર્યાદિત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર અનુસાર, આ પગલાથી દર્દીઓને વાર્ષિક આશરે 2,500 કરોડ રૂપિયાની બચત થવાની અપેક્ષા છે.
તે સમયે પણ ખંડપીઠે કેન્દ્રના જવાબને અપૂરતો ગણાવ્યો હતો. અદાલતે એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી કે બજારમાં એક સેલાઇન ડ્રિપની કિંમત 270 રૂપિયા છે, જ્યારે તેની વાસ્તવિક કિંમત માત્ર 11 રૂપિયા છે.
એક અરજીમાં અધિકારીઓને નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી કે આવશ્યક દવાઓના ભાવમાં કથિત અનૈતિક વધારાને અટકાવીને દવાઓનું ઉત્પાદન અને વેચાણ વધુ પોષણક્ષમ બનાવવામાં આવે. અરજીમાં દવા કંપનીઓ અને છૂટક વિક્રેતાઓ દ્વારા આવશ્યક દવાઓના ભાવમાં અયોગ્ય રીતે વધારો કરવામાં આવતો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
અરજીમાં ઔષધિ કિંમત નિયંત્રણ આદેશ, 2013 હેઠળ કડક ભાવ નિયંત્રણ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપવાની પણ માગ કરવામાં આવી હતી, જેથી દવાઓની પુરવઠા શૃંખલામાં ભાવ નિર્ધારણની વ્યવસ્થાના ઉલ્લંઘન અને અયોગ્ય વેપારી રીતો દ્વારા છૂટક વિક્રેતાઓ વધુ પડતો નફો કમાય તેના પર રોક લગાવી શકાય.
બીજી અરજીમાં એવા તબીબી વ્યાવસાયિકો સામે શિસ્તભંગનાં પગલાં લેવાની માગ કરવામાં આવી હતી, જેઓ દર્દીઓને જેનરિક દવાઓ લખી આપતા નથી.

